Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણરાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ એક્ઝિટ પોલના આંકડાઓ આવવાના...

    રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ એક્ઝિટ પોલના આંકડાઓ આવવાના શરૂ: 2018માં કેટલાં સાચાં પડ્યાં હતાં આ અનુમાનો?- જાણો

    એક્ઝિટ પોલ્સથી મહદ અંશે જે-તે રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. જોકે, જરૂરી નથી કે દરેક કિસ્સામાં તે સાચા જ પડે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણા- પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવી રહ્યા છે. એક્ઝિટ પોલ્સથી મહદ અંશે જે-તે રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. જોકે, જરૂરી નથી કે દરેક કિસ્સામાં તે સાચા જ પડે. 2018માં પાંચ રાજ્યોની ચૂંટણી બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ્સ કેટલા સચોટ હતા, તેની ઉપર નજર કરીએ. 

    રાજસ્થાનમાં સાચા સાબિત થયા હતા એક્ઝિટ પોલ 

    રાજસ્થાનમાં 2018માં તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને જીતતી દર્શાવવામાં આવી હતી. 200 બેઠકોની વિધાનસભામાં કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું, જે આખરે સાચું પડ્યું. ભાજપને 100થી ઓછી બેઠકો મળવાનું અનુમાન હતું, જે પણ પરિણામ બાદ સાચું પડ્યું હતું. 

    ઇન્ડિયા ટુડેએ 119-141, જ્યારે રિપબ્લિકે 137, ટાઈમ્સ નાઉએ 105 અને ન્યૂઝ નેશને 103 બેઠકોનું અનુમાન લગાવ્યું હતું. બીજી તરફ, એક પણ એક્ઝિટ પોલમાં ભાજપને 100થી વધુ બેઠકો અપાઈ ન હતી. ઇન્ડિયા ટુડેએ 55-72, રિપબ્લિક 60, ટાઈમ્સ નાઉ 85 જ્યારે ન્યૂઝ નેશને 93 બેઠકો મળતી બતાવી હતી. 

    - Advertisement -

    સરેરાશ કાઢવામાં આવે તો 2018ના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 117 બેઠકો જ્યારે ભાજપને 76 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસે 100 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 73 સીટ મળી હતી. જોકે, એક્ઝિટ પોલમાં અન્ય પાર્ટીઓને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું, પરંતુ પરિણામો જાહેર થયાં ત્યારે 27 બેઠકો નાની-મોટી પાર્ટીઓને ફાળે ગઈ હતી. જેમાંથી 6 સીટ બહુજન સમાજ પાર્ટી જીતી હતી. 

    મધ્ય પ્રદેશમાં પણ મહદ અંશે સાચા પડ્યા હતા 

    મધ્ય પ્રદેશમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર દર્શાવવામાં આવી હતી. ઇન્ડિયા ટુડેએ કોંગ્રેસ માટે 104-122 બેઠકોનું અનુમાન લગાવ્યું, જ્યારે ભાજપને પણ 102-120 બેઠકો મળતી જણાવાય રહી હતી. રિપબ્લિકે 110-126 બેઠકો કોંગ્રેસ માટે અને 90-106 બેઠકો ભાજપ માટે અનુમાન લગાવ્યું હતું. ટાઈમ્સ નાઉના સરવેમાં ભાજપની જીતનું અનુમાન લગાવાયું હતું અને પાર્ટીને 126 બેઠકો, જ્યારે કોંગ્રેસને માત્ર 89 બેઠકો આપવામાં આવી. ABP ન્યૂઝના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 126 જ્યારે ભાજપને 94 બેઠકો મળતી બતાવાઈ. 

