દેશમાં ખુબ ચર્ચામાં રહેલી મહાદેવ બેટિંગ એપ કૌભાંડની ઘટનામાં હવે કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહાદેવ બેટિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. જેને ટૂંક જ સમયમાં ભારત પરત લાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
ઓનલાઈન સટ્ટાબાજી કરાવતી મહાદેવ બેટિંગ એપ કોભાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓએ સંયુક્ત અરબ અમીરાતમાંથી (UAE) કોભાંડના મુખ્ય આરોપી રવિ ઉપ્પલ સાથે બીજા બે વ્યક્તિઓની અટકાયત કરી છે. આ પહેલા ઇન્ટરપોલ દ્વારા રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ રેડ કોર્નર નોટિસના આધારે જ પોલીસે દુબઈ પોલીસના સહયોગથી આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડના બીજા મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકારની પણ ધરપકડના પ્રયાસ પોલીસ કરી રહી છે પરંતુ હજી તેમાં સફળતા મળી નથી. આ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી (ED) સાથે મુંબઈ પોલીસ અને છત્તીસગઢ પોલીસ પણ તપાસ કરી રહી છે. મહાદેવ બેટિંગ એપ દ્વારા અત્યાર સુધી ₹15,000 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આરોપ છે.
શું છે મહાદેવ બેટિંગ એપ કૌભાંડ
છત્તીસગઢમાંથી ગેરકાયદેસર સટ્ટાબાજીમાં સંડોવાયેલી મહાદેવ બેટિંગ એપ દ્વારા કરોડોની હેરાફેરી કરવામાં આવી હતી. જે પછીથી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કૌભાંડની તપાસ કરાતા 5 નવેમ્બર 2023ના રોજ આ બેટિંગ એપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ મામલામાં રવિ ઉપ્પલ, સૌરભ ચંદ્રાકર તેમજ શુભમ સોની સહિત અન્ય 32 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો 420, 467, 468, 471, 120 (B) અને આઈટી તથા જુગારને લગતી કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે તપાસ દરમિયાન દેશના ઘણા મોટા વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા. જેમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ ઉછળ્યું હતું. જેમાં આરોપી શુભમ સોનીએ ભૂપેશ બઘેલને ₹500 કરોડ રૂપિયા આપ્યા હોવાનું એક વિડીયોમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ઘણા બોલીવુડ સ્ટાર્સના નામ પણ આ ઓનલાઈન સટ્ટાબાજીના કૌભાંડ સાથે સંકળાયા હતા. જેની તપાસ કેન્દ્રીય એજન્સીઓ કરી રહી છે અને હજી ઘણા મોટા નામ આ મામલે ખુલશે એવું માનવામાં આવી રહ્યું છે.