₹2000ની નોટને પરત લેવાની ઘોષણા થયા બાદ અત્યાર સુધી સર્ક્યુલેશનની મોટાભાગની નોટ બેંકમાં જમા થઈ ચૂકી છે. આ મામલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજી જાણકારી આપતાં જણાવ્યું હતું કે ₹2000ની નોટને પરત લેવાની ઘોષણા બાદ 97.26 ટકા નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી છે. રિઝર્વ બેન્કે 19 મે, 2023ના રોજ ₹2000ની નોટ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા શુક્રવાર (1 ડિસેમ્બર, 2023)ના રોજ પ્રકાશિત કરેલી પ્રેસ રિલીઝમાં માહિતી આપવામાં આવી હતી કે 19 મે, 2023 સુધી જેટલી પણ ₹2000ની નોટ સર્ક્યુલેશનમાં હતી, તેમાંથી 97.26 ટકા નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. સાથે જ આ રિલીઝમાં તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ ₹2000ની નોટ લીગલ ટેન્ડર છે અને હજુ પણ તે યથાવત રહેશે.
19 મે 2023 મુજબ 3.56 લાખ કરોડ રૂપિયાની કિંમતની ₹2000ની નોટ સર્ક્યુલેશનમાં હતી. 30 નવેમ્બર 2023નો દિવસ પૂર્ણ થતાં માર્કેટમાં બચેલી નોટની વેલ્યુ 9,760 કરોડ રૂપિયા બચી છે. એટલે કે ₹2000ની નોટને પરત લેવાની ઘોષણા બાદ 97.26 ટકા નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી.
97.26% of the Rs 2,000 banknotes in circulation as of May 19, 2023, have returned. The Rs 2,000 banknotes continue to be legal tender: RBI pic.twitter.com/rSxx8hv4By
— ANI (@ANI) December 1, 2023
નોટબંધી બાદ અસ્તિત્વમાં આવી હતી ₹2000ની નોટ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધીમાં 1000-500ની ચલણી નોટ બંધ થયા બાદ ₹2000ની નોટ અસ્તિત્વમાં આવી હતી. સાથે જ 500ની નવી ચલણી નોટ પણ જાહેર કરવામાં આવી હતી. જોકે ₹2000ની નોટ અસ્તિત્વમાં આવ્યા બાદ તરત જ તેને પણ પરત ખેંચવાની ચર્ચાઓ ચાલવા લાગી હતી અને અંતે 19 મે, 2023ના રોજ આ બાબતની ઘોષણા કરી હતી. રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડાઓ મુજબ 31 માર્ચ, 2018 દરમિયાન સહુથી વધુ 6.73 લાખની વેલ્યુની ₹2000ની નોટ માર્કેટ સર્ક્યુલેશનમાં હતી.
નોંધનીય છે કે વર્ષ 2019માં જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ₹2000ની નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેનો સીધો અર્થ તે થયો કે 2016ની નોટબંધી બાદ નવી જાહેર કરવામાં આવેલી 2000નો નોટના સર્ક્યુલેશનને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી દેવામાં આવ્યો હતો. અંતે મે, 2023માં નિર્ણય લેવામાં આવ્યો. તે સમયે રિઝર્વ બેંકે નોટ જમા કરાવવા માટે સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો, બાદમાં આ સમયગાળાને વધારીને 7 ઓકટોબર 2023 સુધી લંબાવવામાં આવ્યો. આ દરમિયાન રિઝર્વ બેંકના 19 કાર્યાલયો પર ₹2000ની નોટ બદલવા માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
હાલ RBIની શાખાઓ ₹2000ની ચલણી નોટો સ્વીકારી રહી છે. આ ઉપરાંત નાગરિકોને નજીકની કોઈ પણ પોસ્ટ ઑફિસના માધ્યમથી ₹2000ની નોટ RBIના કોઈ પણ કાર્યાલય પર મોકલીને બદલાવી શકે તેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. જ્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અંતિમ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ₹2000ની નોટ લીગલ ટેન્ડરમાં રહેશે.