રાજસ્થાનમાં ભાજપે ભજનલાલ શર્માને નવા મુખ્યમંત્રી તરીકે ઘોષિત કર્યા છે. તેઓ રાજસ્થાનની રાજધાની જયપુર સ્થિત સાંગાનેરના ધારાસભ્ય છે. તેઓ પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા છે. પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, જેમાં પાર્ટી હાઈકમાન્ડ વતી નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. મૂળ ભરતપુરના ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમુદાયના છે અને લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે.
રાજસ્થાનમાં ભાજપે જે ભજનલાલ શર્માને નવા મુખ્યમંત્રી ઘોષિત કર્યા, તેઓ હાલમાં પ્રદેશ મહામંત્રીનું પદ સંભાળી રહ્યા હતા. બેઠક પહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે જયપુરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ફોટો સેશન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે તેમની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.
#WATCH भाजपा नेता भजनलाल शर्मा राजस्थान के नए मुख्यमंत्री होंगे। #RajasthanCM pic.twitter.com/i6MrszWILy
— ANI_HindiNews (@AHindinews) December 12, 2023
55 વર્ષીય ભજનલાલ શર્મા સતત 3 પ્રદેશ પ્રમુખોના કાર્યકાળમાં પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભરતપુરમાં જિલ્લા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ વખતે તેઓ સાંગાનેરથી 48,000 મતોથી જીત્યા હતા. આ વખતે વર્તમાન ધારાસભ્ય અશોક લોહતીની ટિકિટ કપાઈ હતી. મુખ્યમંત્રી બનાવવામાં આવેલા ભજનલાલ શર્માની વાત કરીએ તો તેઓ એબીવીપી સાથે જોડાયેલા હતા.
2 ઉપમુખ્યમંત્રીની ફોર્મ્યુલા રાજસ્થાનમાં પણ યથાવત
બીજી તરફ દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા છે. દિયા કુમારી આમેર રાજવી પરિવારમાંથી આવે છે, તો પ્રેમચંદ બૈરવા રાજસ્થાનમાં ભાજપનો દલિત ચહેરો છે. દીયા કુમારી 2019માં ભાજપની ટિકિટ પર રાજસમંદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે વિદ્યાધરનગરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. પ્રેમચંદ બૈરવા અજમેરના દૂદૂથી ધારાસભ્ય છે. તેમણે 2013માં પણ અહીંથી જીત મેળવી હતી.
દીયા કુમારીએ પણ 2013માં રાજસ્થાનના સવાઈ માધોપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. રાજનાથ સિંહ ઉપરાંત વિનોદ તાવડે અને સરોજ પાંડેને નિરીક્ષક તરીકે જયપુર મોકલવામાં આવ્યા હતા. અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ સતત ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.