રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા બે દિવસીય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે (23 ડિસેમ્બર) દ્વારકાના જગત મંદિર પર ધ્વજરોહણ કર્યા બાદ મહારાસ પ્રારંભ થયો હતો. જ્યારે રવિવારે (24 ડિસેમ્બર) વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં દોઢ લાખથી વધુ યદુવંશીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. આ દરમિયાન 37,000 આહીરાણીઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને મહારાસ લીધો હતો. જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.
#WATCH | Gujarat: 37000 women from the Ahir community performed Maha Raas in Dwarka pic.twitter.com/Ta19lRhhiR
— ANI (@ANI) December 24, 2023
રવિવારે (24 ડિસેમ્બર) કૃષ્ણની સ્વર્ણ નગરી દ્વારકામાં અંદાજે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થયું હતું. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 37,000 આહીરાણીઓએ એક સાથે મહારાસ રમ્યો હતો. રૂક્ષ્મણીજીના મંદિર પાસેના પટાંગણમાં એકસાથે મહારાસ રમી યદુવંશીઓએ ઇતિહાસ રચ્યો હતો. આ દરમિયાન જગત મંદિર સહિત તમામ રસ્તાઓ પર વિશાળ જનમેદની ઉમટી પડી હતી.
નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે થયું આયોજન
અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા આ ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર સૌરાષ્ટ્રના આહીર સમાજના બહેનો જ નહીં પરંતુ વિશ્વના ખૂણે-ખૂણે સ્થાયી થયેલા આહીર સમાજના બહેનો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દ્વારકા પહોંચી ગયા હતા. પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહીરાણીઓએ ભગવાન શ્રીકૃષ્ણની સાક્ષીએ રાસ રમ્યો હતો. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય એ હેતુથી આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
જગત મંદિર અદભૂત રોશનીની ઝળહળી ઉઠ્યું
મહારાસના ભવ્ય આયોજનને લઈને સમગ્ર દ્વારકા નગરીને સજાવવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણનો રાજમહેલ ગણાતું જગત મંદિર પણ ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આહીરાણીઓનો મહારાસ જોવા માટે મંત્રીઓ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમ માડમે પણ આ મહારાસમાં ભાગ લીધો હતો. 800 વીઘા જમીન પર આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, 23 ડિસેમ્બરે સાંજથી શરૂ થયેલા આહીરાણી મહારાસના કાર્યક્રમના પ્રારંભે તે સ્થળ પર બિઝનેસ એક્સપો અને હસ્તકલા ઉદ્યોગનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાંજે આહીર સમાજના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાપુરીમાં આહીરાણી મહારાસના કાર્યક્રમની ભવ્ય શરૂઆત ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ધ્વજા ચડાવીને કરવામાં આવી હતી.