આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. સરકારનાં જ પગલે ચાલીને ત્યારબાદ ભાજપશાસિત રાજ્યોએ પણ આ દિવસે રજા જાહેર કરી છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે જાહેર રજા આપવાનું એલાન કર્યું છે. જેની વિરુદ્ધ હવે બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
આ અરજી ચાર કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ કરી હોવાનું મીડિયા અહેવાલોમાં જાણવા મળ્યું છે. જેમાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે રજા જાહેર કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો છે અને ‘સેક્યુલરિઝમ’નો હવાલો આપવામાં આવ્યો છે. સાથે એવી પણ દલીલ થઈ કે આવો આદેશ બંધારણની વિરુદ્ધ છે. આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ અરજી પર બૉમ્બે હાઈકોર્ટની બે જજની બૅન્ચ રવિવારે (21 જાન્યુઆરી, 2024) સુનાવણી હાથ ધરશે.
A special bench of Justices GS Kulkarni and Neela Gokhale will hear on Sunday, January 21, at 10.30 am, the PIL challenging the declaration of holiday by Maharashtra governemnt for Ram Mandir inauguration. #BombayHighCourt #RamMandir https://t.co/hjYq6NdIEZ
— Bar & Bench (@barandbench) January 20, 2024
અરજીમાં દલીલ કરવામાં આવી કે, સમાજના કોઇ એક વર્ગ કે ચોક્કસ ધાર્મિક સમુદાયના તુષ્ટિકરણ માટે આ પ્રકારે રજા જાહેર કરી શકાય નહીં. એવું પણ કહેવામાં આવ્યું કે, ધાર્મિક કામો માટે સરકારી ખજાનાનો ઉપયોગ કરવો એ બંધારણના આર્ટિકલ 27નું ઉલ્લંઘન છે અને સરકાર કોઇ ધર્મ સાથે પોતાને સાંકળી શકે નહીં કે તેનો પ્રચાર કરી શકે નહીં. અરજી કહે છે, ‘એક હિંદુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જાહેરમાં સહભાગી થઈ ઉજવણી કરી, એક ચોક્કસ ધર્મ સાથે પોતાને સાંકળવાનો સરકારનો પ્રયાસ એ સેક્યુલરિઝમ (પંથનિરપેક્ષતા)ના સિદ્ધાંતો પર સીધો હુમલો છે.’
આગળ કહેવામાં આવ્યું કે, 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવાનું રાજ્ય સરકારનું (મહારાષ્ટ્ર સરકાર) જાહેરનામું એ બંધારણના આમુખમાં ઉલ્લેખિત પંથનિરપેક્ષતાનું તો ઉલ્લંઘન છે જ પરંતુ સાથેસાથે બંધારણના આર્ટિકલ 14, 21, 25, 26 અને 27ની પણ વિરુદ્ધ છે. સાથોસાથ એવી પણ દલીલ કરવામાં આવી છે કે જો રજા જાહેર કરવામાં આવે તો શિક્ષણમાં વિક્ષેપ પડશે તેમજ બેન્કો બંધ રહેશે તો નાણાકીય નુકસાન પણ થશે. તેમજ કચેરીઓ બંધ રહેવાના કારણે સરકારી કામકાજ પણ અટકશે.’
આગળ અરજીમાં કાર્યક્રમના સમય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા અને કહ્યું કે, તે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં જ યોજાઇ રહ્યો છે તે ગજબ સંયોગ છે. આ સાથે મસ્જિદનો પણ ઉલ્લેખ આવ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરવા માટે નિર્દેશ આપ્યા હતા પરંતુ સાથોસાથ એક મસ્જિદના નિર્માણ માટે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન ફાળવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. જમીન ફાળવવામાં આવી ચૂકી હોવા છતાં આ મસ્જિદનું બાંધકામ હજુ સુધી શરૂ થયું નથી.