Monday, April 22, 2024
More
  હોમપેજદેશ‘વિકાસ ભ્રષ્ટાચારી થઈ ગયો, નોટબંધી નિષ્ફળ ગઈ’: જે કોંગ્રેસ સાંસદના ઘરેથી મળ્યા...

  ‘વિકાસ ભ્રષ્ટાચારી થઈ ગયો, નોટબંધી નિષ્ફળ ગઈ’: જે કોંગ્રેસ સાંસદના ઘરેથી મળ્યા ₹300 કરોડ, તેમણે આપ્યું હતું અર્થવ્યવસ્થાનું ‘જ્ઞાન’- હવે વાયરલ થઈ રહી છે જૂની પોસ્ટ

  સાહુએ ભૂતકાળમાં કરેલી ભ્રષ્ટાચાર વિરોધની વાતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આરોપો લગાવતી તેમજ નોટબંધી જેવા નિર્ણયોનો વિરોધ કરતી પોસ્ટ જોઇને લોકો ઉકળી ઉઠ્યા છે.

  - Advertisement -

  કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ હાલ ચર્ચામાં છે. તેમનાં ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં ₹300 કરોડ રોકડા મળી આવ્યા છે અને કહેવાય છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે. રોકડ રકમ એટલી મોટી છે કે તેને ગણવા માટેનાં મશીનો પણ થાકી ગયાં છે. આ બધાની વચ્ચે ધીરજ સાહુની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે ભ્રષ્ટાચાર અને અર્થવ્યવસ્થા વિશે વાતો કહી હતી.

  ધીરજ સાહુએ આ પોસ્ટ માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર કરી હતી. તેમની મોટાભાગની પોસ્ટમાં તેમણે નોટબંધી, દેશની અર્થવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે વર્તમાન સમયમાં ધીરજ સાહુ પર ઇન્કમ ટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડા અને આ દરોડામાં મળી આવેલા અધધ રોકડ રૂપિયા બાદ લોકો આ જૂની પોસ્ટ પર જઈને તેમની ઠેકડી ઉડાવી રહ્યા છે. તેમની આવી જ કેટલીક પોસ્ટ પર નજર કરીએ.

  ધીરજ સાહુની પોસ્ટ પર લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા

  આ પોસ્ટ કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ વર્ષ 2021માં 8 નવેમ્બરના રોજ કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો છે કે નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. તેઓ લખે છે કે, “નોટબંધીએ ભારતીય અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી, નોટબંધીએ પોતાનું એક પણ લક્ષ્ય પૂર્ણ કરવાની જગ્યાએ અર્થવ્યવસ્થાને તબાહ કરવાનું કામ કર્યું.”

  - Advertisement -

  જોકે તેમની આ પોસ્ટ પર લોકોએ તેમને અનેક જવાબ આપ્યા. જે પૈકી રાજુ સ્પીકસ નામના યુઝરે લખ્યું કે, “નોટ તો બધી તમારા ઘરમાંથી મળી છે, તો નોટબંધીએ કેવી રીતે દેશની કમર તોડી?”

  આવી જ એક પોસ્ટે સાહુએ 25 નવેમ્બર 2021માં કરી હતી. આ પોસ્ટમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું એક પોસ્ટર મૂક્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના કાળ દરમિયાન દેશના કેટલાક ઉદ્યોગપતિઓ વધુ ધનાઢ્ય બન્યા જ્યારે 23 કરોડ લોકો ગરીબ બન્યા. આ પોસ્ટર સાથે સાહુ લખે છે, “ગરીબને વધુ ગરીબ બનાવી નાખ્યા અને અમીર મિત્રોને વધુ અમીર, જ્યાં દેશની અર્થવ્યવસ્થા સતત કથળી રહી છે અને સાહેબના મિત્રો સતત અમીર બની રહ્યા છે. 7 વર્ષથી સામાન્ય જનતા સતત આપદામાં સપડાયેલી છે, આ આપદામાં અવસર ભાજપનો નારો છે, આમાં આપદા સ્વયં ભાજપ છે.” જોકે તેમની આ પોસ્ટ પર પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

  વર્ષ 2021માં જ 30 ડિસેમ્બરના રોજ સાહુએ કેન્દ્રની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં પણ પીએમ મોદીનું પોસ્ટર હતું અને ભષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં ધીરજ સાહુ લખે છે કે, “જુઠ્ઠાણું, છેતરપિંડી અને વિશ્વાસઘાત, આ જ છે મોદી સરકારના લેખા-જોખા. મોટા-મોટા સપના દેખાડીને સત્તા પર આવેલા લોકો મોટા-મોટા ભ્રષ્ટાચારને છુપાવવા અને ભ્રષ્ટાચારીઓને બચાવવાની વાતો કરે છે. સાચે જ વિકાસ ભ્રષ્ટાચારી થઇ ગયો છે.”

