2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે ભેગી થયેલી પાર્ટીઓના INDI ગઠબંધનની મંગળવારે (19 ડિસેમ્બર) એક બેઠક મળી હતી. આ બેઠકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં ગઠબંધનની સભ્ય પાર્ટી JDUના એક નેતાએ બેઠકને નિષ્ફળ ગણાવી છે. JDU બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી છે.
JDU સાંસદ સુનિલ કુમાર પિન્ટુએ કહ્યું કે, “બેઠકને લઈને તમામ વિપક્ષી નેતાઓની નજર હતી કે કાલે કોઇ ઠોસ નિર્ણય લેવાશે. પણ કાલની મિટિંગ પણ ટાંય-ટાંય ફિસ્સ થઈ ગઈ.” કોંગ્રેસ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, “પહેલાં તો મિટિંગમાં ચા-સમોસા ચાલતા હતા, પણ અહીં તો કોંગ્રેસે કહી જ રાખ્યું છે કે અમારી પાસે ફંડની અછત છે, તમે અમને 138, 1380 કે 13,800 રૂપિયા અમને દાન આપો. કાલની બેઠક ચા-બિસ્કિટ પર જ રહી ગઈ અને સમોસા પણ ન આવી શક્યા.”
#WATCH | On INDIA Alliance meeting, JD(U) MP Sunil Kumar Pintu says, "In the meeting yesterday, big leaders of several parties had come for sharing in the alliance. But no discussion on the same could be done. Yesterday's meeting was restricted to tea biscuits…because Congress… pic.twitter.com/7PCaaeUANF
— ANI (@ANI) December 20, 2023
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસે દેશભરમાંથી દાન ઉઘરાવવા માટે ‘ડોનેટ ફોર દેશ’ કેમ્પેઈન લૉન્ચ કર્યું હતું. પાર્ટીએ પોતાનાં 138 વર્ષ પૂર્ણ થવા પર લોકોને 138, 1380 કે 13,800 રૂપિયા દાન આપવા માટે અપીલ કરી છે. જોકે, પહેલા જ દિવસે પાર્ટીની ફજેતી ત્યારે થઈ જ્યારે તેઓ આ માટે ડોમેઇન જ ખરીદવાનું ભૂલી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
વાત INDI ગઠબંધનની બેઠકની કરવામાં આવે તો અગાઉ 6 ડિસેમ્બરે બોલાવેલી બેઠક અનેક પ્રાદેશિક પાર્ટીઓના નેતાઓએ આવવામાં અસમર્થતા દર્શાવતાં રદ કરી દેવામાં આવ્યા બાદ મંગળવારે (19 ડિસેમ્બર) દિલ્હીમાં આયોજિત થઈ હતી. મીડિયા અહેવાલોનું માનીએ તો આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને INDI ગઠબંધનનો વડાપ્રધાન પદનો ચહેરો ઘોષિત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ જોકે ખાસ રસ દાખવ્યો નથી અને કહ્યું કે હાલ વધુમાં વધુ બેઠકો જીતવા પર ધ્યાન આપવું જોઈએ અને વડાપ્રધાન પદ પછીની વાત છે.
આ બેઠકમાં TMC સહિતની પ્રાદેશિક પાર્ટીઓએ સીટ શેરિંગને લઈને પણ વાતચીત કરી હતી અને આ દિશામાં વાત આગળ વધારવા માટે કહ્યું હતું. હવે અનેક પાર્ટીઓનું બનેલું આ ગઠબંધન રાષ્ટ્રીય સ્તરે ટકી શકશે કે નહીં તે ચર્ચાનો વિષય છે. એક તરફ વિપક્ષી નેતાઓને મોદીને હરાવી દેવાનો ઉત્સાહ છે તો બીજી તરફ આંતરિક વિખવાદ પણ સમયે-સમયે સપાટી પર આવતો જ રહે છે.