લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ બનાવેલું INDI ગઠબંધનના ભવિષ્ય પર હવે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. એક તરફ બિહાર CM અને JDU ચીફ નીતીશ કુમાર NDAમાં સામેલ થઈ ગયા છે તો બીજી તરફ મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે અનુક્રમે બંગાળ અને પંજાબમાં ગઠબંધન કરવાની ઘસીને ના પાડી દીધી છે. અખિલેશ યાદવે UPમાં હજુ વાતચીત ચાલતી હતી ત્યાં 80માંથી માત્ર 11 બેઠકો કોંગ્રેસને આપવાની ઘોષણા કરી દીધી. મીડિયામાં ચાલતી ચર્ચાઓ અને અમુક અહેવાલોનું માનીએ તો રાહુલ ગાંધીની અમુક ટિપ્પણીઓ અને કોંગ્રેસની બેદરકારીના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે.
થોડા દિવસ પહેલાં INDI ગઠબંધનની એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, નીતીશ કુમાર, લાલુ યાદવ, અરવિંદ કેજરીવાલ સહિતના ગઠબંધનની સભ્ય પાર્ટીઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ જ બેઠકમાં ગઠબંધનના અધ્યક્ષ અને કન્વીનર નીમવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં કન્વીનર તરીકે નીતીશ કુમારના નામની ચર્ચા કરવામાં આવી પરંતુ તેમની નિયુક્તિને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, નીતીશના નામની ઘોષણા પહેલાં મમતા બેનર્જીની મંજૂરી જરૂરી છે. નીતીશ કુમારને આ ટિપ્પણીઓ ‘અપમાનજનક’ લાગી અને પછી તેમણે સામેથી જ કહ્યું કે તેમના સ્થાને લાલુ યાદવ અથવા અન્ય નેતાને જવાબદારી સોંપવામાં આવે.
નોંધવું જોઈએ કે નીતીશ કુમાર જ હતા, જેમણે ભાજપવિરોધી ગઠબંધન ઉભું કરવા માટે પહેલ કરી હતી અને પહેલી બેઠક પટનામાં જ મળી હતી. પરંતુ ગઠબંધનની રચના બાદ તેમને અમુક એવા અનુભવો થયા, જેનાથી તેમણે અંતર બનાવી લીધું. રાહુલ ગાંધીની ટિપ્પણી તેમાંનો એક કડવો અનુભવ હોવો જોઈએ.
આ જ બેઠકમાં રાહુલ ગાંધીએ બીજી એક ટિપ્પણી કરી હતી, જેના કારણે AAP પણ દૂર થઈ ગઈ. રાહુલ ગાંધી હળવાશના મૂડમાં મજાક કરવા ગયા પરંતુ તેની અવળી અસર પડી હતી. બેઠકમાં તેમણે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સીટ શેરિંગ પર નિર્ણય લેવા માટે ઝડપથી કામ કરવું પડશે કારણ કે પછીથી તેઓ યાત્રા માટે નીકળી રહ્યા છે અને કેજરીવાલ કદાચ બહુ જલ્દી જેલમાં જઈ શકે છે. અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં જ AAP નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, તેઓ પંજાબમાં કોઇ પણ ગઠબંધન વગર તમામ બેઠકો પર લડશે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત કૂમી કપૂરની કોલમમાં આ કિસ્સાઓ ટાંકવામાં આવ્યા છે.
13 વર્ષ પહેલાં નિધન પામેલા નેતાના નામે કોંગ્રેસે ટીકીટ માંગી
અન્ય એક કિસ્સાથી કોંગ્રેસની તૈયારીઓ કેટલી નબળી છે તેનો ખ્યાલ આવે છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી માટે ચર્ચા ચાલી રહી હતી. પહેલાં કોંગ્રેસે વધુ બેઠકો માંગી હતી પણ આખરે આંકડો 20 પર પહોંચ્યો. આ માટેની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસે એક બેઠક પર એવા ઉમેદવાર માટે ટીકીટની માંગ કરી હતી, જેમનું નિધન 13 વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે. જ્યારે અખિલેશ યાદવે ધ્યાન દોર્યું ત્યારે કોંગ્રેસ નેતાઓને ધ્યાને આવ્યું હતું.
કોંગ્રેસનું આવું ‘હોમવર્ક’ અને બેદરકારી જોઈને અખિલેશ યાદવે વાતચીત વચ્ચે જ પાર્ટીને 11 બેઠકો આપવાનું એલાન કરી દીધું અને વાતનો વીંટો વાળી દીધો હતો. જોકે, કહેવાય છે કે પહેલાં તેઓ 80માંથી કોંગ્રેસને માત્ર 5 બેઠકો આપવાના પક્ષમાં હતા.
આ કિસ્સાઓ પરથી ખ્યાલ આવે કે રાહુલ ગાંધીનાં અપરિપક્વ નિવેદનો પાર્ટીને ક્યાં સુધી નુકસાન કરી રહ્યાં છે તો એ પણ સમજી શકાય કે કોંગ્રેસના બૂથ સ્તરના નેતાઓ હવે કેટલા બેદરકાર અને નિષ્ક્રિય થઈ ગયા છે. જે ગઠબંધનના જોરે અને જે પ્રાદેશિક પાર્ટીઓને સાથે લઈને કોંગ્રેસ મોદી અને ભાજપને હરાવવા નીકળી હતી તે ગઠબંધનના ભવિષ્ય પર જ હવે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.