  જોકે તેમની આ પોસ્ટ પર એક યુઝરે તેમના જ શબ્દો તેમને ફરી તોળી આપ્યા. રાજા બાબુ નામના એક યુઝરે તેમની આ પોસ્ટ પર જવાબ આપ્યો કે, “જુઠ્ઠાણું, છેતરપિંડી અને વિશ્વાસઘાત, આ રાજમાતાના કુટાના લૂંટેલા લેખાજોખા, મોંઘવારી, રૂપિયા પર જ્ઞાન આપી રહ્યા છો અને તિજોરીઓમાં 300 કરોડ સંઘરી રાખ્યા છે.” પછી તેમણે કોંગી નેતાને જડી ચામડીના અને શરમ વગરના પણ કહ્યા. જોકે રાજેશે અહીં ‘રાજમાતાના કુટા’ શબ્દ કયા સંદર્ભમાં લખ્યો છે તે સ્પષ્ટ નથી થઇ શક્યું.

  ધીરજ સાહુની વર્ષ 2022ની પણ કેટલીક પોસ્ટ વાઈરલ થઈ છે, જે પૈકી 31 મેના રોજ પણ તેમણે આવી જ એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં પણ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે દૈનિક ભાસ્કરના નામવાળું એક ગ્રાફિક્સ મુક્યું છે, જેમાં પીએમ મોદીના ફોટા ઉપર લખવામાં આવ્યું છે કે, “દાવો- નોટબંધીથી નકલી નાણાના ચલણની કમર તોડવાનો” અને બીજી તરફ દૈનિક ભાસ્કરના નામવાળું ગ્રાફિક જેમાં બજારમાં કઈ-કઈ નોટ કેટલા ટકા છે તેનો ગ્રાફ દર્શાવવામાં આવ્યો છે. આ પોસ્ટમાં સાહુએ RBIને ટાંકીને દાવો કર્યો કે, “નોટબંધીને લઈને ખૂબ મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ હવે RBIના હવાલેથી ખબર આવી છે કે બેંકમાં પહોંચેલી ₹500ની 101.9% અને ₹2000ની 54.16%થી વધુ નોટ બનાવટી છે. આ આંકડા સરકારના દાવાની પોલ ખોલવા માટે એ વાસ્તવિકતા સામે લાવવા માટે પૂરતી છે.”

  આ પોસ્ટ પર પણ લોકોએ તેમને રોકડું પકડાવ્યું, એક યુઝરે સાહુની તિજોરી માંથી જપ્ત કરવામાં આવેલી રોકડ રકમના ફોટો મૂકીને લખ્યું, “કારણકે અસલી અહીં છે.”

  અન્ય એક પોસ્ટમાં તેઓ રાહુલ ગાંધી પર ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધ પ્રદર્શનમાં નજરે પડે છે. પોતાના વિડીયોમાં તેઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કાયદેસરની કાર્યવાહી અટકાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા EDના માધ્યમથી અમારા નેતા શ્રી રાહુલ ગાંધી તેમજ સમસ્ત કોંગ્રેસના નેતાઓને કારણ વગર હેરાન કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે દેશમાં ભયનો માહોલ તૈયાર કર્યો છે. કૃપા કરીને તેને બંધ કરો, જનતા તમારી વાસ્તવિકતા જાણી ચૂકી છે.”

  શા માટે લોકો આપી રહ્યા છે સાહુની જૂની પોસ્ટ પર આવી પ્રતિક્રિયા

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પર ઇન્કમ ટેક્સ રેડ પડ્યા બાદ લોકો આ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાહુ સાથે સંકળાયેલા અનેક ઠેકાણા પર દરોડામાં ઇન્કમ ટેક્સને 300 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ રોકડ રકમ 100/200/500ની નોટમાં મળી છે. આ રેડમાં પહેલાં તિજોરીઓમાં સંઘરેલા 200 કરોડ મળ્યા હતા અને ત્યારબાદ અન્ય 100 કરોડથી વધુની રકમ મળી આવી હતી. આ આખી ઘટના સામે આવ્યા બાદ સાહુએ ભૂતકાળમાં કરેલી ભ્રષ્ટાચાર વિરોધની વાતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આરોપો લગાવતી તેમજ નોટબંધી જેવા નિર્ણયોનો વિરોધ કરતી પોસ્ટ જોઇને લોકો ઉકળી ઉઠ્યા છે.

  ભ્રષ્ટાચાર વિરોધની વાતો કરી રહેલા કોંગ્રેસના નેતા પાસેથી મળી આવેલા અધધ રોકડા જોઇને લોક પોતાની જાતને રોકી શક્યા નહીં અને તેમની પોસ્ટ પર જઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં