સાહિત્ય અકાદમીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કૃતિઓને સન્માન કરવા વિવિધ પુરસ્કારોની જાહેરાત કરી છે. કુલ 24 ભાષાઓના લેખકો માટે અકાદમી દ્વારા વાર્ષિક પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. જેમાં હિન્દી ભાષા માટે સંજીવ, ઉર્દુ શ્રેણી માટે સાદિક નવાબ સહર અને અંગ્રેજી ભાષા માટે નીલમ શરણ ગૌરની પસંદગી કરવમાં આવી છે. આ વર્ષે ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ કૃતિ માટે વિનોદ જોશીની પસંદગી થઈ છે.
બુધવારે (20 ડિસેમ્બર 2023) જાહેર થયેલા સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023ની સૂચીમાં આ વખતે 9 કાવ્યસંગહ, 5 વાર્તાઓ, 6 નવલકથાઓ, 3 નિબંધ અને 1 સાહિત્ય અધ્યયનને પુરસ્કૃત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની આધિકારિક પ્રેસ નોટ સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવી છે.
સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં સાહિત્ય અકાદમી વાર્ષિક પુરસ્કારો 2023ની જાહેરાત કરી; આ વર્ષે 9 કાવ્ય સંગ્રહ, 6 નવલકથા, 5 વાર્તા સંગ્રહ, 3 નિબંધ અને 1 સાહિત્ય અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી @sahityaakademi pic.twitter.com/ZmCovycGWX
— DD News Gujarati (@DDNewsGujarati) December 21, 2023
કોને કોને મળશે પુરસ્કાર?
સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યના વિવિધ પ્રકારોમાં વર્ષની શ્રેષ્ઠ રચનાઓ લખનાર અલગ અલગ પ્રાંતના લેખકોને પુરસ્કૃત કરવામાં આવશે. પસંદ કરાયેલી બધી રચનાઓ દેશની વિવિધ પ્રાંતીય ભાષાઓમાં લખવામાં આવી છે. જેમાં કવિતા વિભાગમાં વિજય વર્મા (ડોગરી), વિનોદ જોશી (ગુજરાતી), મંશૂર બનિહાલી (કાશ્મીરી), સોરોખ્ખેંબમ ગંભિની (મણિપુરી), આશુતોષ પરિડા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજેસિંઘ રાજપુરોહિત(રાજસ્થાની), અરુણ રંજન મિશ્ર (સંસ્કૃત), વિનોદ આંસુદાની (સિંધી) એમ કુલ 9 વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. તથા ઉપન્યાસની શ્રેષ્ઠ કૃતિ માટે સ્વપનય ચક્રવર્તી (બંગાળ), કૃષ્ણાત ખોત (મરાઠી), રાજશેખરણ (દેવીભારતી)ને સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત વાર્તાસંગ્રહ માટે પ્રણવ જ્યોતિ ડેકા (અસમિયા), પ્રકાસ એસ પર્યેકર (કોંકણી), તારાસીન બાસકી (સંતાલી), ટી પતંજલિ શાસ્ત્રી (તેલુગુ) તથા નિબંધ વિભાગ માટે લક્ષ્મીશા તોલ્પડી (કન્નડ), બાસુકીનાથ ઝા (મૈથિલી), યુદ્ધવિર રાણા(નેપાળી), અને સાહિત્ય અધ્યયન માટે ઈવી રામકૃષ્ણનને પુરસ્કૃત કરવામાં આવશે.
70 વર્ષની થઈ રહી છે સાહિત્ય અકાદમી
નોંધનીય છે કે સાહિત્ય અકાદમીને 12 માર્ચ 2024એ 70 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023માં જીતેલા તમામ વિજેતાઓને આ પ્રસંગે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અકાદમી દ્વારા વિજેતાઓને એક-એક લાખ રૂપિયા, તામ્રપત્ર અને શાલ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે.
સાહિત્ય અકાદમીની શરૂઆત સાહિત્યમાં થતી શ્રેષ્ઠ રચનાઓનું સંરક્ષણ કરવાના ઉદ્દેશથી થઇ હતી. વર્ષ 1958થી દેશના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રાંતીય ભાષામાં રચાયેલી શ્રેષ્ઠ રચનાઓને પુરસ્કૃત કરવાની પ્રથા ચાલુ થઇ જે આજ સુધી અકબંધ છે. શરૂઆતના વર્ષમાં પુરસ્કારની રકમ ₹5 હજાર રૂપિયા હતી, જે 1983માં વધીને ₹10 હજાર કરવામાં આવી અને વર્ષ 1988માં એ વધીને ₹25 હજાર કરવામાં આવી. જ્યાર બાદ 2003માં ₹50000 હજાર, વર્ષ 2009માં ₹1 લાખ કરવામાં આવી હતી.