ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાના પ્રખર સમર્થક અને કટ્ટર હિંદુવાદી નિવેદનો માટે જાણીતા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે ‘ક્રિસમસ ડે’ મનાવવાનો વિરોધ કર્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ ઉજવણીને પાશ્ચાત્ય સંસ્કૃતિ ગણાવતા શાળાઓમાં સાંતા ક્લોઝ બનીને કરવામાં આવતા કાર્યક્રમનો પણ વિરોધ કર્યો હતો. આ દિવસને તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતૃ-પિતૃ પૂજન દિવસના રૂપમાં મનાવવાનો આગ્રહ કર્યો હતો. જેમાં માતા-પિતાની પૂજા કરવામાં આવે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “ભારતમાં જેટલા પણ સનાતની હિંદુઓ છે અને ખાસ કરીને જેઓ માતા-પિતા છે. તે દરેકે પોતાના બાળકોને સાંતા ક્લોઝ બનાવી ચર્ચમાં મોકલવાની જગ્યાએ નજીકના હનુમાનજી મંદિરે મોકલવા જોઈએ.” કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં વસતા સૌ હિંદુઓને અપીલ કરી હતી કે તેઓએ પોતાની વિરાટ સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ઘરે-ઘરે તુલસી પૂજન કરવું જોઈએ. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતિક એવા ‘ક્રિસમસ’ માટે આપણે ત્યાં કોઈ જગ્યા નથી. એટલા માટે દરેક હિંદુ પરિવારે પોતાના બાળકોમાં સનાતની સંસ્કારોનું સિંચન કરવું જોઈએ.
આ વિષયે વધુ કહેતા તેમણે કહ્યુ કે ભારતમાં લોકો દેખાદેખીમાં પોતાના બાળકોને સાંતા ક્લોઝ બનાવી રહ્યા છે. બાળકોએ સાંતા ક્લોઝ બનાવવાની જગ્યાએ પરમ પૂજ્ય હનુમાનજી સમક્ષ મોકલો. તેમને વિવેકાનંદ, મીરાંબાઈ, રાની લક્ષ્મીબાઈ જેવા મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો વિશે જણાવો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે બાગેશ્વર પીઠ ક્રિસમસનો ખુલ્લો વિરોધ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ ઉપર ઉગ્ર થતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “શું આપણે ભારતીય છે?, આ વાત પર વિચાર કરજો, શું તમે સનાતની છો ? તે વાત પર વિચાર કરજો અને જો ખરેખર સનાતની અને ભારતીય હોવ તો આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો બહિસ્કાર કરજો.”
આ નિવેદન ત્યારે આવી રહ્યું છે જ્યારે મધ્યપ્રદેશના અમુક જિલ્લાઓમાં ‘ક્રિસમસ ડે’ની ઉજવણીમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓના પરિવારની સહમતી લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું. ઉજ્જૈન અને શાજાપુર જિલ્લાની શાળાઓમાં બાળકોને સાંતા ક્લોઝ બનવા માટે પરિવારની મંજુરી ફરજીયાત કરવામાં આવી. આ મામલે પ્રશાસને ચેતવણી આપી હતી કે જો પરિવારની મંજુરી વગર કોઈ બાળકને સાંતા ક્લોઝ બનાવવામાં આવશે અને તેના કારણે કોઈ વિવાદ ઉભો થશે, તો તેની સમગ્ર જવાબદારી શાળાની રહેશે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર પણ જાહેર કર્યો હતો.