રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 2 વર્ષ થવા આવ્યાં. આવી કપરી પરિસ્થિતિમાં માનસિક તણાવ સામે ઝઝૂમી રહેલા યુક્રેનિયન સૈનિકો અને નાગરિકો માટે મારિજુઆનાનો (ગાંજા) ઉપયોગ કાયદેસર કરી દેવામાં આવ્યો છે. આ માટે યુક્રેનની સંસદમાં વોટિંગ કરીને નવો કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ગાંજો કાયદેસર થયા બાદ તેમાંથી બનાવવામાં આવનાર દવાઓનો ઉપયોગ સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, છેલ્લા 21 મહિનાથી રશિયા સામે યુદ્ધમાં ઝઝૂમી રહેલા યુક્રેનના નાગરિકો અને સૈનિકો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડર (PTSD)નો સામનો કરી રહ્યા છે. યુદ્ધના કારણે વધી રહેલા માનસિક તણાવ અને તેને લગતી અન્ય બીમારીઓને પહોંચી વળવા માટે મારિજુઆના એટલે કે ગાંજાને કાયદેસર કરવામાં આવ્યો છે. આના માટે યુક્રેનની સંસદમાં એક કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે.
Ukraine’s parliament approves the legalization of medical cannabis as the nation responds to the growing ranks of war veterans requiring treatment for injuries and post-traumatic stress disorder https://t.co/v9VgAKoI1h
— Bloomberg (@business) December 21, 2023
આ કાયદો પસાર કરવા માટે સંસદમાં વોટિંગ પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ મામલે કુલ 248 સભ્યોએ ગાંજાને કાયદેસર કરવાના પક્ષમાં મત આપ્યો હતો, જ્યારે 16 સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો હતો. બીજી તરફ 40 સભ્યો તેવા પણ હતા જેઓ આ મતદાનથી અળગા રહ્યા હતા અને 33 સભ્યો આ મતદાન દરમિયાન સંસદમાં ગેરહાજર રહ્યા હતા.
યુક્રેનમાં ગાંજો કાયદેસર કરવાના કાયદાને લઈને સંસદના અધ્યક્ષ રૂસ્લાન સ્ટેફાનચુકે કહ્યું હતું કે, “સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મારિજુઆનાને દવા તરીકે ઉપયોગમાં લેવા માટેની પરિસ્થિતિઓ અને વિધિઓની તેમજ માત્રાની સૂચિ જાહેર કરવામાં આવશે.” બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પહેલેથી જ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને સારવાર માટે ગાંજાના ઉપયોગ પર ભાર આપતા આવ્યા છે. જૂન 2023માં પણ તેમણે ગાંજાને કાયદેસર કરવા માટે સંસદમાં નિવેદન આપ્યું હતું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જેલેન્સ્કીએ ગાંજાને લઈને કહ્યું હતું કે, “આપણે ખરેખર જરૂરિયાત મુજબ ઉચિત વિજ્ઞાનિક રિસર્ચ અને નિયંત્રિત ઉત્પાદન સાથે કૈનબીસ-આધારિત દવાઓને કાયદેસર કરવી જોઈએ. વિશ્વની તમામ સર્વોત્તમ પ્રથાઓ, તમામ પ્રભાવી નીતિઓ, સમાધાનોથી કોઈ જ ફરક નથી પડતો કે તેઓ આપણને કેટલા અસામન્ય ગણશે. આ કાયદો લાવવો જ જોઈએ, જેથી કરીને યુક્રેનના નાગરિકોના તણાવને ઘટાડી શકાય.”