    સરેરાશ જોઈએ તો કૉંગ્રેસને 108 અને ભાજપને 110 બેઠકો મળતી બતાવવામાં આવી હતી. એટલે કે કોઇ પાર્ટીને બહુમત નહીં મળે તેવું અનુમાન હતું. 230 સભ્યોની મધ્ય પ્રદેશ વિધાનસભામાં બહુમતી માટે 116 બેઠકોની જરૂર રહે છે. આખરે પરિણામ જાહેર થયાં ત્યારે કૉંગ્રેસ 114 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની. ભાજપ 109 સીટ સાથે બીજા ક્રમે રહી. કોંગ્રેસે સરકાર તો બનાવી પણ વધુ સમય સત્તામાં ન રહી શકી.

    આગલા વર્ષે કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી અને સત્તા ભાજપના હાથમાં આવી ગઈ. ત્યારથી એમપીમાં ભાજપની જ સરકારે શાસન કર્યું. 

    છત્તીસગઢ ચૂંટણી બાદ શું કહેતા હતા એક્ઝિટ પોલ?

    છત્તીસગઢમાં પણ બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર બતાવવામાં આવી હતી. જોકે, મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું, જે આખરે સાચું સાબિત થયું. જોકે, અમુકમાં ભાજપની બઢત પણ દર્શાવવામાં આવી. પરંતુ સામાન્ય સાર નીકળતો હતો કે કોંગ્રેસ ભાજપથી આગળ નીકળી જશે. 

    ઇન્ડિયા ટીવીએ કોંગ્રેસને 32-38 જ્યારે ભાજપને 42-50 બેઠકો મળતી બતાવી હતી. ABPએ ભાજપને 52 અને કોંગ્રેસને 35 સીટ આપી હતી. ટાઈમ્સ નાઉના સરવેમાં પણ ભાજપને 46 જ્યારે કોંગ્રેસને 35 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું. રિપલબિકના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને 40-50 જ્યારે ભાજપને 35-43 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ઇન્ડિયા ટુડે અનુસાર, કોંગ્રેસને 55-65 જ્યારે ભાજપને 21-31 બેઠકો મળતી હતી. 

    સરેરાશ કોંગ્રેસ અને ભાજપ બંનેને 42-42 બેઠકો મળતી જણાઈ હતી. આખરે પરિણામો જાહેર થયાં તો કોંગ્રેસ 68 બેઠકો મળી, જ્યારે ભાજપને માત્ર 15. 

    તેલંગાણામાં સાચા પડ્યા હતા એક્ઝિટ પોલ 

    તેલંગાણાની વાત કરવામાં આવે તો અહીં તમામ એક્ઝિટ પોલમાં ભારત રાષ્ટ્ર સમિતિને (ત્યારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જે પછીથી સાચું પડ્યું. ઇન્ડિયા ટુડે, ટાઈમ્સ નાઉ અને રિપબ્લિકના એક્ઝિટ પોલમાં BRSને સ્પષ્ટ બહુમતી મળતી બતાવવામાં આવી. આખરે પરિણામ જાહેર થયાં ત્યારે BRSને 88 જ્યારે કોંગ્રેસને માત્ર 19 બેઠક મળી. 

    મિઝોરમમાં કોંગ્રેસને 14 બેઠકોનું અનુમાન હતું, મળી 4 

    મિઝોરમની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં MNF અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. રિપબ્લિકના સરવેમાં કોંગ્રેસને 14-18 જ્યારે MNFને (મિઝો નેશનલ ફ્રન્ટ) 16-20 બેઠકો મળતી બતાવાઈ હતી. ઇન્ડિયા ટુડેએ કોંગ્રેસને 8 થી 12 જ્યારે MNFને 16થી 22 બેઠકો આપી હતી. ટાઈમ્સ નાઉના સરવેમાં કોંગ્રેસને 16 અને MNFને 18 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું. 

    આખરે પરિણામ જાહેર થયાં ત્યારે મિઝો નેશનલ ફ્રન્ટને 27 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠકોમાં સમેટાઈ ગઈ. અન્ય પાર્ટીઓને 9 બેઠકો મળી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં