પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપોનો સામનો કરતાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર ડિસ્કવોલિફિકેશનની તલવાર લટકી રહી છે. સોમવારથી (4 ડિસેમ્બર) સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં પહેલા જ દિવસે એથિક્સ કમિટી પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે તેમ જાણવા મળી રહ્યું છે. એ બાબત હવે જાણીતી છે કે રિપોર્ટમાં મહુઆ મોઈત્રાને બરતરફ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે, સંસદ સત્રના પ્રથમ દિવસે જ એથિક્સ કમિટીના ચેરમેન અને ભાજપ સાંસદ વિનોદ સોનકર લોકસભામાં રિપોર્ટ રજૂ કરશે. અનુમાન છે કે ત્યારબાદ મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવશે. જો તેમ થાય તો વિપક્ષી પાર્ટીઓ દર વખતની જેમ હોબાળો મચાવીને સંસદની કાર્યવાહીને અસર પહોંચાડી શકે છે.
ન્યૂઝ18ના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, મોઈત્રાને બરખાસ્ત કરવા માટે સરકાર પ્રસ્તાવ લાવી શકે છે. જેના કારણે વિપક્ષી પાર્ટીઓ એક થઈને વિરોધ કરશે, જેથી સત્રના પહેલા જ દિવસે હોબાળાનું દ્રશ્ય સર્જાય શકે છે. જોકે, હવે સંસદમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ પ્રકારનાં કૃત્યો કરવાં જાણે સામાન્ય બાબત બનતી જાય છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ મહુઆ મોઈત્રા સાથે સંપર્કમાં છે અને તેમને આશ્વાસન આપ્યું છે કે પાર્ટી તેમના સમર્થનમાં ઉભી રહેશે.
TOIના રિપોર્ટ અનુસાર, રિપોર્ટ રજૂ થયા બાદ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ એક પ્રસ્તાવ રજૂ કરી શકે છે, જેમાં રિપોર્ટની ભલામણોને સ્વીકારવાની વાત કહેવામાં આવી હશે. બીજી તરફ, વિપક્ષ તેની ઉપર ચર્ચાની માંગ કરી શકે છે. પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવી કે તેને સીધો મતદાનથી પસાર કરી દેવો તેનો નિર્ણય સ્પીકરે લેવાનો હોય છે. જેથી આ બાબત જે-તે દિવસે જ સ્પષ્ટ થઈ શકશે.
9 નવેમ્બરે સ્વીકારાયો હતો રિપોર્ટ, સાંસદને બરતરફ કરવાની થઈ છે ભલામણ
અહીં ઉલ્લેખનીય છે કે એથિક્સ કમિટીએ ગત 9 નવેમ્બરના રોજ રિપોર્ટ સ્વીકાર્યો હતો. 6 સભ્યોએ તેના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે વિપક્ષી પાર્ટીઓના 4 સભ્યોએ વિરોધી મત વ્યક્ત કર્યો હતો.
એથિક્સ કમિટીના રિપોર્ટમાં મહુઆ મોઈત્રાને સાંસદ પદેથી બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. જેથી જો લોકસભા રિપોર્ટ સ્વીકારી લે તો તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવશે તે સ્પષ્ટ છે.
કમિટીએ પોતાના રિપોર્ટમાં મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરખાસ્ત કરવા માટે ભલામણ કરી છે અને કહ્યું કે, તેમનું વર્તન અત્યંત આપત્તિજનક, અનૈતિક અને ગુનાહિત રહ્યું છે અને જેથી કમિટી આ બાબતની ગહન, કાયદાકીય અને સંસ્થાગત તપાસ કરવાની ભલામણ કરે છે. કમિટીએ એમ પણ કહ્યું કે, મહુઆ મોઈત્રાએ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી પૈસા, ભેટો અને અન્ય સુવિધાઓ લઈને ‘અનૈતિક આચરણ’ કર્યું છે અને જે ‘સંસદની અવમાનના’ છે. જેથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.