તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા અને ત્યાંથી સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી. જે બાદ માલદીવના કેટલાક મંત્રીઓએ PM મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારથી લઈને સતત માલદીવને સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ વિરોધ સોશિયલ મીડિયાથી આગળ વધીને જમીન પર પણ દેખાઇ રહ્યો છે. ઘણા બધા ભારતીય સેલિબ્રિટીએ માલદીવના સ્થાને લક્ષદ્વીપ જવાની અપીલ સાથે #ChaloLakshadweep ટ્રેન્ડ કર્યું છે. જ્યારે હવે ઇસમાયટ્રીપ (EaseMyTrip) નામની જાણીતી ટ્રાવેલ વેબસાઇટ માલદીવના તમામ બુકિંગ કેન્સલ કરી દીધા છે.
પોતાની X પોસ્ટમાં EaseMyTripના સહ-સંસ્થાપક નિશાંત પિટ્ટીએ લખ્યું છે કે, “આપણા રાષ્ટ્રની એકતાને ધ્યાનમાં રાખીને EaseMyTripએ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ સ્થગિત કરી દીધી છે.”
In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY
— Nishant Pitti (@nishantpitti) January 7, 2024
સાથે જ અન્ય એક પોસ્ટમાં PM નરેન્દ્ર મોદીનો લક્ષદ્વીપ પ્રવાસનો ફોટો મૂકીને #ChaloLakshadweep સાથે લખ્યું છે કે, “લક્ષદ્વીપના પાણી અને દરિયાકિનારા માલદીવ/સેશેલ્સ જેટલા જ સારા છે. EaseMyTrip પર અમે આપણાં પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુલાકાત લીધેલા આ નૈસર્ગિક ગંતવ્યને પ્રમોટ કરવા માટે જોરદાર સ્પેશિયલ ઑફર્સ લઈને આવીશું!”
નોંધનીય છે કે EaseMyTrip એ ભારતની એક જાણીતી અને પ્રતિષ્ઠિત ભારતીય ટ્રાવેલ બુકિંગ વેબસાઈટ અને એપ્લિકેશન છે. જેના પરથી દર વર્ષે લાખો લોકો દેશ-વિદેશના પ્રવાસ માટે પોતાની ફ્લાઇટ ટિકિટ્સ અને હોટેલ્સ બૂક કરે છે.
PM મોદીએ સ્થાનિક પ્રવાસનને કર્યું પ્રમોટ તો બેબાકળું થયું માલદીવ
નોંધનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની સરખામણી માલદીવ સાથે થવાની શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ, માલદીવનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ કૂદી પડ્યાં હતાં અને ભારત, ભારતીયો અને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરતી પોસ્ટનો મારો ચલાવ્યો હતો.
આ અકાઉન્ટ્સમાં માત્ર સોશિયલ મીડિયા ટ્રોલ જ નહીં પરંતુ માલદીવ સરકારના મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. શનિવારે માલદીવ સરકારનાં યુવા સશક્તિકરણ, માહિતી અને કળા વિભાગનાં ડેપ્યુટી મિનિસ્ટર મરિયમ શીઓનાએ X પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી અને તેમને ‘ઈઝરાયેલની કઠપૂતળી’ ગણાવ્યા હતા.
તે સિવાય શુક્રવારે (5 જાન્યુઆરી, 2023) પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવના એક કાઉન્સિલર ઝહીદ રમીઝે X પર એક પોસ્ટ કરીને ભારતીયોની મજાક ઉડાવી હતી. ભારતના જાણીતા X યુઝર મિ. સિન્હાએ લક્ષદ્વીપ યાત્રાના PM મોદીના ફોટો શૅર કરીને ભારતીય દ્વીપને માલદીવનો બીજો વિકલ્પ ગણાવ્યો હતો. જેનાથી ધૂઆપૂઆ થયેલા માલદીવના નેતાએ ભારતીયો પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.
નોંધનીય છે કે પાછળથી આ તમામને મંત્રીમંડળમાંથી માલદીવ સરકારે પાણીચું પકડાવી દીધું હતું અને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને ચોખવટ આકરી હતી કે માલદીવ સરકાર કોઇ પણ રીતે આ મંત્રીઓના નિવેદનોનું સમર્થન કરતી નથી.