શેત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલાં 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ ‘કસૂંબો’નું ટીઝર ગુરૂવારે (21 ડિસેમ્બર) રીલીઝ કરવામાં આવ્યું હતું. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
1 મિનીટ 27 સેકન્ડનું આ ટીઝર ફિલ્મની વાર્તા પર આછો પ્રકાશ પાડે છે. શરૂઆતમાં પોતાની સેના લઈને યુદ્ધ લડવા આવેલો અલાઉદ્દીન ખિલજી જોવા મળે છે, જે દાદુજી બારોટને પડકાર ફેંકીને કહે છે કે,”‘ક્યા તુમ્હે અબ ભી લગતા હૈ, કી તુમ હમારી કયામત જૈસી ફૌજ કો હરા પાઓગે?” ત્યારબાદ અન્ય પાત્રો પણ જોવા મળે છે. આગળ ખિલજી કહે છે કે, “નહીં ચાહિયે હમેં ખજાના, હિંદુસ્તાન મંદિરો કે દિવારે તોડ કર ઊસે શાહી ઠીકાને બનવાને હૈ.”
આ સિવાય ફિલ્મમાં “મા ખોડિયાર આજે આપણને સૌને ખમૈયા કરી રહી છે” અને “આદિનાથ દાદાના આશિષ આપણા માથે સહાય છે” જેવા આકર્ષક સંવાદો પણ સાંભળવા મળે છે. ટીઝરને અંતે એક પાત્ર ખિલજીને સંબોધીને કહે છે કે, “એક વાત યાદ રાખજે ખિલજી, સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે.”
ગુજરાતના શૌર્ય, સમર્પણ અને સનાતનનો ઐતિહાસિક વારસો.
— Vijaygiri FilmOs (@VijaygiriFilmos) December 21, 2023
Presenting the official teaser of KASOOMBO.
In Cinemas 16th February 2024.
A @VijaygiriBava Film.
Producers: Twinkle Bava & Vijaygiri Bava
Pravin Patel, Dr. Jayesh Pavra, Tushar Shah #kasoombo #vijaygiribava pic.twitter.com/XBvxa7tBkv
અંતના દૃશ્યમાં દાદુજી બારોટ હાથમાં તલવાર લઈને કહે છે કે, “અલાઉદ્દીન ખિલજી, અમારે ઇશ્વરને ભૂલાવવો પડે, તે પહેલાં સામેવાળાને તેનો જન્મારો ભૂલાવી દઈએ.” દર્શકોને ટીઝરમાં બોલાયેલા સંવાદો, તેનાં પાત્રો, સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખૂબ પસંદ પડી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે.
ફિલ્મમાં રોનક કામદાર, જય ભટ્ટ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્ય, શૌનક વ્યાસ, તત્સત મુનશી સહિતના કલાકારો જોવા મળે છે. ડાયરેક્ટર વિજયગીરી બાવા છે, જેઓ અગાઉ ‘21મુ ટિફિન’ અને ‘મોન્ટુની બિટ્ટુ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ થિયેટરોમાં રિલિઝ કરવામાં આવશે.
આ ફિલ્મ નવલકથા ‘અમર બલિદાન’ પર આધારિત છે, જેમાં દાદુજી બારોટ અને તેમના સાથીઓને વીરતાની વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે. અલાઉદ્દીન ખિલજીના આક્રમણ બાદ ગુજરાતમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી ત્યારે પાલિતાણાના મહાતીર્થ શેત્રુંજયના રક્ષણની જવાબદારી બારોટોના શિરે આવી પડી હતી. ત્યારબાદ તેમણે કઈ રીતે વીરતાપૂર્વક આક્રાંતાઓનો સામનો કર્યો હતો, તેની આ કથા છે. ફિલ્મના ડાયરેક્ટરનું કહેવું છે કે તેમણે શૂરવીરોને આ ફિલ્મ દ્વારા શોર્યાંજલિ અર્પણ કરી છે.
ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં 16 વીઘાંના એક ખેતરમાં સેટ ઊભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને, રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ તેમજ પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરી અનુસાર, ફિલ્મમાં 100થી વધુ કલાકારોએ કામ કર્યું છે અને તેનો સેટ બનાવવા માટે ખાસ મુંબઈથી ટીમ બોલાવવામાં આવી હતી.