એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના એક વ્યક્તિએ પ્રતાપગઢ જિલ્લા વિકાસ અધિકારીને એક પત્ર લખીને જાણીતા હિન્દી અખબાર ‘હિન્દુસ્તાન’ના કાર્યાલયની બહાર માઇક લગાવીને સંપાદકોને 2 કલાક સુધી મા-બેનની ગાળો આપવાની પરવાનગી માંગી છે. પહેલી નજરે માનવામાં ન આવે તેવો આ પત્ર ખરેખર લખવામાં આવ્યો છે.
આ વ્યક્તિનું નામ છે પ્રતીક સિન્હા. તેઓ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે. 11 જાન્યુઆરીના રોજ તેમણે આ પત્ર લખ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. શું કારણ છે કે તેમણે આવી માંગ કરી?
વાસ્તવમાં, 8 જાન્યુઆરી, 2024ના રોજ ‘હિન્દુસ્તાન’ અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા, જેમાં દાવો કરવામાં આવ્યો કે પ્રતાપગઢ નગરપાલિકાની જમીન પર એક ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તંત્રે કાર્યવાહી કરી અને જિલ્લા તંત્રના આદેશ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. ત્યારબાદ 10 જાન્યુઆરીએ અખબારે ફરીથી સમાચાર પ્રકાશિત કરીને આ કાર્યવાહી વિશે પણ જણાવ્યું. આ કાર્યવાહી બાદ જ પ્રતિક સિન્હાએ બે પત્રો લખ્યા હતા, જે વાયરલ છે.
#हिंदुस्तान अखबार में आज चिलबिला में अवैध प्लॉटिंग पर चला बुलडोजर शीर्षक से प्रकाशित खबर से संक्रमणीय भूमधर प्रतीक सिन्हा ने आपत्ति जताई और संपादक एवं प्रबंध संपादक सहित स्थानीय संपादक प्रयागराज को पत्र भेजकर प्रकाशित खबर पर कड़ी आपत्ति जताया है। साथ ही खबर प्रकाशित करने का… pic.twitter.com/ftzkLoXorN
— khulasa India (@KhulasaIndia) January 10, 2024
પ્રતિક સિન્હા અનુસાર જ્યાં બુલડોઝર ચાલ્યું તે જમીનના તેઓ માલિક છે અને તેમનું કહેવું છે કે તેમની પાસે જમીનના તમામ દસ્તાવેજો છે અને ખોટી રીતે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. અખબારના સંપાદકને પત્ર લખીને તેમણે કહ્યું કે, તથ્ય તપાસ્યા વગર કોઇ પણ માલિકીની જમીનને ગેરકાયદેસર ઘોષિત કરી દેવી તેમના અધિકારમાં આવતું નથી અને તેના કારણે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. તેમણે સંપાદકને કહ્યું કે કાં તો તેઓ જમીનને ગેરકાયદેસર સાબિત કરતા દસ્તાવેજો રજૂ કરે અથવા તો કાયદેસર કાર્યવાહી માટે તૈયાર રહે.
आपने आज तक ऐसा शिकायती पत्र नही देखा होगा… जो आज वॉयरल हो रहा है…
— Akhilesh Tiwari (अखिलेश तिवारी) (@Akhilesh_tiwa) January 12, 2024
प्रार्थी प्रतीक सिन्हा ने अखबार के लोगों को मां बहन की गाली देने के लिए एसडीएम प्रतापगढ़ से अनुमति मांगी है… । pic.twitter.com/GapxmrUhIF
તેમણે બીજો એક પત્ર લખ્યો છે પ્રતાપગઢના જિલ્લા અધિકારીને. જેમાં તેમણે ફરિયાદ કરી કે અખબારે કોઇ પણ તથ્યોની તપાસ કર્યા વગર તેમની જમીનને સરકારી ગણાવી દીધી અને તેમને ભૂમાફિયા ઘોષિત કરી દીધા. જેનાથી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. તેમણે જણાવ્યું કે તેના વિરોધ સ્વરૂપે તેઓ 15 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12:00 વાગ્યે હિંદુસ્તાન કાર્યાલયની સામે માઇક લગાવીને બ્યુરો ચીફ અને જિલ્લા સંવાદદાતાને 2 કલાક મા-બેનની ગાળો આપવા માંગે છે.
તેમણે સાથે લખ્યું, “સાથે વિશ્વાસ અપાવું છું કે અત્યંત ઈચ્છા થવા પર પણ અરજદાર ન તો જૂતા મારશે કે ન કોઇ ધમકી આપશે. કાર્યક્રમ બાદ શહેર પોલીસ સમક્ષ રજૂ થઈ જઈશ, જેથી સુસંગત ધારા હેઠળ મારું ચાલાન થઈ શકે. પરવાનગી આપવાની મહેરબાની કરશો.”
જિલ્લા તંત્રે તેમને શું જવાબ આપ્યો તે હજુ જાણવા મળ્યું નથી.