દેવાધિદેવ મહાદેવના ધામ સોમનાથમાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન કાર્યવાહી ચાલુ છે. સોમનાથ સ્થાનિક તંત્ર દ્વારા ભારે સુરક્ષા દળ સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજા દિવસની આ કામગીરીમાં મંદિર નજીકના મુખ્ય માર્ગ પરથી દબાણો હટાવવામાં આવ્યાં હતાં. આ સરકારી જગ્યા પર લોકોએ વર્ષોથી ગેરકાયદે દબાણ કરીને કબજો કરી રાખ્યો હતો. જિલ્લા તંત્રએ મોટા પોલીસ કાફલાને સાથે રાખીને આ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તંત્રએ સોમનાથ મંદિરના મુખ્ય માર્ગમાં ઉભા કરવામાં આવેલા 144થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કર્યાં હતાં. આ કામગીરી આરંભાય તે પહેલાં તંત્રએ દબાણ કરનારાઓને નોટિસ ફટકારીને જગ્યા ખાલી કરવા માટે આદેશ આપ્યા હતા. તંત્રએ શંખ સર્કલથી માંડીને હમીરજી સર્કલ સુધી આ ડ્રાઈવ ચલાવી હોવાનું મીડિયા અહેવાઓ મારફતે જાણવા મળ્યું છે.
આ બંને સર્કલ વચ્ચેના મુખ્ય માર્ગમાં અનેક લોકોએ લારી-ગલ્લા અને પાથરણાં કરીને દબાણ કરી દીધું હતું. આ કામગીરી મામલે સોમનાથ પોલીસના અધિકારી વી.આર ખેંગારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “નગરપાલિકાએ ગઈકાલે જ 144થી વધુ ગેરકાયદેસર દબાણ કરનારાઓને નોટિસ પાઠવીને જગ્યા ખાલી કરવાના આદેશ આપ્યા હતા. આજે વહેલી સવારથી જ પ્રશાસને મોટી સંખ્યામાં પોલીસ દળને સાથે રાખીને ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં આ ડ્રાઈવમાં વર્ષો જૂનાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જોકે કેટલાક લોકોએ ડ્રાઈવનો વિરોધ કર્યો હતો પણ પ્રશાસને મચક આપ્યા વગર સરકારી જગ્યા ખાલી કરાવડાવી હતી.”
શનિવારે 17 વીઘાં જમીન પર બુલડોઝર ફેરવી દબાણ હટાવવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે સોમનાથ પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની કામગીરીનો આ બીજો દિવસ છે. શનિવારે (27 જાન્યુઆરી) યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો દબાણો હટાવવા પહોંચ્યો તો લોકોએ ઘરોની બહાર નીકળીને વિરોધ પણ દર્શાવ્યો હતો. જોકે, તંત્રએ આ મામલે પીછેહઠ ન કરતાં તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 100 જેટલાં ઝૂંપડાં અને 21 જેટલા પાક્કા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. હમણાં સુધીમાં 17 વીઘાં જમીન પર બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં છે.