બિહારમાં ફરીથી સરકાર બદલાવા જઈ રહી છે. મુખ્યમંત્રી અને JDU ચીફ નીતીશ કુમારનું NDAમાં સામેલ થવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ CM પદેથી રાજીનામું આપીને ફરીથી ભાજપના સમર્થનથી સરકાર બનાવી શકે છે.
મીડિયાનાં સૂત્રો અનુસાર, નીતીશ કુમાર આગામી 28 જાન્યુઆરીએ નવમી વખત બિહારના CM તરીકે શપથ ગ્રહણ કરશે. પરંતુ આ વખતે ફરી એક વખત તેઓ સરકાર ભાજપના સમર્થનથી બનાવશે. હાલ બિહારમાં તેમની પાર્ટી JDU અને RJD વચ્ચે ગઠબંધનની સરકાર છે. તેઓ RJD છોડીને ફરી ભાજપનો હાથ પકડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
Nitish Kumar may take oath as Chief Minister of JD(U)-BJP government on Sunday, Sushil Modi as deputy: Sources#BreakingNews #NitishKumar #JDU pic.twitter.com/FkH9byw5iR
— IndiaToday (@IndiaToday) January 26, 2024
અહેવાલો મુજબ, આ વખતે પણ ડેપ્યુટી સીએમ ભાજપના હશે, જેમાં સુશીલ મોદીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મોદી અગાઉ પણ ભાજપ-JDU સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. તેમની સાથે અન્ય પણ કોઇ નેતા ડેપ્યુટી સીએમ બની શકે છે. એટલે કે નવી સરકારમાં 2 ડેપ્યુટી સીએમ પણ હોય શકે.
જાણકારી અનુસાર, નીતીશની પાર્ટી JDUએ તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અને પાર્ટીના તમામ ધારાસભ્યોને પટના આવવા માટે કહ્યું છે. 28 જાન્યુઆરીએ પાર્ટીની એક રેલી હતી, જે પણ રદ કરી દેવામાં આવી છે. નીતીશ કુમાર સતત પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે.
ભાજપે પણ બિહાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું
આ તરફ દિલ્હીમાં ભાજપ પણ સક્રિય થયો છે અને સંપૂર્ણ અભિયાનની બાગડોર ગૃહમંત્રી અમિત શાહના હાથમાં છે. ગુરુવારે (25 જાન્યુઆરી) રાત્રે અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે બેઠક થઈ હતી તો તેમણે વડાપ્રધાન મોદીને પણ માહિતગાર કર્યા હતા. મોવડી મંડળે બિહાર ભાજપ અધ્યક્ષને દિલ્હી બોલાવ્યા હતા તેમજ આ બેઠકમાં સુશીલ મોદી વગેરે વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. બીજી તરફ, ભાજપે બિહારમાં NDAની સહયોગી પાર્ટીના નેતાઓ ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી સાથે પણ ચર્ચા કરીને તેમની સહમતિ મેળવી લીધી હતી.
વચ્ચે સમાચારો આવ્યા હતા કે ભાજપ નીતીશ કુમારને ફરી આવકારવા માટે તૈયાર છે, પરંતુ મુખ્યમંત્રી પદ પોતાની પાસે રાખવા માંગે છે. એવી પણ ફોર્મ્યુલા ચર્ચામાં હતી કે નીતીશને NDAના કન્વીનર બનાવવામાં આવી શકે છે. પરંતુ હવે નવી જાણકારી અનુસાર, ભાજપે નીતીશ કુમારને જ CM પદ ઑફર કર્યુ છે. જો તે સાચું હોય તો નીતીશ કુમાર 9મી વખત બિહારના સીએમ પદે શપથ લેશે.
અનેક વખત આ તરફથી પેલી તરફ કરી ચૂક્યા છે નીતીશ
આ પહેલાં નીતીશ અનેક વખત પલટી મારી ચૂક્યા છે. 2005ની બિહાર ચૂંટણીમાં ભાજપ-JDUએ સાથે લડીને જીત મેળવીને સરકાર બનાવી હતી. 2013 સુધી આ ગઠબંધન ચાલ્યું અને 2013માં નરેન્દ્ર મોદીને ભાજપે PM પદના ઉમેદવાર ઘોષિત કરતાં નીતીશ કુમાર અલગ થઈ ગયા હતા અને RJD સાથે મળીને સરકાર બનાવી હતી. 2015માં કોંગ્રેસ, RJD અને JDUએ સાથે મળીને ચૂંટણી લડી અને જીત બાદ નીતીશ ફરી CM બન્યા.
2017 સુધી આ ગઠબંધન ટક્યું, પરંતુ 2017માં નીતીશે મહાગઠબંધનનો સાથ ફરી છોડી દીધો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી અને ફરી સીએમ બની ગયા. 2020ની વિધાનસભા ચૂંટણી ભાજપ-JDU સાથે મળીને લડ્યાં અને ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હોવા છતાં નીતીશ કુમારને જ સીએમ બનાવાયા. પરંતુ ઓગસ્ટ, 2022માં નીતીશ કુમાર ફરી અલગ થઈ ગયા અને RJD સાથે સરકાર બનાવી. આખરે ચક્ર ફરી પૂર્ણ થયું છે અને નીતીશ કુમાર ફરીથી ભાજપ સાથે આવી રહ્યા છે.