ઉદ્યોગપતિ સાથે સંસદના લૉગ-ઇન આઇડી અને પાસવર્ડ શૅર કરવા મામલે લોકસભામાંથી નિષ્કાસિત થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ નેતા મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે આ મામલે બુધવારે (3 જાન્યુઆરી, 2024) સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે લોકસભા સચિવાલયને નોટિસ પાઠવી છે, પરંતુ મોઈત્રાને કોઇ પણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મહુઆ મોઈત્રા તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ પક્ષ મૂક્યો હતો, જ્યારે લોકસભા સચિવાલય તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલે લોકસભા સેક્રેટરી જનરલને જવાબ દાખલ કરવા માટે જણાવીને નોટિસ પાઠવી છે અને વધુ સુનાવણી આગામી 11 માર્ચ, 2024ના રોજ મુકરર કરી છે. જવાબ દાખલ કરવા માટે કોર્ટે 3 અઠવાડિયાંનો સમય આપ્યો છે. મહુઆ મોઈત્રા તરફથી અભિષેક સિંઘવીએ આગલી સુનાવણી માટે આગળની તારીખ આપવા માંગ કરી હતી, પરંતુ કોર્ટે ફગાવી દીધી હતી.
Bench pronounces –
— Live Law (@LiveLawIndia) January 3, 2024
"A number of issues have been raised. We will not like to comment on any issue at this stage. One of the issues is with regard to jurisdiction of this court and the power of judicial review. Ld senior advocate appearing for petitioner has relied upon Raja…
આ સિવાય કોર્ટે અભિષેક મનુ સિંઘવીની મહુઆ મોઈત્રાને વચગાળાની રાહત આપવાની માંગ પણ ફગાવી દીધી હતી. સિંઘવીએ મહુઆ મોઈત્રા તરફથી કોર્ટમાં દલીલ કરી હતી કે, પૂર્વ સાંસદને લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે અનુમતિ આપવામાં આવે. પરંતુ કોર્ટે કહ્યું કે, જો તેવી છૂટ આપવામાં આવે તો તેનો અર્થ એવો થશે કે કોર્ટે આડકતરી રીતે રીટ પિટિશન સ્વીકારી લીધી છે, જ્યારે હજુ કોર્ટ જ (અરજી સ્વીકારવી કે નહીં તે બાબતે) મૂંઝવણમાં છે અને વિચાર કરી રહી છે.
ત્યારબાદ સિંઘવીએ વચગાળાની રાહત આપવા માટે એક નોટિસ ઇસ્યુ કરવા માટેની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તે પણ ફગાવી દીધી અને કહ્યું કે, આ તબક્કે કોર્ટ કશું જ ટિપ્પણી કરી રહી નથી. બેન્ચે કહ્યું, “અમે તમારી અરજી ફગાવી નથી રહ્યા. જ્યારે આગલી સુનાવણી થાય ત્યારે ફરી તેની ઉપર વિચાર કરીશું.”
Singhvi argues for a shorter date.
— Live Law (@LiveLawIndia) January 3, 2024
Khanna J: I have said week commencing March 11. Don't say it's a long date.
Singhvi: …On account of a session of parliament.
Khanna J: Do you think the matter is simple?
Singhvi: Just because of elections…
Khanna J: Dr Singhvi, we have…
કોર્ટમાં અભિષેક સિંઘવીએ દલીલો કરતાં કહ્યું કે, મહુઆને માત્ર તેમની લૉગ-ઇન ડિટેલ શૅર કરવા બદલ નિષ્કાસિત કરવામાં આવ્યાં છે. હાલ એવો કોઇ કોડ ઑફ કન્ડક્ટ નથી, જે પાસવર્ડ શેરિંગ કે એક્સેસનું નિયમન કરી શકે અને એવા કોઇ નિયમો પણ નથી. મહુઆ વિરુદ્ધ હૅકિંગના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એવું પણ કહ્યું કે, એથિક્સ કમિટીએ ‘નેચરલ જસ્ટિસ’ના સિદ્ધાંતને અનુસર્યા વગર પરિણામો તારવી લીધાં હતાં, જ્યાં બે વ્યક્તિઓએ ફરિયાદ કરી અને મોઈત્રાને ક્રોસ એક્ઝામિનેશનની પણ પરવાનગી આપવામાં ન આવી. એવું પણ કહેવામાં આવ્યું કે કમિટીના 439 પાનાંના રિપોર્ટના અભ્યાસ માટે સાંસદોને પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો.
બીજી તરફ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો આપતાં કહ્યું કે, એક સર્વભૌમત્વ અંગ (સંસદ) દ્વારા આંતરિક શિસ્તતાને લઈને કોઇ નિર્ણય કરવામાં આવ્યો હોય તો તેમાં ન્યાયિક તપાસની જરૂર હોવી જોઈએ નહીં. જેને લઈને કોર્ટે કહ્યું હતું કે તેઓ આ મામલે વિચાર કરશે. કોર્ટે કહ્યું કે, ઘણા મુદ્દાઓ પર વિચાર કરવો જરૂરી છે અને આ તબક્કે તેઓ કોઇ પણ ટિપ્પણી કરશે નહીં. પહેલાં જવાબ દાખલ કરવામાં આવે અને ત્યારબાદ આ મામલે આગળ સુનાવણી હાથ ધરવામાં આવશે.