પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ટાઈમ્સ નાઉનાં મહિલા પત્રકાર ભાવના કિશોર અને તેમના સાથીઓ વિરુદ્ધ દાખલ FIR રદ કરી દીધી છે. તેમની વિરુદ્ધ IPC અને ST-SC એક્ટની કલમો હેઠળ રૅશ ડ્રાઇવિંગ અને જાતિસૂચક અપમાનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ મામલો મે, 2023નો છે, જ્યારે ટાઈમ્સ નાઉનાં રિપોર્ટર ભાવના કિશોર, કેમેરામેન મૃત્યુંજય કુમાર અને ડ્રાઇવર પરમિન્દરની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી હતી. તેમની વિરુદ્ધ IPCની કલમ 279, 337 અને 427 તેમજ ST-SC એક્ટની કલમ 3 અને 4 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમની કારે એક મહિલાને ટક્કર મારી હતી અને ત્યારબાદ ભાવનાએ તેને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. જોકે, ધરપકડ બાદ થોડા કલાકોમાં તેમને જામીન મળી ગયા હતા, પરંતુ કેસ ચાલી રહ્યો હતો.
આખરે ગુરુવારે (4 જાન્યુઆરી, 2023) પંજાબ-હરિયાણા હાઈકોર્ટે FIR રદ કરી દીધી. કોર્ટે નોંધ્યું કે, “એ વાત સર્વવિદિત છે કે આરોપીઓને પીડિત કે તેના પરિવારની જાતિ વિશે કોઇ જાણ ન હતી. આવા કિસ્સામાં કોર્ટ એવું ધારી ન શકે કે આરોપી પીડિતની જાતિ કે દલિત હોવાની ઓળખ વિશે જાણતા હોય શકે. સરકાર કે વિપક્ષ, બંનેમાંથી કોઈ પણ એવો ઉલ્લેખ કર્યો નથી કે અરજદારને પીડિતની જાતિ વિશે ખબર હતી અને તેમનું આ મૌન ઘણું બધું કહી જાય છે.”
પીડિતનું જાહેરમાં અપમાન કરવાને લઈને કોર્ટે કહ્યું કે, “જ્યાં સુધી ST-SC સમુદાયના કોઇ વ્યક્તિને ઈરાદાપૂર્વક અપમાનિત ન કરવામાં આવે ત્યાં સુધી માત્ર તે જે-તે સમુદાયમાંથી આવતો હોવાના કારણે ગુનો બન્યો હોય તેમ માની લેવાય નહીં. એવો કોઇ આધાર નથી, જેનાથી સાબિત કરી શકાય કે ગુનો પીડિત વ્યક્તિ ST-SC સમુદાયમાંથી આવતી હોવાના કારણે આચરવામાં આવ્યો હતો.”
IPCની અન્ય કલમોને લઈને કોર્ટે કહ્યું કે, આ કલમો હેઠળના ગુનાઓ વાહનના ચાલકને લાગુ પડે છે. IPC 427ની જ્યાં સુધી વાત છે તો તે મોબાઈલ ફોન તૂટી જવા સાથે સંબંધિત છે, જે અકસ્માતના કારણે બન્યું હતું. કોર્ટે કહ્યું કે, “જો એવું માની લેવામાં આવે કે આરોપી, જેઓ વાહન ચલાવતાં પણ ન હતાં, તેમણે ઈરાદાપૂર્વક વાહન સાથે છેડછાડ કરી હતી, જેથી ડ્રાઇવર અકસ્માત સર્જે, તો તે ન્યાયોચિત નહીં હોય. ફોન જરૂરથી તૂટ્યો હશે, પરંતુ તે કૃત્ય ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હોવાના કોઇ આધાર નથી.
ઉલ્લેખનીય છે કે જ્યારે બનાવ બન્યો તેના થોડા જ દિવસ પહેલાં ટાઈમ્સ નાઉ ચેનલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઓપરેશન શીશમહેલ ચલાવ્યું હતું અને તેમના કરોડોના કૌભાંડને ઉજાગર કર્યું હતું. તેના થોડા જ દિવસ બાદ આ ઘટના બની હોવાના કારણે ચેનલે આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે બદલાની કાર્યવાહી કરવામાં આવી છે અને ખોટો કેસ કરવામાં આવ્યો છે. નોંધવું જોઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.