મહેસાણામાં મોલીપુર ગામ ખાતે ગામમાં સ્થાનિક ખેલાડીઓ પાસે મેચ રમાવી તેનું એક મોટી હાઈપ્રોફાઈલ મેચ તરીકે રશિયામાં પ્રસારણ કરી સટ્ટો રમાડવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલો પોલીસને ધ્યાને આવતાં પોલીસે આ ફેક IPL રમાડવા મામલે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ શોએબ દાવડા, સાકિબ સૈફી, કોલુ મોહમ્મદ અને સાદિક દાવડા તરીકે થઇ છે.
ગામડાના ખેતરમાં રમાતી આ મેચને એક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટ લીગ તરીકે દર્શાવવામાં આવી હતી અને તેને ‘ઇન્ડિયન પ્રીમિયર ક્રિકેટ લીગ’ના નામથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવતું હતું. આ લીગ ક્વાર્ટર ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ગયા બાદ સમગ્ર ભાંડો ફૂટતાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
IPL (સાચી) પૂર્ણ થઇ તેના ત્રણ અઠવાડિયા બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ માટે મોલીપુર ગામના ખેતરમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને ત્યાં HD કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. તેમજ મેચ સાચી લાગે તે માટે ઇન્ટરનેટ પરથી ઓડિયન્સનો અવાજ ડાઉનલોડ કરીને ઉમેરી દેવામાં આવતો હતો.
ગામના જ ખેલાડીઓ, દિવસના 400 રૂપિયા અપાતા
ખેલાડી તરીકે ગામના જ યુવાનોને લેવામાં આવ્યા હતા અને તેમને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા. ખેલાડીઓ આઈપીએલની ટીમો ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની જર્સી પહેરીને રમતા હતા. એટલું જ નહીં, આ ફેક ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી પણ કરવામાં આવતી હતી. તેમજ અમ્પાયરોને પણ વોકી-ટોકી આપવામાં આવ્યાં હતાં.
આ સમગ્ર ટૂર્નામેન્ટનું યુ-ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતું અને તેને હાઈ-પ્રોફાઈલ લીગ તરીકે રજૂ કરીને રશિયામાં સટ્ટો રમાડવામાં આવતો હતો. જોકે, લાઈવ પ્રસારણમાં માત્ર 30 યાર્ડનું સર્કલ જ દેખાડવામાં આવતું હતું અને બૉલ બેટમાં લાગ્યા પછી કઈ દિશામાં જાય છે તે કે ક્યાંય દર્શકો પણ બતાવવામાં આવતા નહીં. કૅમેરા એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે બેટ્સમેન, બૉલર, વિકેટ કીપર અને અમ્પાયર જ દેખાતા હતા.
સમગ્ર ટૂર્નામેન્ટ નકલી હતી, સૂચના પ્રમાણે ખેલાડીઓ રમતા
હાઈ પ્રોફાઈલ લીગ તરીકે રજૂ કરવામાં આવેલી આ સમગ્ર ટૂર્નામેન્ટ ફેક હતી. જેમાં રશિયામાં બેઠેલો ઓપરેટર અહીંના વ્યક્તિ સાથે ઓનલાઈન ચેટિંગ કરતો હતો અને જે પ્રમાણે સટ્ટો રમવામાં આવે તે પ્રમાણે મેચ રમાડવા માટે અને પરિણામ આપવા માટે કહેવામાં આવતું હતું.
મેચનું પરિણામ રશિયામાં બેઠેલો શખ્સ જેમ કહે તે રીતે આવતું હતું. શોએબ ટેલિગ્રામ પર લાઈવ બેટ લેતો હતો અને એ બાદ તે અમ્પાયરિંગ કરતા કોલુને સૂચના આપતો હતો. સૂચના પ્રમાણે અમ્પાયર બેટ્સમેન સાથે ચર્ચા કરીને તેને તેમ કરવાનું કહેતો. જેના આધારે બોલર પણ ધીમા બૉલ નાંખતો જેથી બેટ્સમેન 4-6 રન મારી શકે. જો રશિયાથી આઉટ થવાનું કહેવામાં આવે તો બેટ્સમેન બીજા જ બોલે આઉટ થઇ જતો હતો.
શોએબ દાવડા નામનો યુવાન નીકળ્યો માસ્ટરમાઈન્ડ
આ ‘ફેક IPL’ પાછળનો માસ્ટરમાઈન્ડ મહેસાણામાં જ રહેતો શોએબ દાવડા નામનો શખ્સ હોવાનું ખુલ્યું છે. જે આઠ મહિના સુધી રશિયાના પબમાં કામ કરી આવ્યો હતો. રશિયાના પબમાં કામ કરતી વખતે તે આસિફ મોહમ્મદ નામના વ્યક્તિને મળ્યો હતો, જેની સાથે મળીને તેણે આ ટૂર્નામેન્ટનું ગતકડું શોધી કાઢ્યું હતું.
મોલીપુર પરત ફર્યા બાદ શોએબે સાદિક દાવડા, સાકીબ સૈફી અને મોહમ્મદ કોલુને સાથે રાખીને આ ફેક આઈપીએલ રમાડવાનું નક્કી કર્યું હતું. જેમાં સાકીબ મેરઠનો રહેવાસી છે, જે કોમેન્ટ્રી કરતો હતો. શોએબે ગામના એક વ્યક્તિનું ખેતર ભાડે કરીને, તેમાં હેલોજન લાઈટ લગાવીને દિવસના 400 રૂપિયા લેખે રમવા માટે માણસો રાખ્યા હતા. ઉપરાંત તેણે જ ખેલાડીઓ માટે ટી-શર્ટ પણ ખરીદી હતી.
આ મામલે પોલીસે ચાર આરોપીઓને પકડી લઇ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જે મામલે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે પોલીસે નેટવર્કના મુખ્ય સૂત્રધાર શોએબના તેમજ તેના પરિવારના લોકોના બેન્ક ખાતાની અને પાસપોર્ટની તપાસ હાથ ધરી છે.