અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામલલ્લાના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેને લઈને દેશભરમાં ઉત્સાહ છે. આજે દેશ-દુનિયાના રામભક્તો એ કારસેવકોને યાદ કરી રહ્યા છે, જેમણે મુઘલ કાળથી લઈને મુલાયમ કાળ સુધી રામના નામે જીવન બલિદાન કરી દીધાં હતાં.
એવા જ એક કારસેવક હતા ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના નિવાસી રમેશચંદ્ર મિશ્રા, જેમણે રામ મંદિર માટે પોતાના જીવની આહુતિ આપી હતી. ઑપઇન્ડિયાએ રમેશચંદ્ર મિશ્રાના પરિવારની મુલાકાત લીધી અને વર્તમાન પરિસ્થિતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં તેમના પરિવારે રામ મંદિર અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓને યાદ કરી.
રમેશચંદ્ર મિશ્રા મૂળ ગોંડા જિલ્લાના ટેકરી વિસ્તારના રહેવાસી હતા. ગામનું નામ બૈરીસાલપુર છે, જે અયોધ્યાથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે અમે ઘરની બહાર પહોંચ્યા ત્યારે ઘર બંધ હતું. ઘરની બહાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને ઓરડામાં ભગવાન શ્રીકૃષ્ણનાં ચિત્રો દોરેલાં હતાં. ઘરની દીવાલો પર ૐ અને સ્વસ્તિક જેવાં વૈદિક ચિહ્ન જોવા મળતાં હતાં.
ગ્રામજનોને તેમના પરિવાર વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે રમેશ મિશ્રાના બલિદાન બાદ તેમનો સંપૂર્ણ પરિવાર બૈરીસાલપુર છોડીને અયોધ્યા ચાલ્યો ગયો છે. લગભગ ત્રણ દાયકા પહેલાં રામ મંદિર માટે વીરગતિ પામેલા રમેશ મિશ્રાની સ્મૃતિ હજી ગામલોકો સાચવીને બેઠા છે.
ભાજપ ધારાસભ્યએ બનાવ્યો સ્મૃતિદ્વાર
ગામમાંથી નીકળતી વેળા અમે જોયું કે ભોગચંદથી ટીકરીને જોડતા જાહેર માર્ગમાં સ્થાનિક ધારાસભ્ય રમાપતિ શાસ્ત્રી દ્વારા રમેશ ચંદ્ર મિશ્રાની યાદમાં એક સ્મૃતિ દ્વાર બનાવવામાં આવ્યો છે. આ ગેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો, UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો અને ગોંડાના સ્થાનિક સાંસદ કીર્તિવર્ધન સિંઘનો ફોટો છપાયેલો હતો. ગેટનું નામ ‘સ્વર્ગીય શ્રી રમેશ ચંદ્ર મિશ્રા સ્મૃતિ દ્વાર’ રાખવામાં આવ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ આ ગેટ ત્રણ-ચાર મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો છે.
ગામ છોડી અયોધ્યામાં વસ્યો પરિવાર
રમેશ ચંદ્ર મિશ્રાનો પરિવાર હાલ ગામ છોડી અયોધ્યામાં રામજન્મભૂમિથી થોડે દૂર માત્ર 3 કિલોમીટરના અંતરે વસ્યો છે. રમેશચંદ્રને 4 દીકરા છે. તેમની પત્નીનું નામ સુશીલાદેવી હતું. જે હવે હયાત નથી રહ્યાં. જાણવા મળ્યું કે રમેશચંદ્ર મિશ્રાના દીકરાઓ સરકારી, ખાનગી નોકરી સાથે સંકળાયેલા છે. કોઇ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મોટા દીકરાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે પિતાના મૃત્યુ બાદ તેમની મા માનસિક રીતે પડી ભાંગી હતી. પરંતુ હિંમત ન હારતા તેમણે સંતાનોનું પાલનપોષણ કરી તેમને મોટાં કર્યાં. લગભગ 8 વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થયું.
સરકારી નોકરીને છોડી જોડાઈ ગયા કારસેવકો સાથે
રમેશચંદ્ર મિશ્રાના બીજા દીકરા દિવાકર મિશ્રાએ 30 ઓક્ટોબર, 1990ના રોજ બનેલી ઘટના વિશે વિસ્તારથી વાત કરી હતી. ઑપઇન્ડિયાને તેમણે જણાવ્યું કે, તે દિવસે બૈરીસાલપુર ગામમાં દિલ્હી, પંજાબ અને ઘણાં અન્ય રાજ્યોમાંથી કારસેવકો એકઠા થયા હતા. તેઓ ગમે તે હિસાબે અયોધ્યા પહોચવા માંગતા હતા, પરંતુ પોલીસ તેમને રસ્તામાં જ પકડી રહી હતી.
એકઠા થયેલા કારસેવકો માટે ગામલોકોએ જમવા-રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. તે સમયે રમેશચંદ્ર મિશ્રા પોસ્ટમેનની નોકરી કરતા હતા. પોસ્ટમેન હોવાથી તેમને ગામના એવા ઘણા રસ્તાનું પણ જ્ઞાન હતું જેનાથી પોલીસ પણ અવગત ન હતી. રમેશ મિશ્રાએ તે સમયે પોતાના ગામ અને આસપાસના ગામોના લોકોનો એક સમૂહ બનાવ્યો અને બહારથી આવેલ કારસેવકો સાથે રામજન્મભૂમિ તરફ પ્રયાણ કર્યું.
