મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોમવારે (11 ડિસેમ્બર 2023) અમદાવાદ ખાતે બે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રિ-વાયબ્રન્ટ સમિટ અંતર્ગત સાયન્સ સિટી ખાતે બાયોટેક્નોલોજી વિષય પર યોજાયેલા સેમિનારમાં હાજરી આપી, તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાંકરિયા ઇકો ક્લબ ખાતે ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત પ્રિ-વાયબ્રન્ટ સમિટ અંતર્ગત ‘બાયોટેકનોલોજી- ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત’ સેમીનારમાં હાજરી આપી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ વર્ચુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન પોતાના વક્તવ્યમાં તેમણે જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં આજથી 20 વર્ષ પહેલા વાઇબ્રન્ટ સમિટનું બીજ વાવ્યું હતું. ગુજરાતમાં નવી ટેકનોલોજીના સાથે નવી-નવી ઇન્ડસ્ટ્રીઝ આવે અને રાજ્યના લોકોને રોજગાર મળે એ જ આનો ઉદેશ્ય હતો. આજે હું ગર્વથી કહી શકું છું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં અમે આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ.”
#WATCH | Gujarat CM Bhupendra Patel attends 'Vibrant Gujarat Pre-Summit: Biotechnology: The Path of Innovation & Wellness for Viksit Bharat' in Ahmedabad. pic.twitter.com/fmzOHfUOz4
— ANI (@ANI) December 11, 2023
બાયોટેકનોલોજી ક્ષેત્રમાં નવી રોજગારની તકો ઉભી થશે
તેમણે વધુમાં જણાવ્યું કે, “બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં ₹2000 કરોડથી વધુના એમઓયુ થયા છે અને તેનાથી લગભગ 3000 નવા રોજગારની તકો ઉભી થશે. પ્રિ-વાયબ્રન્ટ સફળતાના ભાગરૂપે ગુજરાતે અત્યાર સુધી કેમિકલ, ફાર્મા અને એન્જિનિયરીંગ જેવા ક્ષેત્રોમાં 30000થી વધુ MOU અને લાર્જ પ્રોજેક્ટ માટે MOUV થયા છે જે રોજગાર માટેની વધુ નવી તકો ઉભી કરશે. બાયોટેકનોલોજી સાથે જોડાયેલા સેક્ટર ગુજરાતમાં આવે અને તેનો અહીં વિકાસ થાય તેનો પ્રયાસ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી કાર્યકાળમાં જ શરૂ કરી દીધો હતો. જેના પરિણામો સ્વરૂપ ગુજરાતમાં આજે અનેક બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટસ વિકસત થયા અને પોતાનું યોગદાન આપી રહ્યા છે.”
બાયોટેક્નોલોજી સેકટર અંગેની પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિતિ. સ્થળ : સાયન્સ સિટી, અમદાવાદ https://t.co/Y2FSz3cDM2
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 11, 2023
બીજી તરફ અમદાવાદના જ કાંકરિયા ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ સ્ટાર્ટઅપ કોન્કલેવ કરનાર ગુજરાત પહેલુ રાજ્ય બન્યું છે. આ અવસરે ગૃહમંત્રી સંઘવીએ આગામી સમયમાં સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ગુજરાત કેવી રીતે અગ્રેસર રહેશે અને ગુજરાતના ખેલાડીઓને તેનાથી કેટલો ફાયદો થશે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ખેલાડીઓ તેમના ખેલ કૌશલ્યથી વિવિધ રમતોમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ સાથે દેશ અને ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે અને આવનારા સમયમાં તેઓ વધુ સારી રીતે રમી શકે તે માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ખમણ-ઢોકળા જ્યાં-જ્યાં જાય છે તે કશુંક કરીને આવે છે: હર્ષ સંઘવી
આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “થોડા વર્ષો પહેલા જયારે ગુજરાતનો કોઈ ખેલાડી જયારે નેશનલ ઇવેન્ટમાં ભાગ લેવા જતા ત્યારે હાલત એવી હતી કે તેમને ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા જેવા નામોથી બોલાવવામાં આવતા હતા. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે, આ ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા જ્યાં-જ્યાં જાય છે તે કશુંક કરીને આવે છે. હવે આપણે જવાના બદલે લોકોને આપણા ત્યાં લાવવાની તૈયારીઓ થઇ ચુકી છે અને સ્પોર્ટ્સ સેક્ટરમાં ગુજરાત આવનારા દિવસોમાં જરૂરથી આ દેશને મેડલો અપાવનાર રાજ્ય બનવા જઈ રહ્યું છે.”
ગુજરાતના ખેલાડીઓ તેમના ખેલ કૌશલ્યથી વિવિધ રમતોમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ સાથે દેશ અને ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે.#SportsStartupConclave #VibrantGujarat pic.twitter.com/AUiPO97vZ4
— Harsh Sanghavi (@sanghaviharsh) December 11, 2023
તેમણે વધુમાં જણાવ્યું કે, “પહેલા જયારે ગુજરાતના ખેલાડીઓ રમવા જતા અને જો કદાચ વત્તા-ઓછા પ્રમાણમાં મેડલ આવતા તો લોકો સવાલો પૂછતાં કે ગુજરાતે શું કર્યું? મેડલ કેમ ન આવ્યા? સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો સમજી શકે છે કે સ્પોર્ટ્સમાં બદલાવ જરૂરી છે અને તે બદલાવમાં કામ કરવું જરૂરી છે. મેડલ કદાચ એકાદ વર્ષ મોડો આવશે તેનાથી ફરક નથી પડતો પરંતુ રાજનીતિ કરનારા લોકો જે ખેલાડીઓ જીતીને આવ્યા છે તેમને બિરદાવવાની જગ્યાએ જે રમતમાં પ્રદર્શન સારું નથી થયું તેના પર સવાલો પૂછતાં રહ્યા છે. આ બદલાવથી આ પ્રકારની રાજનીતિ કરીને સવાલો પૂછતાં લોકોને ગુજરાતના ખેલાડીઓ જરૂરથી જવાબ આપશે.”
CM ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જે બે કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવી તે બંને ક્ષેત્રોમાં ગુજરાત આગામી સમયમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહ્યું છે. રમતગમત અને બાયોટેકનોલોજી દ્વારા આગામી સમયમાં ગુજરાત પોતાનું આગવું સ્થાન બનાવશે અને રાષ્ટ્રીય કક્ષાએ નોંધનીય પરિણામો અંકિત કરશે.