તાજેતરમાં જ ચર્ચામાં રહેલા જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના થોડા કલાકો પહેલાં જ અગત્યનું નિવેદન આપ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ પોતે પણ વડાપ્રધાનના પ્રશંસક છે. સાથે મીડિયાને લઈને કહ્યું કે, તેમણે તેમને એન્ટી મોદી ચીતરવાના પ્રયાસ કર્યા હતા.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહે છે કે, ’સત્ય તો એ છે કે નરેન્દ્ર મોદીના આવવાથી, તેમના વડાપ્રધાન બનવાથી હિંદુઓનું સ્વાભિમાન જાગ્યું છે અને આ નાનીસૂની વાત નથી. મેં તો સાર્વજનિક રીતે ઘણી વખત આ વાત કહી છે કે અમે મોદીવિરોધી નહીં પરંતુ મોદીના પ્રશંસક છીએ. કારણ કે આટલી હિંમતથી અને હિંદુઓના પક્ષમાં દૃઢતાથી ઉભા રહેનારા બીજા કયા વડાપ્રધાન સ્વતંત્ર ભારતમાં થયા છે? સારા-સારા વડાપ્રધાનો થઈ ગયા, હું કોઈની ટીકા નથી કરી રહ્યો. એ સૌની પોતપોતાની વિશેષતાઓ હતી. પરંતુ હિંદુ ભાવનાને સમર્થન આપનારા, હિંદુ સ્વાભિમાનને, હિંદુના આત્મબળને વધારનારા આ પહેલા જ વડાપ્રધાન છે.”
#WATCH | Shankaracharya Avimukteshwaranand Saraswati says, "The truth is, with Narendra Modi becoming the Prime Minister, Hindus' self-respect has awoken. This is not a small thing. We have said it several times publically, we are not anti-Modi but Modi's admirers. We admire him… pic.twitter.com/pVWXxNhigQ
— ANI (@ANI) January 21, 2024
પીએમ મોદીની પ્રશંસા કરતાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉમેર્યું, “હું એક હિંદુ થઈને તેમનો વિરોધી? મીડિયાએ એક જ એજન્ડા બનાવી દીધો છે- એન્ટી મોદી…એન્ટી મોદી… સિદ્ધ કરી દો. તમે કહો કે જ્યારે આ જ વડાપ્રધાન અને આ જ ગૃહમંત્રી દ્વારા કલમ 370 સમાપ્ત કરવામાં આવી તો તેનું સ્વાગત અમે ન કર્યું? નાગરિકતા કાયદો લાવવામાં આવ્યો, ત્યારે શું અમે સારી બાબતો નહતી કહી? સમાન નાગરિક સંહિતાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે અમારી ધાર્મિક ચિંતાઓ વ્યક્ત કરીને શું અમે સ્વાગત નથી કરતા? પ્રધાનમંત્રીજીએ દેશમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું તો શું અમે સાર્વજનિક પ્રશંસા ન કરી?”
તેઓ કહે છે, “શ્રીરામ જન્મભૂમિનો નિર્ણય આવ્યા બાદ કઈ રીતે આખા દેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવી, કોઇ પ્રકારનાં કોઈ રમખાણો ન થવા દીધાં, આ તેમનું સરકાર ચલાવવાનું જે કૌશલ્ય છે શું તેના વિશે અમે સાર્વજનિક રીતે પ્રશંસા નહતી કરી? જ્યારે હિંદુ ભાવનાઓને બળ મળે છે ત્યારે એક હિંદુ હોવાના નાતે સ્વાભાવિક આનંદ થાય છે.”
સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું આ નિવેદન એટલા માટે પણ અગત્યનું છે કારણ કે તાજેતરમાં જ તેમણે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમુક ટિપ્પણીઓ કરી હતી અને સવાલો ઉઠાવ્યા હતા, જેની ઉપર પછીથી ખૂબ ચર્ચા થઈ. પરંતુ હવે તેમણે સામે આવીને સ્પષ્ટતા કરી છે.