રામજન્મભૂમિ પાસે ગોળી વાગતા વીરગતિને વર્યા
આ અંગે વધુ કહેતાં દિવાકર મિશ્રાએ જણાવ્યું કે, તેઓ પરિવારને કહીને કારસેવકો સાથે ચાલી નીકળ્યા હતા. તેઓ તમામ રસ્તાઓ જણાતા હોવાથી પોલીસથી બચતા-બચતા અયોધ્યા શહેરમાં પહોંચી ગયા. જ્યાં તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંઘ યાદવના આદેશ પર પોલીસ કારસેવકો પર ગોળીઓ ચલાવી રહી હતી. જેમાંથી એક ગોળી રમેશ ચંદ્ર મિશ્રાના પેટમાં વાગતાં તેઓ બલિદાન થઈ ગયા.
તેમનો મૃતદેહ અયોધ્યાના શ્રી રામ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઘરે પરત ન ફર્યા તો પરિવારે શોધખોળ ચાલુ કરી દીધી. સાથે ગયેલા લોકોને પૂછ્યું ત્યારે ખબર પડી કે તેઓ વીરગતિ પામ્યા છે. રામજન્મભૂમિથી થોડે દૂર જ તેમને ગોળી મારવામાં આવી હતી.
મા આજીજી કરતી રહી, પોલીસે સનાતન પરંપરા મુજબ ન કરવા દીધી અંતિમક્રિયા
ઘટના વિશે વધુ જણાવતાં દિવાકર મિશ્રા કહે છે કે, તેઓ પોતાની મા સાથે અયોધ્યા માટે નીકળ્યા હતા, પરંતુ અયોધ્યાની સરહદ પર ઉભેલી પોલીસે તેઓને શહેરમાં જવા દીધા નહીં. અનેક વખત આજીજી કર્યા બાદ આખરે અમુક લોકો અયોધ્યામાં પ્રવેશ કરી શક્યા. જ્યાં તેઓ શ્રીરામ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા. શોધખોળ બાદ તેમણે એક ખૂણામાં રમેશચંદ્રની નિર્જીવ લાશ પડેલી જોઈ.
પતિનો પાર્થિવ દેહ લઈને સુશીલા દેવી પુત્ર સાથે ઘરે જવા નીકળ્યાં તો અયોધ્યાની સરહદ પર તેમને રોકી દેવામાં આવ્યાં. ત્યારે દિવાકરની ઉંમર 20 વર્ષ આસપાસ રહી હશે. તેમણે જણાવ્યું કે, તેઓ માતા સાથે પોલીસને આજીજી કરતા રહ્યા કે તેમને લાશ લઇ જવા દેવામાં આવે, પણ ત્યાં ફરજ પર હજાર પોલીસકર્મીઓ પર કોઇ અસર ન થઈ.
તેમણે જણાવ્યું કે, “એક પોલીસ અધિકારીએ મારી માને ધમકાવતાં કહ્યું કે, કાં તો લાશ અહી જ સળગાવી દો અથવા અમે આંચકી લઈને નદીમાં ફેંકી દઈશું.” રમેશના પરિજનોએ વૈદિક વિધિથી રાત્રે અંતિમ સંસ્કાર ન થઈ શકે તેમ પણ કહ્યું પણ પોલીસકર્મીઓને કોઇ ફેર ન પડ્યો. આખરે રમેશચંદ્રની વિધવા અને તેમના પુત્રોએ હાર માની લીધી અને તંત્રના કહ્યા અનુસાર મૃતદેહને લઈને પાસેના સ્મશાને જતા રહ્યા. મૃતદેહ લઇ જવા દરમિયાન પણ પોલીસબળ તેમની સાથે જ ચાલતું રહ્યું. આખરે સનાતન પદ્ધતિથી વિપરીત અડધી રાત્રે અમુક પ્રક્રિયાઓ વગર જ રમેશચંદ્ર મિશ્રાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. અમારી સાથે વાતચીત કરતી વખતે દિવાકર મિશ્રા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે, તેઓ સમજી શકે છે કે તે સમયે ત્યાં હાજર તેમની માતા પર શું વીતી રહ્યું હશે.
દીકરાઓની ઈચ્છા- પિતાનું સ્મારક બને
રમેશચંદ્ર મિશ્રાના દીકરઓને એ વાતનું દુઃખ છે કે તેમના પિતાનું બલિદાન પાછલા 3 દાયકાઓમાં ભૂલાવી દેવામાં આવ્યું. દુઃખ સાથે તેમણે કહ્યું. “અમને પૂછવાવાળું પણ કોઈ નથી”. રામ મંદિર બનવાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે આ તેમના પિતાની અંતિમ ઈચ્છા પૂરી થવા જેવું છે. જોકે, પરિવાર એ આશા સાથે બેઠો છે કે, તેમના પિતાના બલિદાનની યાદમાં સરકાર અયોધ્યામાં એક સ્મારક બનાવે, જે ભવિષ્યના રામભક્તોને ધર્મ માટે કશુંક કરવાની પ્રેરણા આપશે.