અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે. હિંદુઓનો 500 વર્ષ જૂનો સંઘર્ષ ફળદાયી રહેશે અને રામલલા તંબુમાંથી ગર્ભગૃહમાં પધારશે. દેશભરમાંથી લાખો લોકો અયોધ્યા પહોંચવા માટે તલપાપડ છે. અયોધ્યા તો હજુ હમણાં ચર્ચામાં છે, પરંતુ વારાણસી, ઉજ્જૈન અને મથુરા જેવા ધાર્મિક સ્થળો પર પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેના બે મોટા કારણો છે – વર્તમાન સરકાર ભક્તો માટે સુવિધાઓ વિકસાવી રહી છે અને બીજું, આ ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો સમયગાળો પણ છે અને જેના કારણે ભારતમાં આધ્યાત્મિક પર્યટન વધ્યું છે.
સાંસ્કૃતિક પુનરુત્થાન એટલા માટે કે ભારતના દરેક ક્ષેત્રમાં, જ્યાં રામનું નામ લેવામાં આવ્યું છે, ત્યાં રામના જન્મસ્થળ પર આક્રમણકારોનો કબજો હતો અને હવે તે મુક્ત થઈ ગયું છે. હિંદુ સમાજે વર્તમાન કાનૂની માધ્યમો દ્વારા પોતાના અધિકારો પાછા મેળવ્યા છે. કહેવાનો અર્થ એ છે કે ખાસ પ્રસંગોએ લોકો હવે માત્ર મનાલી, મસૂરી અને ગોવા જ નહીં પરંતુ મંદિરોમાં દર્શન અને આધ્યાત્મિકતાના અનુભવને પ્રાધાન્ય આપી રહ્યા છે.
OYO પર પણ અયોધ્યા ડિમાંડમાં, 70%નો ઉછાળો
હવે OYO દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર એક નજર નાંખીએ. OYO હોટલ ચેનના સંસ્થાપક રિતેશ અગ્રવાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આ વખતે પહાડ અને સમુદ્ર તટ નહીં, પરંતુ અયોધ્યાનો ક્રેઝ છે. 2023ના અંતિમ દિવસે તેમણે જાણકારી આપી છે કે તે દિવસે અયોધ્યામાં રહેવા માટે 80 ટકા વધુ લોકો સર્ચ કરી રહ્યા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. તેમણે એ વાત પર પણ સહમતિ વ્યક્ત કરી કે અયોધ્યા 2024નું સૌથી મોટું પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે.
રિતેશ અગ્રવાલે કહ્યું કે ભારતના ધાર્મિક સ્થળો હવે લોકોનું સૌથી પસંદગીના સ્થળ છે. પોતાની એપના યૂઝર્સના આંકડા અંગે તેમણે કહ્યું કે ગોવા અને નૈનિતાલની સરખામણીમાં અયોધ્યામાં સૌથી વધુ રોકાણ કરનાર લોકોનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે અયોધ્યાના કિસ્સામાં આ આંકડો 70 ટકા, ગોવામાં 50 ટકા અને નૈનિતાલમાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રિતેશ અગ્રવાલનું માનવું છે કે આગામી 5 વર્ષ સુધી આધ્યાત્મિક પર્યટન ભારતમાં પ્રવાસન ઉદ્યોગનો નાયક બનશે.
Holy destinations are now India's favourite destinations!🙏
— Ritesh Agarwal (@riteshagar) December 31, 2023
Ayodhya saw a 70% jump in OYO app users vs Goa (50%) and Nainital (60%)
Spiritual tourism will be one of the biggest growth drivers of the tourism industry in the next 5 years. #CheckIn2024
ભારતમાં આધ્યાત્મિક પર્યટન વધ્યું તે સૂચવે છે કે લોકો ખાસ પ્રસંગોએ તેમના પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ જવા માંગે છે. અપરિણીત કપલ હોય કે પછી વડીલો, દરેક લોકો હવે મનોરંજન કરતાં આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપી રહ્યા છે. અથવા તો, ફરવા માટેના સ્થળોએ જવા ઉપરાંત, તેઓ ધાર્મિક સ્થળોએ પણ ભગવાનના દર્શન કરવા જઇ રહ્યા છે. એટલે કે હવે આધુનિકતાના ઢોંગમાં ધર્મને ભાંડવાનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે. એટલા માટે લોકો વધુમાં વધુ સંખ્યામાં અયોધ્યા જેવા સ્થળોએ જવા માંગે છે, ત્યાં સમય પસાર કરવા માંગે છે.
નવા વર્ષમાં વારાણસીમાં પહોંચ્યા 8 લાખ દર્શનાર્થીઓ
2024ના પહેલા દિવસે 8 લાખ શ્રદ્ધાળુઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા વારાણસી પહોંચ્યા હતા. વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કર્યું હતું. તેઓ અહીંના સાંસદ પણ છે. અહીં પણ ઔરંગઝેબે મંદિર પર કબ્જો કરીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. આ મામલે કોર્ટમાં વિચારણા ચાલી રહી છે, કાયદાકીય લડાઈ ચાલી રહી છે. પરંતુ મોદી સરકારે અહીં વિકાસને પ્રાધાન્ય આપ્યું અને તે પછી કાશીની કયાપલટ કરવામાં આવી અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવવા લાગ્યા.
