લોકસભા ચૂંટણીને હવે માંડ ત્રણ-ચાર મહિના બાકી રહી ગયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે બનાવવામાં આવેલું વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન INDI ખાસ સક્રિય જણાઇ રહ્યું નથી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ આ ગઠબંધનની કોઇ ખાસ અસર દેખાઈ નહીં. હવે તેના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાય રહ્યો છે ત્યારે બીજી તરફ પ્રાદેશિક પાર્ટીઓએ વધુ મુશ્કેલી સર્જી રહી છે. અખિલેશ યાદવ, મમતા બેનર્જી, નીતિશ કુમાર બાદ હવે કેજરીવાલ પણ આવ્યા છે. કેજરીવાલે પંજાબ ખાતે એક સભા સંબોધતા લોકસભા ચૂંટણીને લઈને જે વાત કહી તેનાથી ચર્ચા જાગી છે.
અરવિંદ કેજરીવાલે તાજેતરમાં એવું નિવેદન આપ્યું જેનાથી એવા સંકેત મળે છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી એકલી જ ચૂંટણી લડશે. કેજરીવાલે રવિવારે (17 ડિસેમ્બર) પંજાબના ભટિંડામાં એક સભા સંબોધતાં લોકોને રાજ્યની તમામ 13 લોકસભા બેઠકો પર તેમની પાર્ટીને વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું.
કેજરીવાલના આ નિવેદનનો અર્થ એવો થયો કે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે અને તેમ થાય તો સ્વાભાવિક કોંગ્રેસ સાથે સીટ શેરિંગનો કોઈ વિકલ્પ ન રહે. આ સંજોગોમાં ગઠબંધન કઈ રીતે ટકશે તે પણ પ્રશ્ન છે. પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. અહીં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર રહે છે. જો વિપક્ષી પાર્ટીઓ INDI ગઠબંધન બનાવને ચૂંટણી લડે તો AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ કરવું પડે, પરંતુ કેજરીવાલના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ કોંગ્રેસ સાથે કોઇ સમજૂતી કરવા માટે તૈયાર નથી.
આટલું જ નહીં, કેજરીવાલે સભામાં બોલતી વખતે ભાજપ અને કેન્દ્ર સરકાર સાથે કોંગ્રેસ પર પણ જાતજાતના આરોપો લગાવ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપો લગાવતાં તેમણે કહ્યું કે, પત્રકારો પૂછે છે કે આટલા રૂપિયા ક્યાંથી લાવો છો? કેપ્ટન (અમરિંદર સિંઘ) સાહેબ અને બાદલ સાહેબ (પ્રકાશ સિંઘ બાદલ) તો કહેતા હતા કે પંજાબ સરકાર પાસે પૈસા નથી. અમારી સરકાર બની તો અમે તેમના વહીખાતા જોવાનાં ચાલુ કર્યાં, તેમણે એટલો ભ્રષ્ટાચાર કર્યો હતો કે ₹10નું કામ ₹100માં કર્યું હતું, જ્યારે આપ સરકાર ૧૦ રૂપિયાનું કામ 8 રૂપિયામાં કરાવે છે. જોકે, એક વાસ્તવિકતા તો એ પણ છે કે તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે પંજાબની AAP સરકાર પાસે કેન્દ્ર સરકારના ફંડના 8 હજાર કરોડ વાપરવાના બાકી છે.
વાત INDI ગઠબંધનની કરવામાં આવે તો આગામી 19 ડિસેમ્બરના રોજ તેમની બેઠક મળશે. આ પહેલાં 6 ડિસેમ્બરે આયોજિત કરવામાં આવી હતી, પરંતુ પછીથી રદ કરી દેવામાં આવી હતી. તે સમયે ઘણી પ્રાદેશિક પાર્ટીઓના નેતાઓએ આવવાની ના પાડી દીધી હતી. હવે કેજરીવાલે નવું તૂત ઉભું કર્યું છે. આ સંઘ કાશીએ પહોંચશે કે નહીં તે પ્રશ્ન છે.