સપ્ટેમ્બર મહિનામાં G20 શિખર સંમેલનને સફળતાપૂર્વક પાર પાડયા બાદ હવે બીજું એક સંમેલન આજે એટલે કે બુધવારે (22 નવેમ્બરે) યોજાઈ રહ્યું છે. આ સંમેલન ડિજિટલ માધ્યમથી યોજાશે. વર્ચ્યુઅલ G20 સમિટનું નેતૃત્વ ભારત કરશે. PM નરેન્દ્ર મોદી G20 ડિજિટલ સમિટની અધ્યક્ષતા કરશે. આ માટે આફ્રિકન યુનિયન સહિત સમૂહના તમામ દેશો તેમજ 9 આમંત્રિત દેશોને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ડિજિટલ સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભાગ લેશે. સપ્ટેમ્બરમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા G20 શિખર સંમેલન દરમિયાન પુતિન હાજર રહી શક્યા નહોતા પણ તેઓ આ ડિજિટલ સમિટમાં ભાગ લેશે.
બુધવાર એટલે કે 22 નવેમ્બરે ભારતની અધ્યક્ષતામાં G20 ડિજિટલ સંમેલન (G20 Digital Summit) યોજાવા જઈ રહ્યું છે. જેનું નેતૃત્વ PM મોદી કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન દિલ્હી મેનિફેસ્ટોને લાગુ કરવા પર ચર્ચા કરવામાં આવશે. તેમજ આજે આધિકારિક રીતે બ્રાઝિલને G20નું પ્રમુખપદ સોંપવામાં આવશે. જે બાદથી બ્રાઝિલ 1 ડિસેમ્બરથી G20 સમૂહની કમાન સંભાળશે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ડિજિટલ સમિટમાં ભાગ લેશે નહીં. ભારતના G20 શેરપાએ આ ડિજિટલ સમિટને ‘દુર્લભ અને અસાધારણ’ ગણાવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આનાથી PM મોદીને ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિશ્વ નેતાઓ સાથે વાત કરવાની બીજી તક મળશે.
G20 ડિજિટલ સમિટમાં શાના પર થશે ચર્ચા?
G20 ડિજિટલ સમિટમાં સપ્ટેમ્બર શિખર સંમેલનમાં જે મુદ્દાઓ પર સહમતી બની હતી તે ક્ષેત્રોમાં કેટલું કાર્ય થયું અને શું પરિણામો મળ્યાં તે અંગે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય 17 નવેમ્બરે યોજાયેલી દ્વિતીય વોઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં જે મુદ્દાઓ ચર્ચાયા હતા તેને પણ G20 સમક્ષ મૂકવામાં આવશે. આગળ જણાવવામાં આવ્યું કે, વર્ચ્યુઅલ G20 સમિટનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મંચોને અસર કરતા વિભિન્ન G20 નિર્ણયોના અસરકારક અમલીકરણ પર ભાર આપવા માટેની દિશામાં આગળ વધવાનો છે. સાથે જ આ સમિટનો મુખ્ય એજન્ડા વિકાસ હશે.
ભારતના શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, “સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્ર અને SDG સમિટના સમાપન પછી બુધવારે (22 નવેમ્બરે) યોજાનારી G20 ડિજિટલ સમિટ વિશ્વના નેતાઓની મુખ્ય બેઠક હશે. સપ્ટેમ્બરમાં G20 સમિટમાં નવી દિલ્હી ઘોષણાપત્રને સર્વસંમતિથી અપનાવવામાં આવ્યા બાદથી વિશ્વએ વિવિધ ફેરફારોની શ્રેણી જોઈ છે.”
#WATCH | On the Virtual G20 Summit to be held tomorrow, G20 Sherpa Amitabh Kant says, "…The Leaders' Summit will be held tomorrow from 5:30 pm onwards under the chairmanship of PM Modi…At the closing session of the G20 Summit held in September, PM Modi suggested to the G20… pic.twitter.com/fB39UdRjuB
— ANI (@ANI) November 21, 2023
તેમણે વધુમાં કહ્યું કે, “દિલ્હી મેનિફેસ્ટોને લાગુ કરાયા બાદથી ઘણા નવા પડકારો ઉભા થયા છે. બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસ રહેશે. જ્યારે નેતાઓ અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે.”