Wednesday, May 15, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરેથી ₹454 કરોડ રોકડ અને 60 કિલો સોનું...

    કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરેથી ₹454 કરોડ રોકડ અને 60 કિલો સોનું જપ્ત: 25 મશીનો સાથે 50 કર્મચારીઓ કરી રહ્યા છે કામ, હજી ગણતરી ચાલુ

    7 ડિસેમ્બર 2023ની વહેલી સવારથી જ બીજી અનેક જગ્યાઓ ઉપર પણ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલો દારૂના ધંધામાં કરવામાં આવેલી ટેક્સ ચોરીથી સંબંધિત છે.

    - Advertisement -

    હાલ દેશમાં જેની ખુબ ચર્ચા ચાલી રહી છે એવા કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાં IT (ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ) વિભાગ દ્વારા પડેલી રેઇડમાં એટલી મોટી રકમ નીકળી છે કે 6 દિવસથી સતત ગણતરી ચાલુ જ છે. IT વિભાગના અધિકારીઓ દ્વારા અત્યાર સુધી ₹454 કરોડ અને 50 લાખ જેટલી રોકડ રકમ સાથે 60 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

    મળતી માહિતી પ્રમાણે ઝારખંડના કોંગ્રેસ નેતા અને સાંસદ ધીરજ સાહુના વિવિધ ઠેકાણાઓ પર IT વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આજે છઠ્ઠો દિવસ છે. 11 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવેલી IT વિભાગની છાપેમારીમાં અત્યાર સુધી ધીરજ સાહુના અલગ અલગ ઠેકાણાઓ પરથી ₹454 કરો જેટલી રોકડ રકમ અને 60 કિલો જેટલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જેના પર કાર્યવાહી કરવામાં આવી છે એ બલદેવ સાહુ એન્ડ સન્સ પ્રાઇવેટ લીમીટેડ કંપની, સાંસદ ધીરજ સાહુના પરિવાર દ્વારા જ ચલાવવામાં આવે છે. આ કંપની લીકર (દારૂ) બનાવવાનું કામ કરે છે. અહેવાલો અનુસાર ₹448 કરોડ અને 50 લાખ જેટલી રકમ ફક્ત ઓડીશા ખાતેના ઠેકાણાથી જપ્ત કરવામાં આવી છે. જેમાંથી ₹400 કરોડ બલનગીરમાંથી, ₹37.5 કરોડ સંબલપુર અને ₹11 કરોડ ટીટલાગઢ સ્થિત ઠેકાણેથી જપ્ત કરવામાં આવ્યા છે.

    સ્થાનિક બેંકોના જણાવ્યા અનુસાર સ્ટેટ બેંકના 50થી વધુ કર્મચારીઓ સાથે 25 જેટલા મશીનોના ઉપયોગ દ્વારા આ નોટોની ગણતરી કરવામાં આવી રહી છે. ગણતરી દરમિયાન મશીનો બે વખત બંધ પડી ગયા હતા. જે બાદ થોડો સમય કામગીરી બંધ કરવામાં આવી હતી. આટલી મોટી રકમ જોઈ IT વિભાગના અધિકારીઓ પણ ઘડીભર અવાક થઇ ગયા હતા. કોંગ્રેસ સાંસદ ધીરજ સહુના પાસેથી નીકળેલી આટલી મોટી બેનામી સંપત્તિથી ઝારખંડ સહિત પૂરો દેશ આશ્ચર્યમાં છે.

    - Advertisement -

    અહેવાલો મુજબ કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના અંગત એવા દારૂના વેપારી ડબલ્યુ સાહુના વિવિધ ઠેકાણાઓ ઉપર પણ તપાસ ચાલી રહી છે. સંબલપુર સ્થિત અમુક બેંકોના ખાતા પણ સીલ કરવામાં આવ્યા હતા. 7 ડિસેમ્બર 2023ની વહેલી સવારથી જ બીજી અનેક જગ્યાઓ ઉપર પણ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલો દારૂના ધંધામાં કરવામાં આવેલી ટેક્સ ચોરીથી સંબંધિત છે.

    પહેલાં આપ્યું જ્ઞાન હવે ખાઈ રહ્યા છે ગાળો

    કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ વર્ષ 2021માં 8 નવેમ્બરના રોજ PM મોદીના નોટબંધી નિર્ણયને અયોગ્ય ગણાવતા અને સરકારને જ્ઞાન આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો છે કે નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. તેઓ લખે છે કે, “નોટબંધીએ ભારતીય અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી, નોટબંધીએ પોતાનું એક પણ લક્ષ્ય પૂર્ણ કરવાની જગ્યાએ અર્થવ્યવસ્થાને તબાહ કરવાનું કામ કર્યું.”

    આ પોસ્ટ પર લોકોએ તેમને અનેક જવાબ આપ્યા. જે પૈકી રાજુ સ્પીકસ નામના યુઝરે લખ્યું કે, “નોટ તો બધી તમારા ઘરમાંથી મળી છે, તો નોટબંધીએ કેવી રીતે દેશની કમર તોડી?”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં