ગુજરાતમાં અદાણી જૂથ આવનારાં પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડનું રોકાણ કરશે, જેનાથી રાજ્યમાં 1 લાખથી વધુ રોજગારીની તકો સર્જાશે. ઉદ્યોગ જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે (10 જાન્યુઆરી, 2024) વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં આ ઘોષણા કરી હતી.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં ગૌતમ અદાણીએ સંબોધન કરતાં કહ્યું કે, તેમની કંપની આગામી પાંચ વર્ષોમાં ગુજરાતમાં કુલ ₹2 લાખ કરોડનું રોકાણ કરશે. અદાણી જૂથ આ રોકાણથી પ્રત્યક્ષ અને પરોક્ષ 1 લાખથી વધુની રોજગારીનું સર્જન કરશે. કાર્યક્રમને સંબોધતાં ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ સમિટની સફળતા અને PM મોદીના લાંબા વિઝનની પ્રશંસા કરી હતી. સાથે કંપની દ્વારા થયેલા અત્યાર સુધીના રોકાણનો ઉલ્લખ પણ કર્યો હતો.
કાર્યક્રમને સંબોધતાં ગૌતમ અદાણીએ કહ્યું, “અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેનને વિસ્તૃત કરી રહ્યા છીએ અને સૌથી મોટી રીન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. જેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઈન્સ, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા સાથે કોપર અને સિમેન્ટના પ્રોજેક્ટને આગળ વધારીશું. આ માટે અદાણી જૂથ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડથી વધુનું રોકાણ કરશે.”
#WATCH | Vibrant Gujarat Global Summit 2024 | Adani Group Chairperson Gautam Adani says, "We are expanding the green supply chain for an Aatmanirbhar Bharat and creating the largest integrated, renewable energy ecosystem…Over the next five years, the Adani group will invest… pic.twitter.com/xTOYG5GMYp
— ANI (@ANI) January 10, 2024
આ સાથે સંબોધનની શરૂઆતમાં PM મોદીની પ્રશંસા કરતા તેમણે કહ્યું, ”વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તેમના એક્સ્ટ્રાઓર્ડિનરી વિઝનની દેન છે. તેઓ ભારતના ભવિષ્ય માટે ફક્ત વિચારી જ નથી રહ્યા, પરંતુ તે માટે કામ પણ કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં ભારત 2047 સુધીમાં પોતાના વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. PM ભારતને વિશ્વમાં એક મોટી શક્તિના સ્વરૂપમાં પ્રસ્તુત કર્યું છે અને દેશને આત્મનિર્ભર બનાવી રહ્યા છે.”
ગૌતમ અદાણીએ શિખર સંમેલનમાં કરેલાં રોકાણનો ઉલ્લેખ કરતાં કહ્યું, “અમે છેલ્લા શિખર સંમેલનમાં 2025 સુધીમાં ₹55,000 કરોડ રૂપિયાથી વધારેના રોકાણની ઘોષણા કરી હતી. જેમાં અત્યાર સુધીમાં અમે વિવિધ ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં ₹50,000 કરોડના રોકાણ અને 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓના લક્ષ્યને પાર કરી લીધું છે.”
આ સાથે પોતાના ગુજરાતના કચ્છમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પાર્કના નિર્માણ વિશે પણ ઘોષણા કરી. તેમણે જણાવ્યું કે કચ્છમાં 725 કિલોમીટર વર્ગમાં ફેલાયેલો એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. જેને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાશે. ગૌતમ અદાણીએ ભારતની GDP અંગે વાત કરતા કહ્યું કે, વર્ષ 2014 બાદથી ભારતની GDPમાં સતત વધારો થતા અત્યાર સુધી 185 ટકા વધવા પામી છે અને માથાદીઠ આવકમાં પણ 165 ટકાનો વધારો થયો છે. મહત્વનું એ છે કે આ વૃદ્ધિ ત્યારે થઇ છે જ્યારે સમગ્ર વિશ્વ મહામારી અને રાજકીય સંઘર્ષો જેવા પડકારોનો સામનો કરી રહ્યું હતું.