7 ઓકટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા પેલેસ્ટાઇન સમર્થક આતંકવાદી સમૂહ હમાસના હુમલા બાદ બંને વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. હમાસે ઇઝરાયેલી નાગરિકોના નરસંહાર કર્યા બાદ ઇઝરાયેલે આતંકવાદી સંગઠનનું અસ્તિત્વ ખતમ કરવાના ઈરાદે કાર્યવાહી શરૂ કરી હતી. હમાસ શાસિત ગાઝા પટ્ટીના પૂર્વ ભાગમાં ઇઝરાયેલે કબજો કરીને આતંકવાદીઓને ખદેડી દીધા હતા. તેવામાં હવે અમરિકા અને મિસ્રની મધ્યસ્થતાથી ઇઝરાયેલ હમાસ વચ્ચે 4 દિવસનો યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. જોકે ઇઝરાયેલના સુરક્ષાદળોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ યુદ્ધવિરામ એ યુદ્ધનો અંત નથી.
ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ અનુસાર, ઇઝરાયેલ હમાસ વચ્ચે 4 દિવસનો યુદ્ધવિરામ શુક્રવાર (24 નવેમ્બર 2023)ના રોજ સ્થાનિક સમય અનુસાર 7 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. અમેરિકા અને કતારની મધ્યસ્થતામાં બંને પક્ષે બંધકોને મુક્ત કરવાની સમજૂતીમાં 7 ઓકટોબરના હુલા દરમિયાન હમાસના આતંકવાદીઓ દ્વારા કેદ કરવામાં આવેલી 50 ઇઝરાયેલી મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવશે. બદલામાં ઇઝરાયેલ 150 પેલેસ્ટાઇનના નાગરિકોને મુક્ત કરશે. જોકે રિપોર્ટમાં ઇઝરાયેલના રક્ષામંત્રી યોવ ગેલેન્ટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે યુદ્ધવિરામ પત્યા બાદ આગામી 2 મહિના માટે વધુ તીવ્રતાથી સૈન્ય અભિયાન ફરી શરૂ કરી દેવામાં આવશે.
⭕️Watch this important message from the IDF Spokesperson for Arab media, @AvichayAdraee, to the civilians of Gaza:
— Israel Defense Forces (@IDF) November 24, 2023
”The war is not over yet. The humanitarian pause is temporary. The northern Gaza Strip is a dangerous war zone and it is forbidden to move north. For your safety,… https://t.co/OmtxDYHIK3 pic.twitter.com/4gaJDxgy5I
આ મામલે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા દ્વારા પણ ગાઝાના રહેવાસીઓને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. IDF (ઇઝરાયેલ ડીફેન્સ ફોર્સ)ના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં પ્રવક્તા કહી રહ્યા છે કે, “યુદ્ધ હજુ ખતમ નથી થયું, આ યુદ્ધવિરામ અસ્થાયી છે. ઉત્તરી ગાઝા પટ્ટી હજુ પણ ખતરનાક યુદ્ધ ક્ષેત્ર છે અને ગાઝાના ઉત્તર ભાગમાં જવું હજુ પણ વર્જિત છે. પોતાની સુરક્ષા માટે લોકોએ દક્ષિણના માનવીય ક્ષેત્રોમાં જ રહેવું જોઈએ. પટ્ટીના ઉત્તરથી દક્ષિણ તરફ જવા માટે માત્ર સાલાહ અલ-દિન રોડથી જવું જ સંભવ છે. પટ્ટીના દક્ષિણથી ઉત્તર તરફ પ્રવાસ નિષેધ છે.” નોંધવું જોઈએ કે ગાઝામાં ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કરવા પહેલાં ઇઝરાયેલે ઉત્તર ગાઝામાં રહેતા તમામ નાગરિકોને દક્ષિણ તરફ ચાલ્યા જવા માટે સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે આ પ્રથમ યુદ્ધવિરામ છે. આ યુદ્ધવિરામને પગલે બંને પક્ષે કેદ કરવામાં આવેલા યુદ્ધકેદીઓને છોડવા ઉપરાંત ઇઝરાયેલ તરફથી ગાઝાના નાગરિકો માટે 4 ટેન્કર ઇંધણ તેમજ 4 ટેન્કર રસોઈ માટે વપરાતો ગેસ પણ મોકલવામાં આવી રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના અહેવાલ અનુસાર આ ટ્રક ઇજિપ્તની રફા સીમાથી થઈને ગાઝા પટ્ટીના દક્ષીણ ભાગમાં પ્રવેશી ચૂકી છે. રિપોર્ટ અનુસાર ઇઝરાયેલ જેલ સેવાએ પેલેસ્ટાઇનના કેદીઓને છોડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. અહેવાલ અનુસાર જો હમાસ વધુ ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કરવા સહમત થશે તો આ યુદ્ધવિરામ લંબાવાઈ શકે છે.