દિલ્હીના લિકર કૌભાંડ કેસમાં ઘેરાયેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ચોથા સમન્સને અવગણીને ફરી એકવાર પૂછપરછમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. આ પહેલાં ED તરફથી તેમને 3 સમન્સ પાઠવવામા આવ્યા હતા. પરંતુ તેઓ એકપણ વાર ED સમક્ષ હાજર થયા નથી. જ્યારે EDના ચોથા સમન્સનો પણ તેમણે જવાબ આપ્યો છે. કેજરીવાલે આ મામલે EDને પત્ર લખીને જવાબ મોકલ્યો છે. તેમણે આ વખતે પણ ED પર કેન્દ્રના ઈશારા પર કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ભાજપનો ધ્યેય તેમની ધરપકડ કરવાનો છે.
દિલ્હીના કથિત લિકર કૌભાંડ કેસને લઈને અરવિંદ કેજરીવાલને ED તરફથી વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. દારૂ નીતિ કૌભાંડ સંબંધિત પૂછપરછ કરવા માટે એજન્સી તેમને વારંવાર સમન્સ મોકલી રહી છે. જ્યારે હવે ચોથો સમન્સ મોકલ્યા પછી અરવિંદ કેજરીવાલે દર વખતની જેમ આ વખતે પણ તેની અવગણના કરી છે અને EDને પત્ર લખીને ચોથા સમન્સનો જવાબ પાઠવ્યો છે. આપ આદમી પાર્ટીએ ગુરુવારે (18 જાન્યુઆરી) આ વિશેની જાણકારી આપતા કહ્યું હતું કે, કેજરીવાલે EDને મોકલવામાં આવેલા જવાબમાં એ પણ પૂછ્યું છે કે, જો તેઓ દારૂ નીતિ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી નથી તો તેમને સમન્સ કેમ મોકલવામાં આવી રહ્યા છે?
Delhi CM Arvind Kejriwal wrote a letter to the Enforcement Directorate. BJP's aim is to arrest him and to stop him from campaigning in Lok Sabha elections. ED has written that Arvind Kejriwal is not an accused, so why summons and arrest? Corrupt leaders go to BJP, and their cases…
— ANI (@ANI) January 18, 2024
નોંધનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગયા અઠવાડિયે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને ચોથો સમન્સ મોકલ્યો હતો. સાથે તેમને ગુરુવારે (18 જાન્યુઆરી) એજન્સી સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે હવે અરવિંદ કેજરીવાલે EDને પત્ર લખીને સમન્સનો જવાબ મોકલ્યો છે. તેમણે જવાબમાં લખ્યું કે, “ભાજપનો ધ્યેય મારી ધરપકડ કરવાનો છે.” સાથે જ આમ આદમી પાર્ટીએ એવું પણ કહ્યું કે, ED કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતાં રોકવા માંગે છે.
આમ આદમી પાર્ટીએ વધુમાં કહ્યું કે, “જે ભ્રષ્ટ નેતાઓ ભાજપમાં ચાલ્યા જાય છે , તેમના કેસ બંધ કરી દેવામાં આવે છે. અમે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, અમારો કોઈપણ નેતા ભાજપમાં નહીં જાય.” EDએ આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગયા વર્ષે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરીએ પુચ્છપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પરંતુ ત્રણેય વાર તેઓ ED સમક્ષ હાજર થયા નહોતા અને EDના આ સમન્સને તેમણે ગેરકાયદેસર ગણાવ્યા હતા.
બીજી તરફ આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર EDના તાજેતરના સમન્સને લઈને મુખ્યમંત્રી કેજરીવાલને કોઈ માહિતી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, અરવિંદ કેજરીવાલ 18 થી 20 જાન્યુઆરી સુધી ગોવાના પૂર્વ નિર્ધારિત પ્રવાસ પર જઈ રહ્યા છે. તેથી હવે તેની ED સમક્ષ હાજર થવાની શક્યતા ઓછી છે.