શુક્રવારે (1 ડિસેમ્બર, 2023) સવારે બેંગ્લોરની અનેક શાળાઓને ઇમેઇલ પર બૉમ્બની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે એક તરફ તપાસ શરૂ કરી તો બીજી તરફ સ્ટાફ અને બાળકોને ઘરે મોકલી આપવામાં આવ્યાં હતાં. હજુ સુધી કોઇ બૉમ્બને લગતી સામગ્રી મળી નથી અને લાગી રહ્યું છે કે આ ફેક કૉલ હોય શકે છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.
શુક્રવારે સવારે શાળાઓને આ પ્રકારના મેઇલ મળ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો કે શાળાનાં મેદાનો પર વિસ્ફોટક ઉપકરણો મૂકવામાં આવ્યાં છે. ઈમેલ મળતાં જ અફરાતફરી મચી ગઇ હતી અને શાળાઓએ તાત્કાલિક ખાલી કરાવીને સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપ્યાં હતાં. બીજી તરફ, પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
જાણકારી મળતાં જ પોલીસની ટીમો બૉમ્બ સ્ક્વોડ સાથે શાળાઓએ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઇ વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા નથી. બીજી તરફ પોલીસે પણ કહ્યું છે કે આ ફર્જી કોલ લાગી રહ્યો છે. બેંગ્લોરના પોલીસ કમિશનરે એક X પોસ્ટમાં કહ્યું કે, “બેંગ્લોર શહેરની અમુક શાળાઓને સવારે ‘બૉમ્બની ધમકી’ આપતો ઇમેઇલ મળ્યો હતો. કાર્યવાહી માટે એન્ટી સબોટાજ અને બૉમ્બ ડિટેક્શન સ્ક્વોડને કામે લગાડવામાં આવી છે. આ ફર્જી કોલ લાગી રહ્યો છે. તેમ છતાં ગુનેગારોને પકડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”
Certain schools in Bengaluru city have received emails today morning indicating 'bomb threat'. Anti sabotage and bomb detection squads have been pressed into service to verify and ascertain. The calls seem to be hoax. Even then all efforts will be made to trace the culprits. pic.twitter.com/QqBaSuJ11W
— CP Bengaluru ಪೊಲೀಸ್ ಆಯುಕ್ತ ಬೆಂಗಳೂರು (@CPBlr) December 1, 2023
જે શાળાઓને ધમકી મળી છે તેમાંથી એક શાળા ડેપ્યુટી CM ડીકે શિવકુમારના ઘરની સામે જ સ્થિત છે. જેના કારણે સમાચાર જોઈને તેઓ પણ શાળાએ દોડી ગયા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, “હું ટીવી જોઈ રહ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે મારા ઘરની સામેની શાળાને પણ ધમકી મળી છે. હું અહીં ચેક કરવા માટે આવ્યો છું.” તેમણે ઉમેર્યું કે, “અત્યાર સુધી તો આ ધમકીભર્યો કૉલ જ લાગી રહ્યો છે, પણ આપણે સાવચેત રહેવું પડશે.”
ઇમેઇલમાં શું કહેવામાં આવ્યું?
બીજી તરફ, ટાઈમ્સ નાઉના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધમકીભર્યા ઇમેઇલમાં શું લખવામાં આવ્યું હતું. આ ઇમેઇલમાં કહેવાયુ હતુ કે, કાં તો ઇસ્લામમાં કન્વર્ટ થઈ જાઓ અથવા મરવા માટે તૈયાર રહો. સાથે ‘અલ્લાહુ અકબર’નો નારો પણ લખવામાં આવ્યો હતો.
ઇમેઇલમાં જણાવવામાં આવ્યું કે શાળાનાં મેદાનમાં વિસ્ફોટક પદાર્થો રાખવામાં આવ્યા છે. ત્યારબાદ 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, અલ્લાહના માર્ગે ચાલીને ‘શહીદોએ’ સેંકડો મૂર્તિપૂજકોને મારી નાંખ્યા હતા. આગળ કહેવામાં આવ્યું કે, “તમે બધા અલ્લાહના દુશ્મનો છો અને અમે તમને અને તમારાં બાળકોને મારી નાખીશું. તમારી પાસે વિકલ્પો છે કે કાં તો અમારા ગુલામ બની જાઓ અથવા અલ્લાહનો મઝહબ સ્વીકારી લો.”
આગળ કહેવામાં આવ્યું કે, “મંદિરો, તમારી મૂર્તિઓ બધું જ ધડાકામાં ઊડી જશે અને અમે અલ્લાહના મઝહબને આખા ભારતમાં ફેલાવીશું. ઇસ્લામમાં પરિવર્તિત થઈ જાઓ અથવા ઇસ્લામની તલવાર હેઠળ મરવા માટે તૈયાર રહો.” આગળ લખ્યું- “જ્યારે તમે કાફિરોને મળો, તેમનાં માથાં કાપી નાખો. તેમની આંગળીઓ પણ કાપી નાખો અને તમામ બહુઈશ્વરવાદમાં માનનારાઓ સામે લડો. અલ્લાહુ અકબર.”
હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી કશું જ વિસ્ફોટક મળી આવ્યું નથી. જોકે, આ પહેલી વખત નથી જ્યારે બેંગ્લોરની શાળાઓને ધમકી મળી હોય. આ પહેલાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.