અમદાવાદના જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાડાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. માહિતી પ્રમાણે શહેરની એક હોસ્પિટલમાં લગાવેલી તકતીમાં પોતાનું નામ ન જોતા ઉશ્કેરાયેલા ધારાસભ્યએ હોબાળો મચાવ્યો છે, અને વિરોધ કરતા તકતી પર કાળા કલરનો સ્પ્રે મારી તેને નુકશાન પણ પહોંચાડ્યું છે. આ મામલે અમદાવાદના મેયરે આ ઘટનાને ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસની હલકી માનસિકતા ગણાવી છે.
અહેવાલો મુજબ અમદાવાદના બહેરામપુરામાં આવેલી એક હોસ્પિટલમાં અમદાવાદ મહાનગર પાલિકા (AMC) તરફથી દર્દીઓ માટે હિમો ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં AMC દ્વારા સેન્ટરના ઉદ્ઘાટનને લગતી એક તકતી મુકવામાં આવી હતી. ઉદ્ઘાટન થયું અને તકતી મુકાઈ ત્યાં સુધી બધું ઠીક હતું. પરંતુ જયારે અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને જાણ થઇ કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મુકવામાં આવેલી તકતીમાં તેમનું નામ નથી રાખવામાં આવ્યું ત્યારે તેઓ ઉશ્કેરાયા હતા, અને હોસ્પિટલમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં ધારાસભ્યએ AMC દ્વારા લગાવવામાં આવેલ તકતી પર કાળા કલરનો સ્પ્રે મારી દીધો હતો, અને આમ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ મામલે જમાલપુરના ધારાસભ્યનું ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે, તેમણે આ વિષયે પહેલાં જ અગાઉની સંકલન સમિતિમાં કમિશ્નરને કહી રાખ્યું હતું કે, તેમની વિધાનસભામાં કોઈપણ કાર્યક્રમ હોય તો સ્થાનિક ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલાનું નામ હોવું જોઈએ. તે લગાવવું જરૂરી છે. ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો હતો કે, મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તેમનું નામ નથી લખાતું અને તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્યનું નામ લખવામાં આવે છે.
આ અંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં જયારે આમંત્રિત કરવામાં આવે છે, ત્યારે તેઓ ત્યાં હાજર રહેતા નથી. જેનાથી તકતીમાં નામ લખતા કદાચ ભૂલાય ગયું હોય. એમાં કોંગ્રેસના નેતાએ હોબાળો મચાવવાની કે વિરોધ કરવાની જરૂર ન હતી.