ઓડિશાના બીજુ જનતા દળના સાંસદ સસ્મિત પાત્રાએ રાજ્યસભામાં આપેલું એક ભાષણ હાલ ચર્ચામાં છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજ્યસભામાં બોલતી વખતે તેમણે ધારાસભા (સંસદ)ના સાર્વભૌમત્વ અને ન્યાયતંત્રના હસ્તક્ષેપને લઈને વાત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોર્ટ પોતાનું કામ કરશે અને સંસદ પોતાનું, ન્યાયતંત્રના ભરોસે સંસદ નહીં રહી શકે.
સસ્મિત પાત્રાએ આ વાત ત્રણ ક્રિમિનલ લૉ બિલ પર ચર્ચા કરતી વખતે ગુરુવારે (21 ડિસેમ્બર) કહી હતી. તેમણે કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટ સેમ સેક્સ મેરેજ પર સુનાવણી કરી રહી હતી ત્યારે તેઓ પણ એક વકીલ તરીકે ત્યાં હાજર હતા. તેઓ કહે છે, “મેં ત્યાં જોયું કે કેટલાક વકીલો માનતા હતા કે, સંસદ ભલે કાયદો બનાવી લે, પણ અમે અહીં (સુપ્રીમ કોર્ટમાં) તેને પડકારીને રદ કરાવી શકીએ છીએ, સંસદ શું ઉખાડી લેશે? જેથી આજે હું સંસદના સાર્વભૌમત્વ વિશે વાત કરીશ.”
'No five-judge bench can be voice of 140 cr Indians…': MP Sasmit Patra on judiciary vs legislature
— Economic Times (@EconomicTimes) December 22, 2023
🗞️ Catch the day's latest news and updates ➠ https://t.co/iLKag0UZSg pic.twitter.com/Y7d3caDjxm
આગળ તેઓ કહે છે, “સેમ સેક્સ મેરેજ કેસમાં મેં જે પક્ષ રાખ્યો હતો તે હવે ગૃહ સામે પણ મૂકીશ. બે શબ્દો હતા- લેજિસ્લેટિવ કોમ્પિટન્સ (ધારાસભાની પાત્રતા). જો તમે એક મોટો સામાજિક બદલાવ લાવવા માંગતા હોય તો શું પાંચ જજોની બેન્ચ નિર્ણય કરી દે અને 140 કરોડની જનતા માટે તેને લાગુ કરી દેવામાં આવે? મારી દલીલ બહુ સ્પષ્ટ હતી કે તેને ગૃહને મોકલી દેવામાં આવે. કારણ કે સંસદ આ દેશની જનતાનો જનાદેશ સ્પષ્ટ રીતે દર્શાવે છે. 140 કરોડની જનતાના અવાજ પર આપણે બધા અહીં આવ્યા છીએ.”
સસ્મિત પાત્રાએ કહ્યું, “ઘણીવાર એવું થાય છે કે આપણે સાંસદો આપણો અધિકાર છીનવાઈ જતો જોઈએ છીએ અને મૌન સાધી લઈએ છીએ. ન્યાયતંત્ર NJAC (નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન) રદ કરી દે છે અને ત્યારબાદ 16 રાજ્યોએ તેને મંજૂરી આપ્યા છતાં પણ આપણે મૌન સેવી લેવામાં આવે છે. આપણી આ આદત વ્યવસ્થાને નબળી પાડી રહી છે. આપણે સાંસદ છીએ અને 140 કરોડની જનતા માટે કાયદો બનાવવાનો આપણો અધિકાર છે. પરંતુ આજે ધારાસભાનું કામ ન્યાયતંત્ર કરે છે અને આપણે કહેતા રહીએ છીએ કે આ તો કોર્ટમાં પેન્ડિંગ છે.”
‘કોર્ટ તેનું કામ કરશે, આપણે આપણું કામ કરીશું’
તેમણે આગળ કહ્યું કે, “કોર્ટ પોતાનું કામ કરશે અને આપણે આપણું કામ કરીશું. સંસદ શું ન્યાયતંત્રના ભરોસે રહેશે?” આગળ તેઓ ઉમેરે છે કે, “આ બંને ગૃહ (લોકસભા+રાજ્યસભા) પાસે કાયદો બનાવવાનો અધિકાર છે, આ સ્પષ્ટતા રહેવી જોઈએ. ઘણીવાર આપણે કાયદો બનાવીએ ત્યારે સાથી સાંસદો કહે છે કે આ કોર્ટમાં પેન્ડિંગ છે. આમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ (ન્યાયાલયની અવમાનના) થઈ જશે. ગૃહ ક્યારેય કોન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ કરી શકે? કોર્ટ આપણને અધિકારો અને સૂચનો આપશે? આ ભય કેવો છે? આપણે આપણા અધિકારો છોડી રહ્યા છીએ એટલે અધિકાર ત્યાં જઈ રહ્યા છે.”
‘હું સરકારને પણ કહીશ કે મજબૂત બનો’ કહીને તેઓ ઉમેરે છે કે, “આ ગૃહ 140 કરોડ જનતાનો અવાજ છે અને અવાજનો નિર્ણય બંધારણીય ખંડપીઠમાં બેસીને 5 જજો ન કરી શકે. તેઓ ચુકાદો જરૂર આપી શકે પરંતુ આપણે આપણી શક્તિઓ વિશે બેદરકાર રહીશું તો કાલે ઉઠીને તમે મંત્રાલયમાં જે કોઇ નિર્ણય બનાવો તે ન્યાયતંત્ર પાસે જઈને રદ થઈ જશે.”
અંતે તેમણે કહ્યું કે, “ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર- ત્રણ અંગો છે. દરેકનું પોતાનું કામ છે. ત્રણેય સમાન છે અને સર્વોચ્ચ છે બંધારણ. તેથી જ્યારે આજે આપણે જ્યારે કાયદો બનાવી રહ્યા છીએ તો કાલે આમાંથી ઘણા કોર્ટમાં પણ જશે. આપણે આપણા અધિકારો સમજીએ, કે આપણે એક સંસદ તરીકે સાર્વભૌમ છીએ અને 140 કરોડની જનતા પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ છે.”
ખાસ કરીને ન્યાયતંત્ર અને સંસદની શક્તિઓ વિશે હાલ ચર્ચા ચાલી રહી છે ત્યારે BJD સાંસદના ભાષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.