ઝી ન્યૂઝના પૂર્વ એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ (Sudhir Chaudhary) ઝી ન્યૂઝ છોડ્યા બાદ હવે તેઓ મીડિયા ચેનલ ‘આજતક’ સાથે જોડાઈ રહ્યા છે. સુધીર ચૌધરી આજતક સાથે સલાહકાર તંત્રી (Consulting Editor) તરીકે જોડાવા જઈ રહ્યા છે.
Welcome to Aajtak @sudhirchaudhary sir 💐
— Shubhankar Mishra (@shubhankrmishra) July 11, 2022
એક રિપોર્ટ અનુસાર, ઇન્ડિયા ટૂડે ગ્રુપના વાઇસ ચેરપર્સન કલી પૂરી દ્વારા અધિકારીક રીતે કંપનીને આ જાણકારી આપવામાં આવી છે. જલ્દીથી સુધીર ચૌધરી પોતે પણ એલાન કરશે તેવી સંભાવના છે.
ઘોષણા કરતા કલી પુરીએ કહ્યું કે, સુધીર ચૌધરીને પરિચયની કોઈ જરૂર નથી. તેમજ તેમના લોકપ્રિય ટીવી શૉ ડીએનએનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર વિશાળ ચાહકવર્ગ ધરાવે છે તેમજ અનેક પુરસ્કારો મેળવી ચૂક્યા છે. આજતકે જાહેરાત કરી છે કે તેઓ તેમના કરોડો દર્શકો માટે નવો શૉ લાવશે અને જે સુધીર ચૌધરી હોસ્ટ કરશે.
10 દિવસ પહેલાં ઝી ન્યૂઝમાંથી રાજીનામું આપ્યું તે પહેલાં સુધીર ચૌધરી લગભગ એક દાયકા સુધી ચેનલ સાથે સંકળાયેલા રહ્યા હતા અને ચેનલના એડિટર ઈન ચીફ હતા. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં તેઓ ઝી ન્યૂઝ સાથે જોડાયા હતા, પરંતુ 2003માં ચેનલ છોડીને સહારા સમય સાથે જોડાયા હતા. જે બાદ થોડા સમય માટે તેમણે ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીમાં પણ કામ કર્યું હતું.
વર્ષ 2012 માં સુધીર ઝી ન્યૂઝમાં પરત ફર્યા હતા અને જ્યાં તેઓ હમણાં સુધી એડિટર-ઈન-ચીફ તરીકે ફરજ બજાવતા હતા. સુધીર ચૌધરીનો દરરોજ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થતો શૉ DNA (Daily News and Analysis) ખૂબ લોકપ્રિય બન્યો હતો તેમજ ટીઆરપી રેટિંગ મામલે પણ શૉ ખૂબ આગળ હતો.
સુધીર ચૌધરીએ રાજીનામું આપ્યા બાદ ઝી મીડિયા ગ્રુપના માલિક સુભાષ ચંદ્રાનો એક પત્ર પણ સામે આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, “હું બે દિવસથી સુધીરને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ તેઓ પોતાના ફેન ફોલોઈંગનો ઉપયોગ કરીને પોતાનું એક સાહસ શરૂ કરવા માંગે છે. હું તેમની પ્રગતિમાં અવરોધ બનવા માંગતો નથી, જેથી મેં તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમના ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવી છે.” જે બાદ સુધીર ચૌધરી માટે એક ફેરવેલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.