સોમવારે (1 જાન્યુઆરી 2024) ભક્તોના આગમનની પ્રક્રિયા સવારે 4 વાગ્યાથી જ શરૂ થઈ હતી અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આરતીથી લઈને ભગવાનના શયન સમય સુધી લાઈનો લાગી રહી હતી. ગંગાના વિવિધ ઘાટ પર ચાર લાખ લોકોએ સ્નાન પણ કર્યું હતું. મંદિર પ્રશાસને જ જણાવ્યું છે કે આ વખતે દર્શનાર્થીઓના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર કાશીમાં પણ રામમાધૂન ગુંજી ઉઠી હતી. આ જ રીતે શ્રાવણ મહિનામાં પણ 1.57 કરોડ શ્રદ્ધાળુઓ કાશી પહોંચ્યા હતા.
ભારતમાં આધ્યાત્મિક પર્યટન વધ્યું તેનાથી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળે છે. લગભગ તમામ હોટલો બુક થઈ ગઈ છે. સ્થાનિક ઉત્પાદનો મોટી સંખ્યામાં વેચાઈ રહ્યા છે, તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ફળ-ફૂલ વેચવાવાળાથી માંડીને કપડાં-રમકડા વેચવાવાળાઓને તેજી છે. દેશભરમાંથી લોકો આવતા હોવાથી સ્થાનિક ઉત્પાદનો તેમજ સંસ્કૃતિ દૂર દૂર સુધી પહોંચે છે. અહીં આવેલા રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં પણ ધંધો વધી રહ્યો છે. બહારથી આવેલા લોકો ભોજન પણ ત્યાં જ કરે છે, જેના કારણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ઓન તેજી દેખાઈ રહી છે.
સંસ્કૃતિક-ધાર્મિક પર્યટનમાં વધારો ભારત માટે સારા સમાચાર
આવી જ રીતે મથુરામાં 3 દિવસમાં 18 લાખ લોકો દર્શન માટે પહોંચ્યા હતા. આ તો માત્ર ઉત્તર પ્રદેશની વાત છે. પરંતુ શિવ, રામ અને કૃષ્ણની ભૂમિ તેનું પણ ઉદાહરણ છે કે આ મામલે ભારત માટે 2024નું વર્ષ કેટલું સારું રહેવાનું છે. તેનાથી રોજગારીની નવી તકો તો ઊભી થઈ જ રહી છે, સાથે-સાથે નાના ધંધાદારી લોકોની કમાણી પણ વધી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, મોદી સરકાર આવા સ્થળોને વિકસિત કરવા અને ત્યાંની સુવિધાઓ વધારવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
યુવાનો પણ હવે ધાર્મિક સ્થળોએ પહોંચી રહ્યા છે તે પણ સુખદ છે. ઇસ્કોન મંદિરો કે બાંકે બિહારી મંદિરમાં જાઓ, ત્યાં તમને મોટી સંખ્યામાં છોકરા-છોકરીઓ જોવા મળશે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો આ જમાનો હોવાથી ફોટા અને રીલ્સ બનાવતી પેઢી ધાર્મિક સ્થળોએ પણ જઈ રહી છે. જો તે જગ્યાની ગરિમાને ધ્યાનમાં રાખીને ફોટા પાડવામાં આવે તો તે ખોટું નથી. જો ધાર્મિક સ્થળોનો વધુ પ્રચાર કરવામાં આવે, તો વધુ લોકો ત્યાં પહોંચશે, જે એક રીતે સારું જ છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમથી 50,000 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે. તો જરા વિચારો, ભારતના આ અલગ-અલગ ક્ષેત્રોમાં, જે મુખ્યત્વે ગ્રામીણ છે, દેશ-વિદેશના લોકોના આગમનથી હજારો કરોડ રૂપિયાનો કેટલો બિઝનેસ થઈ રહ્યો છે, ગરીબોને કેટલો ફાયદો થયો હશે. ભારતના તહેવારોમાં આમ પણ મોટો બિઝનેસ થતો રહ્યો છે. ખાસ કરીને દિવાળીમાં લાખો કરોડોનો બિઝનેસ થાય છે.
હિંદુ ધાર્મિક સ્થળોનો વિકાસ, તેની આસપાસનો વ્યવસાય, સ્થાનિક અર્થતંત્રનો વિકાસ અને ત્યાંની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો – આ તમામ પરિબળો 2024ને ભારતના આધ્યાત્મિક પર્યટનના ઉત્ક્રાંતિના સમયગાળાને બનાવશે. સમાજ જેટલો સમૃદ્ધ હોય તેટલો જ તેનો પ્રભાવ વધતો જાય છે. યહૂદી સમાજ પાસેથી આપણને તે શીખવા મળે છે. હિંદુઓએ પણ સમૃદ્ધ બનવું હોય તો અધ્યાત્મિક પર્યટન તે બાબતે કરગર સાબિત થશે.