Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ'જે કોઇ નથી કરી શક્યું તે તમે કરી બતાવ્યું': ચંદ્રયાન-3 મિશનની સફળતા...

    ‘જે કોઇ નથી કરી શક્યું તે તમે કરી બતાવ્યું’: ચંદ્રયાન-3 મિશનની સફળતા બદલ ભારતના પ્રશંસક બન્યા નાસા ચીફ, કહ્યું- દરેક રીતે પ્રશંસાને પાત્ર ભારત

    નાસા ચીફ બિલ નેલ્સને કહ્યું છે કે, ભારતે કંઈક એવું કર્યું છે જે કોઈપણ અન્ય દેશે કર્યું નથી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા માટે ભારત દરેક રીતે પ્રશંસાપાત્ર છે.

    - Advertisement -

    ભારતનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 સફળ થયું ત્યારથી વિશ્વભરના દેશોએ ભારતને અભિનંદન આપ્યા છે. જે સિલસિલો હજુ પણ ચાલુ છે. વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી નાસાના ચીફે ભારતની પ્રશંસા કરી છે. તેમણે મિશન ચંદ્રયાન-3ની સરાહના કરી છે અને દેશને તે માટે અભિનંદન પાઠવ્યા છે. નાસા ચીફ બિલ નેલ્સને કહ્યું છે કે, ભારતે કંઈક એવું કર્યું છે જે કોઈપણ અન્ય દેશે કર્યું નથી. તેમણે કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા માટે ભારત દરેક રીતે પ્રશંસાપાત્ર છે.

    નાસાએ ચંદ્રયાન-3ની સફળતાને લઈને ફરી એકવાર ભારતની પ્રશંસા કરી છે. નાસા ચીફ બિલ નેલ્સને મુંબઈમાં શુક્રવારે (1 ડિસેમ્બર) મીડિયા સાથે વાત કરતી વખતે ભારતના ચંદ્રયાન-3 મિશનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “ભારતને મારા તરફથી અભિનંદન, તમે કંઈક એવું કર્યું છે જે કોઈએ નથી કર્યું. તમે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સૌથી પહેલાં ઉતર્યા છો અમારૂ એક કમર્શિયલ લેન્ડર હશે, જે આવતા વર્ષે ઉતરશે. પરંતુ પ્રથમ ભારત હતું. બીજાઓએ પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. પરંતુ ભારત સફળ રહ્યું. તમે આ સિદ્ધિ માટે બધી બાજુથી પ્રશંસાને પાત્ર છો. આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.”

    નાસા ચીફે NISAR મિશનનો પણ કર્યો ઉલ્લેખ

    બિલ નેલ્સને NISAR મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે જાણવા માટે ચાર મુખ્ય ઓબ્જર્વેટરીની સિદ્ધિ સાથે એક સંપૂર્ણ 3D મોડલ ભારત સરકાર સાથે મળીને સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું, “આ મુખ્ય ઓબ્જર્વેટરી છે, જેને અમે ભારત સરકાર સાથે સ્થાપિત કરી રહ્યા છીએ. અહી ચાર મુખ્ય ઓબ્જર્વેટરી છે. એકવાર જ્યારે અમે કક્ષામાં પહેલાંથી જ મોજૂદ 25 અંતરીક્ષ યાનોની સાથે ચારેયને ઉપર લઈ જઈશું, ત્યારે અમારી પાસે એક સંપૂર્ણ 3D મોડલ હશે, જે વાસ્તવમાં પૃથ્વી પર ખરેખર શું થઈ રહ્યું છે. તે હશે. અમે અમારા ઘરને સંરક્ષિત કરવા માંગીએ છીએ.”

    - Advertisement -

    બિલ નેલ્સને કહ્યું, “NISAR આમાંની પ્રથમ ઓબ્જર્વેટરી છે. તે પૃથ્વીની તમામ સપાટીઓનું અવલોકન કરશે. તે પાણી, જમીન અને બરફમાં થતાં કોઈપણ ફેરફારોને જોશે. તે ડેટાનો અન્ય એક સેટ હશે જે અમને મદદ કરશે. સમજવામાં મદદ કરશે કે પૃથ્વીની સાથે શું થઈ રહ્યું છે. આ મિશન આગામી વર્ષના પ્રથમ ભાગમાં આવી રહ્યું છે. રોકેટ ભારતીય અંતરિક્ષ એજન્સીએ પ્રદાન કર્યું છે અને અમે સાથે મળીને અંતરિક્ષ યાન બનાવ્યું છે, તેને બેંગલોરમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે.”

    ઉલ્લેખનીય છે કે ભારતે ગત 23 ઓગસ્ટ, 2023ના રોજ મિશન ચંદ્રયાન-3 હેઠળ વિક્રમ લેન્ડરને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચી દીધો હતો. આમ કરનારો ભારત એકમાત્ર દેશ છે. આ મિશનની સફળતાથી અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતે નવાં ડગ માંડ્યાં અને વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં