અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દેશના 7000 હજાર જેટલા વિશેષ મહેમાનોને કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ માટે ટ્રસ્ટે કોઈને બાકાત ન રાખતાં દેશની વિપક્ષી પાર્ટીઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપ્યું છે. ત્યારે માહિતી મળી રહી છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે અને વામપંથી પાર્ટીઓએ આમંત્રણનો અસ્વીકાર કરતાં કાર્યક્રમમાં જવાનો બહિષ્કાર કર્યો છે.
આ મામલે ઘણા મોટા નેતાઓના નિવેદન સામે આવ્યાં છે. જેમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એક નિવેદનમાં કહ્યું કે, તેમના ભગવાન PDA છે. અખિલેશના ‘PDA’નો અર્થ છે, પછાત-દલિત અને અલ્પસંખ્યક (લઘુમતીઓ). આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે પત્રકારોએ અખિલેશ યાદવને પૂછ્યું કે, શું તેઓ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાના છે? ત્યારે અખિલેશ યાદવે કહ્યું કે, તેમણે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું નથી. જોકે, આ અંગે વિશ્વ હિંદુ પરિષદે (VHP) મંગળવારે (9 જાન્યુઆરી 2023) જણાવ્યું હતું કે, તેઓએ અખિલેશ યાદવને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટેનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે તેનો અસ્વીકારી કર્યો હતો.
વિશ્વ હિંદુ પરિષદના જણાવ્યા અનુસાર, VHP તરફથી આલોક કુમાર અખિલેશ યાદવના ઘરે નિમંત્રણ આપવા માટે ગયા હતા. જે અંગે અખિલેશ યાદવે કહ્યું, “અમે તેઓને (આલોક કુમાર) નથી ઓળખતા. જેને અમે ઓળખતા નથી, તેને ન નિમંત્રણ આપીએ, ન તેમનું કોઈ નિમંત્રણ સ્વીકારીએ છીએ. જ્યારે ભગવાન બોલાવશે ત્યારે જઈશું. કોઈનો ‘કોઈ’ ભગવાન હોઈ શકે. અમારો ભગવાન તો PDA છે”
ત્યારે આ મામલે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું, “પહેલાં તેઓ કહી રહ્યા હતા કે જો બોલાવશે તો જઈશું. હવે તેઓ કહી રહ્યા છે કે રામજી બોલાવશે તો જઈશું, તો હવે જોઈએ કે રામજી તેમને બોલાવે છે કે નહીં. જો ન બોલાવે તો એટલું સ્પષ્ટ થઇ જશે કે રામજી કદાચ તેઓને નહીં બોલાવવા ઇચ્છતા હોય.” આ પહેલાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જ્યારે ભગવાન રામની ઈચ્છા હોય છે ત્યારે જ તેમના દર્શન થાય છે. ભગવાનની ઈચ્છા વગર તેમના દર્શન શક્ય નથી. શું ખબર ક્યારે કોને ભગવાન બોલાવી લે. આ કોઈ નથી કહી શકતું. આ ઉપરાંત તેમણે ભાજપ પર આરોપ લગાવ્યા હતા કે રામ મંદિરના નામ પર ભાજપ રાજનીતિ કરે છે.
અખિલેશ યાદવે એવું પણ કહ્યું હતું કે, જો રામ મંદિર ટ્રસ્ટ આમંત્રણ આપે છે તો તેઓ અયોધ્યા જશે. જે અંગે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટએ જણાવ્યું હતું કે, પ્રભુ રામ તો સૌના છે. ટ્રસ્ટ બોલાવે કે ન બોલાવે, દર્શન તો ગમે તે સમયે થઈ શકે છે. ટ્રસ્ટ લોકોને આમંત્રણ આપી રહ્યું છે. પરંતુ કોઈ નામ છૂટી જાય તો તેઓ આવે અને દર્શન કરે. અહીં બધાનું સ્વાગત છે.
આ મામલે બીજી એક પાર્ટી CPI(M)ના પોલિટબ્યુરોનાં સભ્ય વૃંદા કરાતે જાહેર કર્યું કે, તેમની પાર્ટી પણ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નહીં લે. વૃંદા કરાતે જણાવ્યું કે, અમારી પાર્ટી ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે પણ એક ધાર્મિક કાર્યક્રમને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેથી તેઓ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. આ મામલે CPI(M) પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીએ વૃંદા કરાતનું સમર્થન કર્યું હતું.