ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની એક કોલેજનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોલેજમાં એક ઇવેન્ટ હોવાથી યુવતીઓ બુરખામાં અને હિજાબમાં કેટવૉક કરતી જોવા મળે છે. વિડીયો શ્રીરામ ગ્રુપ ઓફ કોલેજનો છે. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ અભિનેત્રી મંદાકિની પણ હાજર હતી.
જમિયત ઉલેમા-એ-હિંદે બુરખામાં કેટવૉકને મુસ્લિમોની લાગણી ભડકાવવાનું ષડયંત્ર ગણાવ્યું છે અને કાર્યવાહીની માંગ કરી છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે કોલેજ પ્રશાસને ઘટનામાં કશું ખોટું ન હોવાનું કહ્યું અને વિરોધ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
આ કોલેજ મુઝફ્ફરનગર જિલ્લાના નવી મંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક કોલેજમાં યુવતીઓ રંગબેરંગી લાઈટો સાથે સ્ટેજ પર કેટવૉક કરતી જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરથી વાગી રહ્યું છે. ઘણી યુવતીઓ ઈસ્લામિક પોશાક બુરખામાં રેમ્પ પર જોવા મળે છે. તેમાંથી કેટલીક યુવતીઓએ સ્કાર્ફ જેવો હિજાબ પહેર્યો હતો જ્યારે એક યુવતીએ આખા શરીરને કાળા બુરખાથી ઢાંકી દીધું હતું. તમામ યુવતીઓ અલગ-અલગ અંદાજમાં દર્શકો સામે પોઝ આપતી જોવા મળે છે. એક યુવતી ઈસ્લામિક રીતે બે વાર પ્રેક્ષકોને આદાબ કરે છે અને પછી પાછી આવે છે.
#Muzaffarnagar
— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) November 27, 2023
बुर्कानशी युवतियों का कैटवॉक
रैंप पर बुर्का पहनकर कैटवॉक किया
कैटवॉक के बाद सियासत हुई गरम
जमीयत उलेमा ने की कार्रवाई की मांग #Catwalk @JpSharmaLive pic.twitter.com/uyXR8zci12
દર્શકોએ પણ ઉષ્માભરી આ પ્રસ્તુતિનો આનંદ ઉઠાવ્યો હતો. લોકોનો શોરબકોર આ વિડીયોમાં સાંભળી શકાય છે. બાદમાં ઈસ્લામિક પોશાકમાં સજ્જ આ યુવતીઓએ સામૂહિક કેટવૉક કર્યું હતું. તેમણે એકસાથે દર્શકોના અભિવાદનનો પણ સ્વીકાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમીયત ઉલેમા-એ-હિંદે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. જમીયતે આને મુસ્લિમોની ભાવનાઓને ભડકાવવાનું કૃત્ય ગણાવ્યું છે અને કોલેજ પ્રશાસન અને તેના આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જમીયત ઉલેમાએ કોલેજ પ્રશાસનને ફરી આવું ન કરવા જણાવ્યું છે.
જ્યારે ઈસ્લામિક પોશાકમાં કેટવૉક કરનારી યુવતીઓએ જણાવ્યું હતું કે તેમને કોલેજના મનોજ સર દ્વારા આવી પ્રસ્તુતિ આપવા માટે સૂચના આપવામાં આવી હતી. મનોજ આ શોનો વિડીયો પણ બનાવી રહ્યા હતા. યુવતીઓએ જણાવ્યું કે તેઓ મુસ્લિમ છે તેથી તેમણે ઈસ્લામિક સ્ટાઈલમાં પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. કેટવૉક કરનારી યુવતીઓએ આ પ્રસ્તુતિ પાછળ કંઈક અલગ કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ પહેલાં તેમણે આવું બીજે ક્યાંય જોયું નહોતું.
બોલીવુડ અને TV અભિનેત્રીઓ પણ ઇવેન્ટમાં હતી હાજર
ઑપઇન્ડિયાએ આ વિડીયોની પુષ્ટિ કરવા માટે શ્રીરામ ગ્રુપ ઓફ કોલેજના ડિરેક્ટર સુભાષ ચંદ્ર કુલશ્રેષ્ઠનો સંપર્ક કર્યો હતો. ફોન માનિક તોમર નામના વ્યક્તિએ ઉપાડ્યો હતો જેમણે પોતાને ડિરેક્ટરના PA તરીકે ઓળખાવ્યા હતા. આ ફેશન શોની પુષ્ટિ કરતા, માનિકે જણાવ્યું હતું કે વાયરલ થઈ રહેલો વિડીયો એક દિવસ પહેલા એટલે કે રવિવાર (26 નવેમ્બર 2023)નો છે. તેમણે કહ્યું હતું કે શ્રીરામ કોલેજમાં 3 દિવસના એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ-અલગ દિવસે અલગ-અલગ મુદ્દાઓ પર શો થયા હતા. લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ આ શોના ખાસ મુદ્દાઓ હતા.
માનિક તોમરને જમીયત ઉલેમાના વિરોધની જાણ નહોતી. તેમણે કોલેજમાં યોજાયેલા કાર્યક્રમને સારો અને પ્રશંસનીય ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની કોલેજ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સૂત્રને લઈને ખૂબ જ ગંભીર છે અને તે સૂત્રને સાકાર કરવા માટે પ્રયત્નો પણ કરી રહી છે. શ્રીરામ કોલેજને મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં ગણાવતાં માનિક તોમરે અમને એમ પણ કહ્યું હતું કે તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
કોલેજના જે કાર્યક્રમ પર વિવાદ થઈ રહ્યો છે, તેમાં માનિકે ઘણી મોટી હસ્તીઓ સામેલ હોવાની પણ જાણકારી આપી છે. જેમાં બોલીવુડ અભિનેત્રી મંદાકિની, TVઅભિનેત્રી વિંધ્યા તિવારી અને મોડલ મહેક ચહલ વગેરેનો સમાવેશ થાય છે. માનિક તોમરના જણાવ્યા અનુસાર, કોલેજની યુવતીઓની સાથે વિદેશની મોડલ્સે પણ રેમ્પ પર કેટવૉકમાં ભાગ લીધો હતો. માનિક તોમરે ખાસ કરીને આખા શોમાં બુરખા ઈવેન્ટની પ્રશંસા કરી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે જમીયત ઉલેમાના નિવેદન અને માંગણીઓ પર કોલેજ વતી જવાબ આપવા માટે માત્ર ડિરેક્ટર સુભાષ ચંદ્ર કુલશ્રેષ્ઠ જ અધિકૃત છે. ડિરેક્ટરનું નિવેદન આવશે ત્યારે સમાચાર અપડેટ કરવામાં આવશે.