બિહારના રાજકારણમાં આજનો દિવસ મહત્વનો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજીનામું આપીને ભાજપના સમર્થનથી સરકાર બનાવી શકે તેવી વાતો અને અટકળો વચ્ચે રાજધાની પટનામાં JDUના ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. બીજી તરફ, ભાજપ ધારાસભ્યો પણ પાર્ટી ઓફિસે પહોંચી રહ્યા છે.
ચર્ચા એવી ચાલે છે કે નીતીશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અને ભાજપનું સમર્થન મળ્યા બાદ ફરીથી સરકાર રચવાનો દાવો કરશે. ત્યારબાદ રાજ્યપાલના આમંત્રણથી ફરીથી શપથ ગ્રહણ કરશે. સાંજે 4 વાગ્યે તેઓ શપથ લઇ શકે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તેમણે રાજ્યપાલને મળવાનો સમય પણ માગ્યો હોવાનું એજન્સીના અહેવાલો મારફતે જાણવા મળ્યું છે.
Bihar Chief Minister Nitish Kumar has sought time to meet the Governor today morning: Sources
— ANI (@ANI) January 28, 2024
આ લખાય રહ્યું છે ત્યારે પટનામાં મુખ્યમંત્રી નિવાસસ્થાને જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યોની એક બેઠક થઈ રહી છે. અહીં સાંસદો પણ હાજર છે. MP કૌશલેન્દ્ર કુમારે કહ્યું કે, અમને બોલાવવામાં આવ્યા તેથી અમે અહીં આવ્યા છીએ. અન્ય એક સાંસદે કહ્યું કે, આવી બેઠકો થતી રહે છે. આજની બેઠકમાં અમારા નેતા CM નીતીશ કુમાર પાર્ટી અને રાજ્યના હિતમાં જે કોઇ નિર્ણય લેશે તેને અમારું સમર્થન હશે.
મીડિયાના રિપોર્ટ અનુસાર, ભાજપે નીતીશ કુમાર સમક્ષ શરત મૂકી છે કે તેઓ પહેલાં રાજીનામું આપે ત્યારબાદ જ તેમને પાર્ટી તરફથી સમર્થન પત્ર મળશે. જોકે, બંને પાર્ટીઓ તરફથી આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી. યોજના એવી છે કે નીતીશ કુમાર રાજીનામું આપે ત્યારબાદ NDAની એક બેઠક મળશે, જેમાં ભાજપ અને અન્ય સહયોગી પાર્ટીઓ તેમને સમર્થન પત્ર આપશે અને નીતીશને ધારાસભ્યોના નેતા ચૂંટવામાં આવશે.
જોકે, રિપોર્ટનું માનીએ તો નીતીશ કુમારને પણ એક ડર છે, જેથી બેઠકમાં JDU નેતા એવો પણ પ્રસ્તાવ મૂકી શકે કે પહેલાં સમર્થન પત્ર આપવામાં આવે ત્યારબાદ જ નીતીશ રાજીનામું આપે. કારણ કે નીતીશ કુમાર પાર્ટીને ડર છે કે ક્યાંક તેઓ રાજીનામું આપે ત્યારબાદ ભાજપ કોઇ ખેલ ન કરી દે અને રાજ્યપાલ દ્વારા વિધાનસભા ભંગ કરવાની ભલામણ ન કરી દેવાય! અહેવાલો એવું પણ કહી રહ્યા છે કે JDUની બેઠકમાં અમુક ધારાસભ્યો નીતીશ સમક્ષ રજૂઆત કરશે કે તેઓ ભાજપ પાસેથી સમર્થન પત્ર મેળવ્યા વગર રાજીનામું આપે નહીં, નહીંતર ભાજપ કોઇ ખેલ પાડી શકે છે અને તેઓ વાયદા પર અડગ રહે તેવું માનીને ચાલી શકાય નહીં.