છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલા સુરતના એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી સાથે મારામારી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. દરરોજની જેમ આજે પણ તેઓ શહેરના કોઇ જાહેર માર્ગ પર લોકોને રોંગ સાઈડ પર આવતા અટકાવી રહ્યા હતા ત્યારે અમુક વાહનચાલકો સાથે ઝપાઝપી થઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વિડીયોમાં સુરતના કોઇ જાહેર માર્ગ પર લોકોનું ટોળું ઉભેલું જોવા મળે છે. પિયુષ ધાનાણી અને અન્ય બે-ત્રણ વ્યક્તિઓ કંઈક માથાકૂટ કરી રહ્યા છે અને એક વાહનચાલક પિયુષ પાસે ચાવી માંગતો જોવા મળે છે. જ્યારે ધાનાણી એક વ્યક્તિને પોતાનો મોબાઈલ ન અડકવા માટે કહે છે. દરમ્યાન, તેઓ ‘મારી વાત સાંભળો, રોંગ સાઈડમાં જવા….’ એટલું બોલે છે ત્યાં ઝપાઝપી શરૂ થઈ જાય છે અને એક વ્યક્તિ માથામાં તેમને ટપલી મારે છે.
સુરત: પિયૂષ ધાનાણી પર જીવલેણ હુમલો, વાહન ચાલકો સાથે તુ-તું મેં મેં થતા મારામારી થઈ#Surat #News #Gujarat pic.twitter.com/0MtYl1rb1j
— Zee 24 Kalak (@Zee24Kalak) December 20, 2023
પિયુષ ધાનાણી આસપાસના વ્યક્તિઓને કહે છે કે વાહનચાલક રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો અને જેથી તેમની સામે તેમણે તેમને સમર્થન આપવું જોઈએ. આ જ સમયે પાછળથી કોઈ વ્યક્તિ તેમને લાત મારે છે. તેઓ ચાવી ન આપતાં ફરીથી માથાના ભાગે અને મોંના ભાગે તમાચા મારી દે છે.
ત્યારબાદ પિયુષ ધાનાણીએ ચાવી આપી દેતાં વાહનચાલક મોપેડ લઈને ચાલવા માંડે છે પરંતુ પિયુષ ફરી તેમને રોકે છે. પરંતુ વાહનચાલક વાહન હંકારવા માંડે છે. આ જ સમયે ત્યાં ઊભેલો એક વ્યક્તિ તેમને વાળ પકડીને ખેંચી કાઢે છે અને નીચે પાડી દે છે. પરંતુ ધાનાણી ફરીથી ઉઠીને વાહનચાલકને રોકવા માટે પાછળ દોડે છે અને અટકાવી દે છે.
પિયુષ ભાઈ એક જાગૃત માણસ આટ આટલી ઝીંક ઝીલી ને સમજાવે છે આજુબાજુ ઊભેલા ને ભાન નથી થતી કે સત્ય શું છે..
— અમિતાભ બચ્ચણ 🖤 (@GuJJu_BachchaN_) December 20, 2023
શરમ આવવી જોઈએ સુરત ના લોકોને હવે
એક તો રોન સાઈડ મા ચાલવું છે ને માથે જતા રોફ કવડો કરે છે
શું પોલીસ નહી હોય આ પત્રકાર બધા ને સમજાવે છે
#piyushdhanani #surat #varachha pic.twitter.com/gYuwXLlFP0
આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અમુકનું કહેવું છે કે આ રીતે મારામારી ન કરવી જોઈએ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાં એ ખોટું છે તો બીજી તરફ અમુક લોકો પિયુષ ધાનાણીના વર્તનને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
પિયુષ ધાનાણીની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર ખાસ્સું જાણીતું નામ છે. ફેસબુક પર તેમના 1 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. તેઓ સુરત શહેરમાં વધુ સક્રિય છે અને ખાસ કરીને રોંગ સાઈડ પર જતા વાહનચાલકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે. તાજેતરના ભૂતકાળમાં તેમના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા જેમાં તેઓ જાહેર રસ્તા પર રોંગ સાઈડ પર આવતા વાહનચાલકો સાથે માથાકૂટ કરતા જોવા મળે છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં તાજેતરની ઘટનાને લઈને પિયુષ ધાનાણીની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.