કોઇ રાજ્યનું નેતૃત્વ કરવા માટે મોટા-મોટા નેતાઓને અને પ્રબળ દાવેદારોને બાજુ પર મૂકીને કોઇ નવા જ ચહેરાને સ્થાન આપી દેવું એ આમ તો સાહસનું કામ કહેવાય, પણ સપ્ટેમ્બર, 2021માં ભાજપના શીર્ષ નેતૃત્વે કરી બતાવ્યું હતું. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી જ્યારે નવા CMની પસંદગી કરવાની વાત આવી ત્યારે મીડિયાથી માંડીને સૌ કોઇ જે નામની ચર્ચા કરતા હતા તે બધાં પર ચોકડી મૂકાઈ અને આખરે એવું નામ સામે આવ્યું જેની કોઈને કલ્પના ન હતી- ભૂપેન્દ્ર પટેલ. સાવ નવા ચહેરાને ભાજપે રાજ્યની કમાન સોંપી અને તેમાં તેઓ સફળ થયા એમ કહી શકાય કારણ કે તેમના જ નેતૃત્વમાં BJP 2022ની વિધાનસભા ચૂંટણી લડી અને જીતી ગઈ.
ગુજરાત ભાજપની પ્રયોગશાળા કહેવાય છે. અહીં અખતરા કરીને તેઓ બહારનાં રાજ્યોમાં લાગુ કરે છે. હવે જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપે મુખ્યમંત્રીઓ પસંદ કરવાના છે ત્યારે આ ‘ગુજરાત મોડેલ’ ચર્ચામાં આવ્યું છે. અનુમાન છે કે ભાજપ ત્રણેય રાજ્યોમાં ગુજરાતની જેમ જ નવા ચહેરાને તક આપી શકે છે.
BJP to give responsibility of CM post to new faces in Rajasthan, Madhya Pradesh and Chhattisgarh, where assembly polls were held recently: Sources
— ANI (@ANI) December 6, 2023
આ વિશે અધિકારિક રીતે કોઇ બાબત સામે આવી નથી. મીડિયા સૂત્રોને ટાંકીને આવું કહે છે. જોકે, ભાજપના કિસ્સામાં ક્યાંય કોઇ સૂત્ર કામ આવતાં નથી. અનેક વખત એવું બન્યું છે કે જેની ચર્ચા ચાલતી હોય તેવાં કામ ભાજપ નેતૃત્વ ક્યારેય કરતું નથી અને છેલ્લી ઘડીએ ‘સરપ્રાઈઝ’ આપી દે છે. છતાં જો માની લઈએ કે મીડિયાનાં સૂત્રો આ વખતે દગો નહીં આપે, તો તેનો અર્થ એ થયો કે રાજસ્થાનમાં વસુંધરા રાજે, મધ્ય પ્રદેશમાં શિવરાજસિંઘ ચૌહાણ અને છત્તીસગઢમાં રમણ સિંહ સીએમ તરીકે જોવા નહીં મળે.
તેમના સ્થાને નવા અને યુવા ચહેરાઓને તક આપવામાં આવી શકે. જોકે, તેમાંથી પણ ચોક્કસ નામો કહેવાં તો મુશ્કેલીનું કામ છે કારણ કે અનેક નામો ચર્ચામાં છે અને એવું પણ બને કે ભાજપ સાવ નવા ચહેરાને લાવીને મૂકી દે, જેઓ ક્યાંય રેસમાં હોય જ નહીં. છતાં રાજસ્થાનમાં મહંત બાલકનાથ, મંત્રી અશ્વિની વૈષ્ણવ, દિયા કુમારી, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિરોડી લાલ મીણા, MPમાં નરેન્દ્ર સિંઘ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીય અને છત્તીસગઢમાં ઓપી ચૌધરી, અરૂણ સાઓ વગેરે નામો ચર્ચામાં છે.
આ જ ચર્ચાઓની વચ્ચે ભાજપ સાંસદો જેઓ ચૂંટણી જીતીને આવ્યા છે તેમણે આજે રાજીનામાં ધરી દીધાં છે. એટલે કે તેઓ ધારાસભ્યો જ રહેશે. તેમાંથી 2 મંત્રીઓ પણ સામેલ છે- નરેન્દ્ર તોમર અને પ્રહલાદ સિંઘ પટેલ. તેનો અર્થ એ થયો કે મંત્રીમંડળમાં પણ અમુક ફેરફારો કરવા પડશે. જેથી જેમણે ચૂંટણી નથી લડી તેવા મંત્રીઓને પણ છૂટા કરીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી શકે.
શક્યતાઓ ઘણી છે. ભાજપ પ્રયોગો કરવા માટે જાણીતી પાર્ટી છે. અગાઉ જ્યાં પ્રયોગો કર્યા ત્યાં તેઓ સફળ થયા છે. આ સંજોગોમાં કંઈ પણ થઈ શકે. એક વાત પાર્ટી માટે સારી છે કે શીર્ષ નેતૃત્વ જે કોઇ નિર્ણય કરે તે નેતાઓ એકસૂરે માન્ય રાખે છે. બાકી, કોંગ્રેસ માટે આવી કોઇ માથાકૂટ રહેતી નથી, કારણ કે થોડાઘણા પણ નવા અખતરા કરવા જાય ત્યાં બળવાના સૂર ઊપડતા વાર લાગતી નથી.
જોકે, આવા પ્રયોગો કરવા અને સાવ નવા ચહેરાને સુકાન સોંપી દેવું એ આમ જ થતું નથી. આવા નિર્ણયો લેવા માટે એટલી દીર્ઘદ્રષ્ટિ અને માણસ ઓળખવાની ક્ષમતા હોવી પણ જરૂરી છે. એવા વ્યક્તિઓને પસંદ કરવા પડે છે જેઓ પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને જનતા- બંનેની અપેક્ષાઓ સંતોષી શકે. કારણ કે ખરું કામ મુખ્યમંત્રી બન્યા પછી શરૂ થાય છે.
ગુજરાતના કિસ્સામાં ભૂપેન્દ્ર પટેલ પર પાર્ટીએ લગાવેલો દાવ સંપૂર્ણ સફળ રહ્યો. તેઓ બહુ સારી રીતે સરકાર ચલાવી રહ્યા છે. આ ત્રણ રાજ્યોમાં પણ પાર્ટીએ એવા જ કોઇ નેતાને પસંદ કરવા પડશે, જેઓ પાંચ વર્ષે જ્યારે પાર્ટી ચૂંટણી લડવા જાય ત્યારે નક્કર કામો લઈને લોકો પાસે જઈ શકે.