લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે ભેગી થયેલી વિપક્ષી પાર્ટીઓના સમૂહ INDI ગઠબંધનની આજે એક બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠક ઓનલાઈન માધ્યમથી થઈ હતી, પરંતુ તેમાં પણ અખિલેશ યાદવ અને મમતા બેનર્જી જેવા નેતાઓ હાજર રહ્યા ન હતા. બીજી તરફ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે INDI ગઠબંધનના અધ્યક્ષ હશે તેવો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, નીતીશ કુમારને પણ કન્વીનરની પોસ્ટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો છે.
મીડિયા અહેવાલો અનુસાર, નીતીશ કુમારે કહ્યું છે કે તેમને પદમાં કોઇ રસ નથી અને આ પદ કોઇ કોંગ્રેસ નેતાએ સંભાળવું જોઈએ. જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટનું માનીએ તો નીતીશ કુમારે કહ્યું છે કે તેઓ તમામ પાર્ટીઓની સહમતી બાદ આ પદ અંગે વિચાર કરશે. નોંધવું જોઈએ કે જ્યારથી ગઠબંધન બન્યું ત્યારથી ચર્ચા ચાલી રહી હતી કે નીતીશ કુમાર તેના સંયોજક બની શકે છે. આ ગઠબંધનની પ્રથમ બેઠક પણ બિહારના પટનામાં જ થઈ હતી, જ્યાં નીતીશ CM છે.
ગઠબંધનની આ બેઠકમાં કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી તથા NCP તરફથી શરદ પવાર, DMK તરફથી તમિલનાડુ સીએમ સ્ટાલિન, AAPમાંથી દિલ્હી સીએમ કેજરીવાલ, JDUના નીતીશ કુમાર, RJD તરફથી લાલુ યાદવ વગેરે નેતાઓ જોડાયા હતા. જોકે, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ અંતર રાખ્યું હતું.
TMCએ જણાવ્યું હતું કે, બીજા દિવસે સવારે 11:30 વાગ્યે યોજાનારી બેઠક વિશે અમને સાંજે 5:00 વાગ્યે જણાવવામાં આવ્યું. પરંતુ મમતા બેનર્જીના અમુક અન્ય કાર્યક્રમો છે. અમે કોંગ્રેસને કહ્યું કે જો આગામી અઠવાડિયે બેઠક યોજાય તો તેઓ જોડાય શકે. આટલી શોર્ટ નોટિસ પર તેઓ હાજર રહી શકે તેમ નથી. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસે આ બેઠકનો એજન્ડા કહ્યો નથી. અખિલેશ યાદવે આ વિશે કંઈ કહ્યું હોવાનું ધ્યાને આવ્યું નથી.
બીજી તરફ, આ બેઠકને લઈને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી છે. તેમણે કહ્યું કે, વર્ચ્યુઅલ એલાયન્સ ખાલી વર્ચ્યુઅલ મીટિંગ જ કરતું રહેશે અને તેના તમામ નેતાઓનો એકમાત્ર એજન્ડાઓ પરિવાર અને પ્રોપર્ટી સેટ કરવાનો જ છે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે શનિવારે (13 જાન્યુઆરી) તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, PM મોદી દેશન વિકાસ માટે કામ કરી રહ્યા છે અને આ ગઠબંધનના નેતાઓ મોદીને હટાવવાના પ્રયાસોમાં લાગ્યા છે.