ઓડિશાના બરગઢ ખાતે સોમવારથી (15 જાન્યુઆરી 2024) જગવિખ્યાત ધનુ યાત્રા શરૂ થઇ ગઈ છે. વિશ્વના સહુથી મોટા ઓપન-એર થિયેટર તરીકે ઓળખાતા આ તહેવારમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળપણને અનોખી રીતે ઉજવવામાં આવે છે.
બારગઢના સાંસદ સુરેશ પૂજારીએ સોમવારે મહાઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટનની રાત્રે કલાકારોએ મહારાજ વાસુદેવ અને દેવકીના લગ્નનો પ્રસંગ ભજવ્યો હતો. આ અદ્ભુત નાટ્યમાં દર્શાવવામાં આવ્યું હતું કે, માતા દેવકીનો ભાઈ રાજા કંસ એક દિવ્ય ભવિષ્યવાણી સાંભળે છે કે, જે બહેનને તે રંગેચંગે સાસરે વળાવી રહ્યો છે તેનું જ આઠમું સંતાન તેના મૃત્યુનું કારણ બનશે.
#BargarhDhanuYatra kickstarted today.
— DD News Odia (@DDNewsOdia) January 15, 2024
The famous Dhanu Yatra which is proclaimed as the world’s largest open-air theatre
Dhanu Yatra is based on Krishna Leela and showcases the mythological story of Lord Krishna and his uncle and demon king Kansa. pic.twitter.com/58VABU9JUA
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર પ્રથમ નાટ્ય દર્શનીમાં દર્શાવવામાં આવ્યું હતું કે ભવિષ્યવાણી સાંભળીને આક્રોશિત કંસે પિતા ઉગ્રસેન પાસેથી રાજ-પાટ આંચકી લીધું હતું. ત્યાર બાદ કંસ તેની બહેન દેવકી અને બનેવી વાસુદેવને કારાવાસમાં ધકેલતો હોય તે દ્રશ્ય ભજવવામાં આવ્યું હતું.
આ અદભૂત અને અનોખા ઉત્સવમાં આખું બરગઢ શહેર કંસના રાજ્યની રાજધાની અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ પવિત્ર ‘મથુરા નગરી’માં પરિવર્તિત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ઉત્સવ દરમિયાન જીરા નદી યમુના બની જાય છે અને સામા કાંઠે આવેલું અંબાપલી ગામ ‘ગોપ અને વૃંદાવન’ બની જાય છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામ નંદજી અને માતા યશોદાના ત્યાં ઉછર્યા હોય છે.
ઓડિશાના બરગઢ ખાતે યોજાતો ધનુ યાત્રા ઉત્સવ અન્ય કેટલીક બાબતો બદલ પણ અનોખો ગણવામાં આવે છે. દર વર્ષે 11 દિવસ સુધી ચાલતા આ ઉત્સવ દરમિયાન કંસ મહારાજ, એટલે કે કંસ મહારાજનું પાત્ર ભજતા નાયક જાણે શહેરના વાસ્તવિક રાજા બની જાય છે. મહારાજ કંસ કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના તમામ અધિકારીઓને બોલાવીને તેમને નિષ્ઠાથી તેમની ફરજોનું પાલન કરવાના રીતસર ‘આદેશ’ આપે છે.
ઓડિશાના બરગઢ ખાતે યોજાતી ધનુ યાત્રા ઉત્સવના માનમાં તમામ સરકારી અધિકારીઓ પણ તેમાં સંમેલિત થાય છે. તેઓ નિયમિત રૂપે મહારાજ કંસના દરબારમાં સરકારી કાર્યોનું વિવરણ આપવા અને રીપોર્ટ કરવા માટે નિયમિત હાજરી આપે છે.
Famous open-air theatre, Dhanu Yatra inaugurated in Bargarh #Odisha pic.twitter.com/wIGflRInBB
— OTV (@otvnews) January 15, 2024
આ ધનુ યાત્રામાં આખું ગામ જાણે ઓપન-એર થીયેટર બની જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર નાયકો આખા ગામને રંગમંચનું વૃંદાવન બનાવી દે છે. ગામના લોકો પણ કૃષ્ણ-બલરામનું પોતાના ઘરમાં સ્વાગત કરે છે અને તેમની પૂજા કરે છે. જયારે કૃષ્ણના મથુરા ગમનનો પ્રસંગ આવે છે ત્યારે ગ્રામજનો વાસ્તવમાં વિરહની વેદના અનુભવે છે અને તમામની આંખોમાં આંસુ હોય છે. બીજી તરફ મહારાજ કંસ પણ નિયમિત રીતે નગરચર્યા કરે છે અને પોતાના દરબારમાં મહેમાનોનું સ્વાગત કરે છે.
આ વર્ષે ધનુ યાત્રામાં સમગ્ર શહેરમાં 14 અલગ-અલગ મંચ બનાવવામાં આવ્યા છે, જ્યાં કંસ મહારાજનું નાટ્ય રજૂ થશે અને મહારાજ કંસ પોતાના દરબારો યોજશે. ઉત્સવના અંતિમ દિવસે કંસ પોતાના ભાણા કૃષ્ણના હાથે મૃત્યુ પામે છે અને તેની પુર્ણાહુતી થાય છે. આ વર્ષે ઉત્સવ 25 જાન્યુઆરીએ સમાપ્ત થશે.
ઉત્સવમાં રસપ્રદ વાત એ છે કે કંસનું પાત્ર ભજવનાર નાયક આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, ધનુ યાત્રા વર્ષ 1947-48માં ભારતની સ્વતંત્રતાના ઉત્સાહપૂર્ણ ઉજવણીના ભાગરૂપે બારગઢમાં અસ્તિત્વમાં આવી હતી.
અન્ય એક રસપ્રદ પરંપરામાં, કંસનું પાત્ર ભજવતા કલાકાર ધનુ યાત્રાનો ઉત્સવ પૂરો થયા પછી પુરી તિર્થની યાત્રાએ નીકળી જાય છે. આમ કરવા પાછળનું કારણ તે છે કે પોતાના પાત્રના ભાગ રૂપે તેમણે અનેક વાર ભગવાન કૃષ્ણ માટે અપમાનજનક અને દ્વેષપૂર્ણ શબ્દો વાપર્યા હોય છે. નાયક દરિયામાં પવિત્ર સ્નાન કરીને જગન્નાથ મંદિરની યાત્રા કરે છે અને ત્યાં તેઓ ભગવાન સમક્ષ પોતાના પાપ બદલ ક્ષમા માંગે છે.
આ વર્ષે આ અનોખા ઓપન-એર થિયેટરનું 76મુ આયોજન થઇ રહ્યું છે, જે સમગ્ર ઓડિશા અને પડોશી રાજ્યોમાંથી હજારો મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યું છે.