‘મંદિર ત્યાં જ બનાવ્યું છે, જ્યાં બનાવવાનો સંકલ્પ લીધો હતો’- અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ પોતાના સંબોધનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત કહી. તેમણે અવસરને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, આ ક્ષણે દરેકના મનમાં રામ નામ છે અને દરેક આંખ હર્ષ અને સંતોષના આંસુથી ભીની છે.
UP સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “પ્રભુ રામલલાના ભવ્ય, દિવ્ય અને નવ્ય ધામમાં બિરાજવાની આપ સૌની કોટિ-કોટિ શુભકામનાઓ. આજે મન ભાવુક છે. ચોક્કસપણે આપ સૌ પણ આવું જ અનુભવી રહ્યા હશો.”
આગળ તેમણે ઉમેર્યું, “રામલલા 500 વર્ષ બાદ પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક અને પાવન અવસર પર ભારતનું દરેક નગર અને ગામ અયોધ્યા ધામ છે અને દરેક માર્ગ અયોધ્યા રામ જન્મભૂમિ તરફ જઈ રહ્યો છે. દરેક આંખ સંતોષ અને હરખના આંસુથી ભીની છે. આજે દરેકની જીભ પર રામ-રામ છે. આખું રાષ્ટ્ર રામમય છે. એવું લાગી રહ્યું છે કે જાણે આપણે ત્રેતા યુગમાં આવી ગયા છીએ. આજે રઘુનંદન, રાઘવ, રામલલા પોતાના સિંહાસન પર બિરાજમાન થયા છે.”
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "The temple has been built where we had resolved to build it…"#PranPratishthaRamMandir pic.twitter.com/pgAlnm7NKo
— ANI (@ANI) January 22, 2024
તેમણે ઉમેર્યું કે, “આજે મનમાં સંતોષનો ભાવ છે. આખરે ભારતને આ જ દિવસની પ્રતીક્ષા હતી. આ દિવસ આવવામાં લગભગ 5 શતાબ્દીનો સમય લાગી ગયો, પણ પ્રતીક્ષાનો ક્રમ ચાલતો રહ્યો. આજે આ અવસર પર આત્મા પ્રફુલ્લિત છે. મનમાં એ વાતનો આનંદ છે કે મંદિર ત્યાં જ બન્યું, જ્યાં બનાવવાનો સંકલ્પ લીધો હતો.”
UP સીએમએ કહ્યું, “એ પેઢી ભાગ્યશાળી છે, જે રામકાજની સાક્ષી બની રહી છે. રામનું જીવન આપણને સંયમનું શિક્ષણ આપે છે. આજે દરેક વ્યક્તિ અયોધ્યા આવવા માટે આતુર છે. આ ધર્મનગરી વિશ્વની સાંસ્કૃતિક રાજધાની તરીકે પ્રતીત થઈ રહી છે. આ વિશ્વાસનો વિજય છે, લોકઆસ્થાનો વિજય છે, જનવિકાસનો વિજય છે.”
તેમણે એમ પણ કહ્યું કે, ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી અયોધ્યાનો વિકાસ થઈ રહ્યો છે. આજે અયોધ્યાના ભૌતિક વિકાસ માટે હજારો-કરોડો રૂપિયા લાગ્યા છે. નવા અયોધ્યામાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. તેમણે અંતે એમ પણ ઉમેર્યું કે, આ નગરીમાં હવે ગોળીઓ નહીં ચાલે પરંતુ ભવ્ય દીપોત્સવ અને રામોત્સવ થશે.