રાજસ્થાન સહિત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે ચર્ચા મુખ્યમંત્રીઓની છે. તેલંગણામાં કોંગ્રેસે CM જાહેર કરી દીધા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હજુ જાહેરાત થઈ નથી. આ બધા વચ્ચે એક પત્ર ફરતો થયો, જેમાં દાવો કરવામાં આવ્યો કે ભાજપે અધિકારીક રીતે મહંત બાલકનાથ યોગીને CM અને બે નેતાઓને ડેપ્યુટી સીએમ નીમ્યા છે.
સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. ઉપરના સ્થાને પાર્ટીનાં ચૂંટણી ચિહ્ન સાથે નામ અને સરનામું લખવામાં આવ્યાં છે. સાથે ક્રમાંક અને દિનાંક પણ લખવામાં આવ્યાં છે. તેની નીચે એક કૌષ્ટકમાં ધારાસભ્યોનાં નામ અને બાજુમાં મંત્રીપદ/જવાબદારી લખેલું જોવા મળે છે.
કૌષ્ટકમાં મહંત બાલકનાથ યોગીનું નામ મુખ્યમંત્રી તરીકે, જ્યારે કિરોડીલાલ મીણા અને દિયાકુમારીનું નામ ઉપ-મુખ્યમંત્રી તરીકે જોવા મળે છે. એટલું જ નહીં, આ પત્ર પર સહી પણ કરવામાં આવી છે. જ્યાં રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહનું નામ લખવામાં આવ્યું છે. સૌથી નીચે ‘નકલ રવાના’માં ભાજપ કાર્યાલય, મુખ્ય ચૂંટણી આયોગ, મુખ્ય સતર્કતા આયોગ અને સોશિયલ મીડિયા પ્રભારીના ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
પ્રથમ દ્રષ્ટિએ બિલકુલ સાચો લાગતો આ પત્ર વાસ્તવમાં ફેક છે. ભાજપે આવો કોઇ પત્ર જાહેર કર્યો નથી કે ન આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. શીર્ષ નેતૃત્વ સ્તરે લેવાય પણ ગયો હોય તો હજુ તેની જાહેરાત કરવામાં આવી નથી.
રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના અધિકારિક હેન્ડલ પરથી આ પત્રને ‘ફેક’ જાહેર કરવામાં આવ્યો છે.
Fake Alert ! pic.twitter.com/GABYXWHveO
— BJP Rajasthan (@BJP4Rajasthan) December 6, 2023
પત્ર લોકો સાચો માની લે તેનું કારણ એક એ પણ છે કે આ ત્રણ નેતાઓનાં નામ હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે ચર્ચામાં છે. ત્રણેય ચૂંટણી જીતીને આવ્યાં છે. જેમાંથી મહંત બાલકનાથ યોગી અને કિરોડીલાલ મીણા સાંસદ હતા, પરંતુ તેમણે રાજીનામું ધરી દીધું છે. જેથી ધારાસભ્ય પદે યથાવત રહેશે.
આ સિવાય, હજુ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિશે પણ કોઇ નિર્ણય થઈ શક્યો નથી. ચર્ચા એવી ચાલી રહી છે કે આ ત્રણેય રાજ્યોમાં ભાજપ નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે. જોકે, પાર્ટીએ હજુ સુધી ક્યાંય કોઇ રીતે ફોડ પાડ્યો નથી. અધિકારીક જાહેરાત બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.