પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પ્રોપગેન્ડા વેબસાઈટ ‘ધ વાયર’ પર એક નવો શો શરૂ કર્યો છે, જેને નામ અપાયું છે- ‘સેન્ટ્રલ હોલ વિથ કપિલ સિબ્બલ.’ આ શોનો પ્રથમ એપિસોડ શુક્રવારે (29 ડિસેમ્બર) રીલીઝ કરવામાં આવ્યો, જેમાં મહેમાન છે ‘ભાજપ નેતા’ સુબ્રમણ્યમ સ્વામી.
વાતચીત દરમિયન બંને નેતાઓ અર્થવ્યવસ્થા અને અન્ય ઘણા વિષયો પર ચર્ચા કરે છે. કપિલ સિબ્બલ શરૂઆતમાં અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકારને ટાર્ગેટ કરવાના પ્રયાસ કરે છે પરંતુ આંકડાઓ જ જ્યારે દર્શાવે છે કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે એટલે તેઓ પ્રયાસ નિષ્ફળ જાય છે. પછીથી સુબ્રમણ્યમ સ્વામી એમ કહીને વાત ટાળી દે છે કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે પરંતુ હાલની સરકારમાં કોઇને અર્થવ્યવસ્થાનું જ્ઞાન નથી.
વાતની શરૂઆત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સથી થાય છે અને સિબ્બલ કહે છે કે સંપૂર્ણ ગ્લોબલ ઈકોનોમી AI અપનાવી રહી છે ત્યારે ભારત સામે આ દિશામાં કયા પડકારો હશે? જેના જવાબમાં સ્વામી કહે છે કે, ભારત પણ અમુક પડકારોનો સામનો કરી શકે છે અને ત્યારબાદ દાવો કરે છે કે NASS AI પ્રોગ્રામમાં સંસ્કૃતનો ઉપયોગ કરવા માટે રિસર્ચ કરી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, NASA અંગ્રેજી કરતાં સંસ્કૃતની પસંદગી કરવાનું વિચારે છે કારણ કે આ ભાષામાં જુદી-જુદી જોડણીઓ માટે જુદાં-જુદાં ઉચ્ચારણો નથી.
જોકે, AI અને રોબોટિક્સ માટે નાસા સંસ્કૃતનો અભ્યાસ કરતું હોવાની વાતો ઘણા સમયથી ઈન્ટરનેટ પર ચાલતી આવે છે પણ તે ઘણીખરી પાયાવિહોણી છે. NASA એક સ્પેસ રિસર્ચ કરતી સંસ્થા છે અને વોઇસ રેકગ્નિશન સિસ્ટમ સાથે તેને વધુ ખાસ લાગતું-વળગતું નથી. સંસ્કૃતના સંશોધનને લઈને પણ કોઇ ઠોસ પુરાવા કે સબૂતો મળ્યા નથી.
સ્વામી આગળ કહે છે કે, ભારતીયો જો Y2K પ્રોબ્લેમનો ઉકેલ લાવે તો પશ્ચિમી દેશોએ પણ ભવિષ્યમાં ભારત પર આધાર રાખવો પડશે. જોકે, તેમણે સાથે કહ્યું કે તે દેશના નેતૃત્વ પર આધાર રાખે છે. તેઓ કહે છે, “જો તમારી પાસે મૂરખ નેતૃત્વ હોય તો..” અહીં કપિલ સિબ્બલ તેમને અટકાવીને પૂછે છે કે શું તેઓ એવું કહેવા માંગે છે કે હાલનું નેતૃત્વ એવું છે, ત્યારે સ્વામી જવાબ આપે છે કે આજના નેતૃત્વ પાસે કોઇ સ્કોલર નથી.
જ્યારે કપિલ સિબ્બલ કહે છે કે, સરકારમાં પણ અનેક શિક્ષિત વ્યક્તિઓ છે ત્યારે સ્વામી જવાબ આપે છે કે, “તો પછી તેમનામાં વડાપ્રધાનને એ કહેવાની તાકત હોવી જોઈએ કે કોણ શિક્ષિત નથી. મને ખબર નથી તેમણે શું અભ્યાસ કર્યો છે.” જોકે, પછી કપિલ સિબ્બલ વાતને જુદા પાટે લઇ લે છે અને બંને અર્થવ્યવસ્થાની ચર્ચા કરે છે.
ચર્ચા દરમિયાન સુબ્રમણ્યમ સ્વામી કપિલ સિબ્બલને અર્થવ્યવસ્થા વિશે થોડી પાયાની વાતો કહીને સમજાવવાનો પ્રયાસ કરે છે. સિબ્બલ કહે છે કે, ભારતની અર્થવ્યવસ્થા એટલા માટે ખરાબ છે કારણ કે પર કેપિટા GDP નંબર ઘણા ઓછા છે. તેઓ બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાનું ઉદાહરણ આપે છે, જેમની પર કેપિટા GDP ભારતની સરખામણીએ વધુ છે. પરંતુ સ્વામી તેમને સમજાવે છે કે અર્થવ્યવસ્થા GDPના આંકડાઓ પરથી મપાય છે નહીં કે પર કેપિટા પરથી. તેઓ સમજાવે છે કે, જો રોકાણનું માપ કાઢવું હોય તો GDPનો અભ્યાસ કરવો પડે, પર કેપિટાનો નહીં.
જોકે, આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામી મોદી સરકાર પર પ્રહારો ચાલુ રાખે છે એ કહે છે કે હાલની સરકારમાં કોઇને અર્થવ્યવસ્થાની સમજ નથી. તેઓ એવો પણ દાવો કરે છે કે મંત્રીઓને કશું સમજ પડતી નથી અને બધું અધિકારીઓ જ ચલાવે છે અને મંત્રીઓ માત્ર ફાઈલો પર હસ્તાક્ષર કરે છે. એવું પણ કહ્યું કે, સરકારમાં કેટલાક સારા સલાહકારો હતા પણ સરકાર સાંભળતી ન હોવાના કારણે તેઓ પણ છોડી ગયા છે.
આગળ સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા GDPના આંકડાઓ પર પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ આ વિશે ‘ધ હિન્દુ’માં લખતા રહ્યા છે પણ કોઇ વાંચતું નથી. એમ પણ કહ્યું કે, નરસિમ્હા રાવ અને મનમોહન સિંઘે ભારતીય અર્થવ્યવસ્થાની કાયાપલટ કરી હતી, તેવું કામ હાલ નથી થઈ રહ્યું અને હાલની સરકાર માત્ર રાજકારણમાં જ ધ્યાન આપે છે અર્થવ્યવસ્થા પર નહીં.
ચર્ચાને અંતે બંને એકબીજાને નાણામંત્રી બનવાની સલાહ આપે છે. જેને લઈને સ્વામી કહે છે કે, જો ઇચ્છીએ તો ભારતીય અર્થવ્યવસ્થા અન્ય દેશોની સરખામણીએ ઘણી સારી સ્થિતિમાં આવી શકે છે. જ્યાં કપિલ સિબ્બલ તેમને અટકાવીને કહે છે કે, “જો આપણી પાસે તમારા જેવા વ્યક્તિ હોય.” જેની ઉપર સ્વામી જવાબ આપતાં કહે છે, “અથવા તમારા જેવા.” અને ઉમેરે છે કે સિબ્બલને કાયદાનું જ્ઞાન છે તેથી તેઓ ભારતીય અર્થવ્યવસ્થા સુધારી શકે છે.
અંતે કપિલ સિબ્બલ જ્યારે પૂછે છે કે જો સુબ્રમણ્યમ સ્વામીને 2024માં સત્તા મળે તો તેઓ શું પગલાં લે? જેના જવાબમાં તેઓ કહે છે કે, તેઓ ઇન્કમ ટેક્સ નાબૂદ કરીને વ્યાજનો દર ઘટાડી દેશે. અંતે સ્વામી કહે છે, “હું અને તમે સરકારમાં હોવા જોઈએ. જેની ઉપર કપિલ સિબ્બલ હસીને કહે છે કે, તે અશક્ય બાબત લાગે છે.