અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિર માટે હવે શીખો બે મહિના માટે લંગરની (ભંડારા) સેવા આપશે. બાબા હરજીત સિંઘ રસુલપુરની આગેવાનીમાં આ સેવા આયોજિત કરવામાં આવશે. બાબા રસુલપુર એ બાબા ફકીર સિંઘની આઠમી પેઢી છે. અયોધ્યામાં થયેલા બાબરી વિધ્વંશમાં બાબા ફકીર સિંઘની આગેવાનીમાં નિહંગ શીખોએ સૌથી પહેલાં બાબરી મસ્જિદના સ્થાન પર કબજો કર્યો હતો. બાબાએ કહ્યું કે શીખ સમાજ એ સનાતનનો જ એક ભાગ છે અને એમના પૂર્વજોએ આ સનાતનની રક્ષા માટે જ બલિદાનો આપેલા છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન બાબા હરજીત સિંધે ખાલિસ્તાનીઓ અને હિંદુ-શીખ સમુદાય વચ્ચે વૈમનસ્ય ઉભું કરતા લોકોને ઉગ્ર જવાબ આપતા કહ્યું, “અમે દુનિયાને કહેવા માંગીએ છે કે શીખ અને સનાતન એક જ છે. અમારો દેશ અલગ નથી. જે અમને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે આ સેવા એક સંદેશ છે.” તેઓએ વધુમાં કહ્યું, “આ રામમંદિરને મુસ્લિમોથી સૌથી પહેલાં જેમણે બચાવ્યું એ અમારા પૂર્વજો જ હતા.” અયોધ્યામાં લંગરની સેવા આપવાનો નિર્ણય લેનાર નિહંગ શીખ અને આ સેવાની આગેવાની કરનાર બાબા રસુલપુરે જણાવ્યું કે તેઓ અયોધ્યામાં લંગરની સેવા આપી ભગવાન રામ પ્રત્યેની પોતાના પૂર્વજોની ભક્તિને પૂર્ણ કરી રહ્યા છે.
અહેવાલો મુજબ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા બાબા રસુલપુરે કહ્યું, “હવે જ્યારે 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમે કેવી રીતે આમાંથી બાકાત રહી શકીએ છે.” આ સાથે તેઓએ કહ્યું કે, “અમે નિહંગ શીખો સાથે 22 જાન્યુઆરીના દિવસે લંગરની સેવા આપીશું.”
વાતચીતની શરૂઆત બાબા હરજીત સિંઘે ‘વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ’ અને ‘જય શ્રી રામ’ના જયકારા સાથે કરી. આ સાથે એમને કહ્યું, “હું સમાજને ગુરુ તેગ બહાદુર સિંઘનું બલિદાન યાદ આપવા માંગુ છું. જેમને આજના દિવસે સનાતનને બચાવવા પોતાનાં જીવનું બલિદાન આપ્યું હતું. તેમણે ચાંદની ચોક પર સનાતનની રક્ષા માટે વીરગતિને પામ્યા હતા”
બાબાએ આગળ કહ્યું, “અમારા પૂર્વજ જત્થેદાર બાબા ફકીર સિંઘજી ખાલસા નિહંગ રસુલપુર, એમનો હું આઠમી પેઢીનો વારસ છું. અમે આ ખુશીમાં અયોધ્યામાં લંગરની સેવા આપીશું. હું બધાને એ જ સંદેશ આપવા માંગું છું કે અમે બધા સાથે છે. મારો કોઈ રાજનીતિક પાર્ટી સાથે સંબંધ નથી. હું બસ સનાતન પરંપરાનો વાહક છું. શીખી અને સનાતન ધર્મ વચ્ચે સોહાર્દ બનાવી રાખવા માટે મારે ઘણી આલોચના પણ સહન કરવી પડી છે. કારણ કે હું અમૃતધારી શીખ છું અને બીજી બાજુ હું ગળામાં રુદ્રાક્ષની માળા પહેરું છું.”
30 નવેમ્બર 1858ના રોજ બાબરી પર પહેલો કબજો નિહંગ શીખોએ કર્યો
અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા ઈતિહાસમાં દરેક સનાતની માટે 30 નવેમ્બર 1858નો દિવસ ખાસ છે. આજ દિવસે બાબા ફકીર સિંઘની આગેવાનીમાં 25 શીખોએ બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચા ઉપર કબજો કર્યો હતો. શીખોએ મસ્જિદના ગુંબજ ઉપર રામનામનો પાઠ કર્યો હતો અને વિવાદિત જગ્યા પર રામનું નામ લખી દીધું હતું. આ માટે 25 નિહંગ શીખો ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી હતી. જેનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટ દ્વારા રામમંદિરના ચુકાદા વખતે કરવામાં આવ્યો હતો.