બિહારના મુખ્યમંત્રી અને JDU અધ્યક્ષ નીતીશ કુમાર ફરી એકવાર NDAમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શનિવાર (27 જાન્યુઆરી) ખૂબ મહત્વપૂર્ણ છે. જાણવા મળી રહ્યું છે કે, શનિવારે (27 જાન્યુઆરી) બિહાર ભાજપની કાર્યસમિતિની બેઠક છે, જેમાં ધારાસભ્યો અને સાંસદો હાજર રહેશે. રવિવારે (28 જાન્યુઆરી) JDU ધારસભ્યની બેઠક પણ મળવા જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. સાથે-સાથે RJDએ પણ શનિવારે (27 જાન્યુઆરી) ધારસભ્ય દળની બેઠક બોલાવી છે.
આ ઘટનાક્રમ વચ્ચે લાલુ યાદવે નીતીશ કુમારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા પણ તેઓએ લાલુ યાદવના કોલ પણ રિસીવ ના કર્યા હોવાનું મીડિયા સૂત્રોના હવાલે જણાવી રહ્યું છે. તેવામાં હવે નીતીશ કુમાર ફરી એકવાર ભાજપના નેતૃત્વવાળા NDAમાં સામેલ થાય તેવી અટકળોએ જોર પકડયું છે.
બે-ત્રણ દિવસથી નીતીશ કુમાર ટૂંક સમયમાં NDAમાં સામેલ થાય તેવી અટકળોએ વેગ પકડ્યો છે અને હવે ચિત્ર ધીમે-ધીમે સ્પષ્ટ થતું જાય છે. હાલ નીતીશ કુમારનું NDAમાં સામેલ થવું નક્કી માનવામાં આવી રહ્યું છે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે તેઓ શનિવારે (27 જાન્યુઆરી) બિહારના મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી શકે છે અને રવિવારે (28 જાન્યુઆરી) ભાજપના સમર્થનથી ફરી એક વખત CM પદના શપથ લઇ શકે છે. બીજી તરફ બિહાર કોંગ્રેસમાં પણ ભંગાણ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સાથે-સાથે તમામ પક્ષોએ ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવી છે.
લાલુ યાદવના ફોન ઉપડાવાનું બંધ કર્યું
આ રાજકીય તણાવ બાદ બિહારમાં મહાગઠબંધન તૂટવાનું હવે નિશ્ચિત દેખાઈ રહ્યું છે. નીતીશ કુમારે તેમના તેજસ્વી યાદવથી પણ દૂરી બનાવી છે. પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં પણ બંને એકબીજાથી દૂર-દૂર રહેતા જોવા મળ્યા હતા. સાથે એ પણ જાણવા મળ્યું છે કે નીતીશ કુમાર લાલુ યાદવ સાથે પણ વાત કરવા માટે રાજી નથી. લાલુ યાદવે તેમને અનેક કોલ કર્યા હોવા છતાં તેમણે કોલ રિસીવ કર્યા નથી. આ ઘટનાક્રમ વચ્ચે એવી રાજકીય અટકળો વહેતી થઈ છે કે, શનિવારે (27 જાન્યુઆરી) નીતીશ કુમાર બિહારના CM પરથી રાજીનામું આપી દેશે.
સાથે એ પણ નોંધવા જેવુ છે કે, શનિવારે (27 જાન્યુઆરી) બિહાર ભાજપના ધારાસભ્યોની બેઠક મળવા જઈ રહી છે, સાથે-સાથે RJDએ પણ ધારસભ્ય દળની બેઠક બોલાવી છે. જ્યારે બીજી તરફ રવિવારે (28 જાન્યુઆરી) JDU ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.
કોંગ્રેસમાં પણ ભંગાણ થવાની શક્યતા?
આ તણાવ વચ્ચે કોંગ્રેસના 13 ધારાસભ્યોના ફોન પણ બંધ આવી રહ્યા છે. અહેવાલોમાં કહેવાય રહ્યું છે કે, કોંગ્રેસના ઘણા ધારાસભ્યો BJP અને JDUના સંપર્કમાં છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નીતીશ કુમારને મનાવવા માટે કોંગ્રેસ હવે સોનિયા ગાંધીનો ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ કરી શકે છે. જોકે, હવે મોડું થઈ ચૂક્યું છે. ક્યાંક એવું પણ બને કે રાહુલ ગાંધી યાત્રા લઈને બિહાર પહોંચે તે પહેલાં અડધા ધારાસભ્યો પાર્ટી છોડી ગયા હોય. હાલ બિહારમાં કોંગ્રેસના 19 ધારાસભ્યો છે.