મિચોંગ વાવાઝોડાનો કહેર આંધ પ્રદેશથી લઇ તમિલનાડુ સુધી દેખાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે શહેરોમાં મકાન અને વાહનોને ભારે નુકશાન થયું છે. અત્યાર સુધી આંધ્ર પ્રદેશમાં 8 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજે મિચોંગ વાવાઝોડું બાપલટા તટ પર ટકરાશે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આ દરમિયાન તેની ઝડપ 110 કિ.મી. પ્રતિકલાકની હોય શકે છે. હાલ આ વાવાઝોડું પશ્ચિમ-મધ્યથી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ આંધ્ર પ્રદેશના તટ તરફ અને ત્યાંથી ફંટાઈને તમિલનાડુ તરફ જઈ રહ્યું છે.
ભારતના પૂર્વોત્તરમાં આવેલા ચક્રવાતથી હવે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતે તારાજી સર્જી છે. મિચોંગ વાવાઝોડાએ દક્ષિણ ભારતના 2 રાજ્યો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે નુકશાન કર્યું છે. રાજ્યના 17 જેટલા શહેરો પાણીમાં ડૂબેલા છે. રવિવાર (3 ડિસેમ્બર 2023)થી લઈ અત્યાર સુધી અહિયાં 400-500mm જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અતિભારે વરસાદના કારણે શહેરોમાં ભારે નુકશાન થયું છે. કયાંક મકાનોમાં પાણી ધુસી ગયું છે તો ક્યાંક બાઈક, કાર જેવા વાહનો પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા મજબુર થયા છે.
કહેવાઈ રહ્યું છે કે આ વિસ્તારોમાં છેલ્લા 70-80 વર્ષમાં આટલો ભારે વરસાદ પહેંલા કયારેય નથી થયો. વર્ષ 2015માં પણ આવી સ્થિતિ આવી હતી પરંતુ તેમાં પણ 330mm જેટલો જ વરસાદ નોંધાયો હતો, જેની સરખામણીમાં આ વખતે બે ઘણો વરસાદ અહિયાં વરસી ચૂક્યો છે. જેના કારણે અત્યાર સુધી ચેન્નાઈમાં 8 વ્યક્તિઓના મૃત્યુ થઇ ચૂક્યા છે.
આંધ્ર પ્રદેશમાં હાઈએલર્ટ
આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા હાલ રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. મિચોંગ વાવાઝોડાના કહેરથી તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પ્રશ્ચિમ ગોદાવરી, કોનસીમા અને કાકીનાડા શહેરોને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સુરક્ષાની દ્રષ્ટિએ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં NDRF અને SDRFની 5-5 ટીમો મૂકી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય માટે 181 જેટલા રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. સરકારે પ્રશાસનને આદેશ આપ્યા છે જેમાં ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળાંતર માટે વિશેષ ધ્યાન આપવામાં આવે. કુદરતી પ્રકોપના કારણે કોઈપણ જાનહાની ના થાય કે ભયાવહ સ્થિતિ ના સર્જાય એ માટે સુરક્ષાદળો તૈયાર રાખવામાં આવેલ છે.
Michaung Cyclone | Eight deaths reported in Chennai Police limit.#TamilNadu pic.twitter.com/vSLjt5nQbM
— ANI (@ANI) December 5, 2023
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર મિચોંગ વાવાઝોડું 1 ડિસેમ્બરના રોજ બંગાળની ખાડીમાંથી સર્જાયું હતું. ધીરે ધીરે ભારત તરફ વળ્યું અને વધતા વધતા દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પાંડુચેરીમાં તેની અસર દેખાવા લાગી. IMD દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મિચોંગ વાવોઝોડું મંગળવારની (5 ડિસેમ્બર 2023) સવાર સુધીમાં આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટ વિસ્તારોમાં ટકરાશે અને બુધવાર સુધી એની અસર રહેશે.
મળતી માહિતી મુજબ મિચોંગ વાવાઝોડું જ્યાં સુધી શાંત નહિ થાય ત્યાં સુધી તેનો પ્રભાવ અન્ય રાજ્યો પર પણ પડશે. ઓડીશા, પાંડુચેરી-તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ, બંગાળ, કર્નાટકા, કેરલ જેવા રાજ્યોમાં વાવાઝોડાની અસર દેખાઈ શકે છે. તેલંગાણા સરકારે પણ મિચોંગ વાવાઝોડાને ધ્યાને લઇ રાજ્યમાં એલર્ટ જાહેર કર્યો છે. આ ઉપરાંત પાંડુચેરીના દરિયાઈ વિસ્તારોની આસપાસ 144 લાગુ કરવામાં આવી છે.
આ પહેલા બિપરજોય વાવાઝોડાએ વર્તાવ્યો હતો કહેર
આ પહેલાં પણ ભારત પર આવી કુદરતી આફત તોળાઈ હતી. જુન મહિનામાં આવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી સર્જી હતી. 15 જુનના કચ્છના જખૌ બંદર પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની ઝડપ 150 કિ.મી. પ્રતિકલાક હતી. જેની અસર ગુજરાત ઉપરાંત મુંબઈના તટીયક્ષેત્રોમાં જોવા મળી હતી. ઉલેખનીય છે કે આ વાવાઝોડાના કારણે પણ 9 લોકોનું મૃત્યુ થયું હતું.