કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ખાનગી કોચિંગ સેન્ટરોની મનમાની પર રોક લગાવવા અને વિદ્યાર્થીઓના હિતમાં 2024ની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન અંતર્ગત કોચિંગ સેન્ટરો માટે વિદ્યાર્થીની વય મર્યાદા, કોચિંગ ફી, સમય અને જાહેરાત અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગે આ ગાઈડલાઈન આત્મહત્યાના વધતા બનાવો, આગ લાગવાની ઘટનાઓ અને કોચિંગ સેન્ટરોમાં થતી હાલાકીઓ અને અસુવિધાઓને ધ્યાનમાં રાખી જાહેર કરી છે. સરકારે આ મામલે મળેલી ફરિયાદોના આધારે 2024ની નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલ ગાઈડલાઇન મુજબ હવેથી કોચિંગ સેન્ટરોમાં 16 વર્ષથી ઉપરના બાળકોને જ પ્રવેશ આપી શકાશે, તેનાથી નાની વયના બાળકોને એડમિશન આપવું દંડનીય ઘોષિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓના વાલીઓને રેન્ક લાવી આપવાની કે વધારે ગુણની પણ લાલચ આપી શકશે નહીં.
The Ministry of Education issues Guidelines for Regulation of Coaching Centers 2024, placing student well-being at the forefront. Grounded in #NEP2020 principles, these guidelines prioritize mental well-being, fair practices, and inclusivity. It's a step towards creating a…
— Ministry of Education (@EduMinOfIndia) January 18, 2024
આટલું જ નહીં, નવી ગાઈડલાઈન મુજબ હવેથી કોચિંગ સેન્ટરો દિવસમાં 5 કલાક કરતા વધારે સમય વિદ્યાર્થીને અભ્યાસ કરાવી શકશે નહીં, અને વહેલી સવારે કે મોડી રાતે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બોલાવી શકશે નહીં. આ ઉપરાંત તેઓને વધારે સમય અભ્યાસ માટે કરવા માટે પણ દબાણ નહીં કરી શકાય.
શિક્ષણ વિભાગ અનુસાર દરેક કોચિંગ સેન્ટરે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જાહેર કરેલાં નવા નિયમોનું પણ પાલન કરવું પડશે. જો કોચિંગ સંસ્થાનો સરકારે જાહેર કરેલા નિયમો અને શરતોનું પાલન નહીં કરે તો તેઓને દંડ ચુકવવો પડશે, દંડની જોગવાઈ અનુસાર કોચિંગ સેન્ટર પહેલી વાર નિયમ તોડશે તો ₹25000 હજારનો દંડ અને બીજી વારના નિયમભંગ પર ₹1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને વધારાની કાર્યવાહીમાં સેન્ટરનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત શિક્ષણ વિભાગે કોચિંગ ક્લાસની મનમાનીને રોકવા ફીની ઉઘરાણી ઉપર પણ અંકુશ લગાવી દીધો છે. 2024ની નવી ગાઈડલાઈન મુજબ હવેથી કોચિંગ સેન્ટરો ચાલુ સત્ર કોર્સમાં વચ્ચેથી ફી વધારી શકશે નહીં. આ ઉપરાંત જે વિદ્યાર્થી અભ્યાસક્રમ અધવચ્ચે છોડવા માટેની તૈયારી દર્શાવે તેને રીફંડની પણ જોગવાઈ કરવામાં આવી છે, જેમાં હોસ્ટેલ અને મેસ ફીનો પણ સમાવેશ થાય છે.
શિક્ષણ વિભાગે કોચિંગ સેન્ટરોને સૂચવ્યું છે કે, સેન્ટરોમાં શિક્ષકોની લાયકાત પ્રમાણે જ ભરતી કરવામાં આવે. સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરી શકાશે નહીં. આ ઉપરાંત દરેક સેન્ટરની એક વેબસાઈટ બનાવવાનું પણ સુચન કરવામાં આવ્યું છે. આ વેબસાઈટમાં શિક્ષકોની યોગ્યતા, અભ્યાસક્રમ, સેન્ટરની સુવાધિઓ વગેરેની માહિતી ફરજીયાતપણે દર્શાવવી પડશે.